ઓસ્ટ્રેલિયાને ફટકો : સ્મિથ ત્રીજી ટેસ્ટમાંથી આઉટ

લંડન, તા. 20 : એશિઝ સિરીઝની હેડિંગ્લેમાં તા. 22મીથી શરૂ થતી ત્રીજી ટેસ્ટ પૂર્વે ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડયો છે. તેનો ઇનફોર્મ અને સ્ટાર બેટસમેન સ્ટીવન સ્મિથ ઇજાને લીધે ત્રીજી ટેસ્ટની બહાર થઇ ગયો છે. આ જાણકારી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આજે આપી છે. કાંગારૂ કોચ જસ્ટિન લેંગરે સ્વીકાર્યું છે કે સ્મિથને ટીમના અભ્યાસ સત્રથી દૂર રાખવામાં આવ્યો છે. અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે બીજી ટેસ્ટમાં લોર્ડસના મેદાન પર સ્મિથને મેચના ચોથા દિવસે (શનિવાર) ઇંગ્લેન્ડના ઝડપી બોલર જોફ્રા આર્ચરનો બાઉન્સર ગરદન પર લાગ્યો હતો. આથી થોડી વાર માટે તે પિચ પર ઢળી પડયો હતો. ત્યારે તે 80 રને રમતમાં હતો. તે રિટાયર્ડ હર્ટ થયા બાદ બીજી વાર ક્રિઝ પર આવ્યો હતો અને 92 રને આઉટ થયો હતો. ગરદનમાં ઇજા થતાં પહેલાં તેને આર્ચરનો એક દડો હાથમાં પણ લાગ્યો હતો. સ્મિથે પહેલી ટેસ્ટની બન્ને ઇનિંગમાં સદી કરી હતી. તે હવે ત્રીજી ટેસ્ટની બહાર થઇ જતાં ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો  પડયો છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer