બન્નીમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલના આદેશની ઐસીતૈસી

ભુજ, તા. 20 : રાજાશાહી વખતથી ચરિયાણ પ્રદેશ તરીકેની છાપ ધરાવતા અને આઝાદીકાળથી વન તથા મહેસૂલ બંને તંત્ર વચ્ચે હકૂમત મુદ્દે અટવાયેલા બન્ની પ્રદેશમાં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલની પ્રિન્સિપલ બેંચે કોઇ પણ બાંધકામ કે ખેતપ્રવૃત્તિ કરવા પર મનાઇ હુકમ ફરમાવ્યો હોવા છતાં હાલ બન્ની ખેતીના જ ઉદ્દેશથી ખોદાઇ રહી હોવાનો આક્ષેપ ઊઠયો છે. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ મીરાશા ધોધા મુતવાએ જિલ્લા કલેક્ટરને લખેલા પત્રમાં કરેલા આક્ષેપ અનુસાર વરસાદ બાદ બન્નીના ભીરંડિયારા, સાડઇ, વડલી, મોટી દદ્ધર સહિતના ગામડાઓમાં સ્થાનિક લોકો દ્વારા ખેતીના ઉદ્દેશથી મોટા-મોટા પ્લોટમાં વાડા બનાવી ટ્રેક્ટર જેવા સાધનો સાથે ખેડમાં જોડાયા છે.બન્ની કચ્છનો જ નહીં પણ?એક સમયે એશિયાના શ્રેષ્ઠ ચરિયાણ પ્રદેશમાં સમાવિષ્ટ મુલક છે. ગરીબ માલધારીઓ ફક્ત દૂધ અને પશુપાલન પર જ નિર્ભર છે. હવે જો આ રીતે ગેરકાયદે વાડા બનાવી ખેતીના પ્લોટ પાડવામાં આવે તો જમીન દબાઇ જાય છે અને પશુઓને મુક્તપણે ચરિયાણનો હક્ક મળતો નથી. દબાણકારો માથાભારે અને સશત્ર હોવાથી ગરીબ માલધારીઓને ધાકધમકી કરે છે. પરિણામે ચરિયાણ માટે પશુઓને લઇને નીકળવું જ મુશ્કેલ બની જાય છે. આ સમસ્યા દર ચોમાસે ઊભી થતી હોવાથી અંતે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠને પોતાના વકીલ સંજય ઉપાધ્યાય અને ઈશા ક્રિષ્નનના સહયોગથી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ પ્રિન્સિપલ બેંચ નવી દિલ્હી ખાતે ધા નાખતાં બંને પક્ષકારોને સાંભળીને ટ્રિબ્યૂનલે રાજ્ય સરકાર પર તમામ કામગીરી હાથ ધરવાનો ભાર મૂક્યો અને ચાર માસનો સમયગાળો પણ મુકરર કર્યો, એ આદેશ અનુસાર તા. 31/10/19 સુધી બન્ની રક્ષિત જંગલ વિસ્તારનું સીમાંકન પૂર્ણ કરી તેનો વિગતવાર હેવાલ ટ્રિબ્યૂનલ સમક્ષ મૂકવો અને તે દરમ્યાન આ રક્ષિત વનની અંદર કોઇ પણ પ્રકારની નોન ફોરેસ્ટ એક્ટિવિટી, દબાણ જેવા બાંધકામ કરવા નહીં. જો થાય તો તુરંત હટાવવા સાફ આદેશ આપી હટાવવાની જવાબદારી રાજ્ય સરકાર પર મૂકી આગામી સુનાવણી છઠ્ઠી નવેમ્બરના નક્કી કરી હતી. દરમ્યાન સંગઠનનો આક્ષેપ છે કે ગ્રીન ટ્રિબ્યૂનલે તા. 3/7/19ના આદેશ આપી દીધો પછી વરસાદ થયો અને ફરી `વાડા' ખેડ શરૂ થઇ તો આ પ્રવૃત્તિ હવે તાકીદે રાજ્ય સરકારે અટકાવવી જોઇએ. હાલ તો ગ્રીન ટ્રિબ્યૂનલના આદેશની ઐસીતૈસી કરીને દબાણકારો પૂરજોશમાં કામે લાગી ગયા છે. જો આ રીતે ખેતી થશે તો દૂધાળા ઢોરના ચરિયાણનો પ્રશ્ન ઊભો થશે અને સમગ્ર ડેરી વ્યવસાયને ગંભીર ફટકો પડશે તેવી દહેશત પણ આ પત્રમાં વ્યક્ત કરાઇ છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer