ડયૂટી ભરાયા બાદ પણ કન્ટેનર મુક્ત કરાતા નથી

મુંદરા, તા. 20 : બંદર સ્થિત કાર્યરત ઓલ કાર્ગો, સી બર્ડ હની કોમ્બ સી.એફ.એસ.માં નિયત સમયમાં કામ થતું ન હોવાની સાથેસાથે કસ્ટમ બ્રોકરો ઉપરાંત આયાત-નિકાસકારો મુશ્કેલીમાં મુકાયા છે. ઓલ કાર્ગો સી.એફ.એસ.માં લાંબા સમયથી કસ્ટમ બ્રોકરો દ્વારા કામ થતું ન હોવાની ફરિયાદ સાંભળવા મળે છે. આયાતી કન્ટેનરો સી.એફ.એસ.માં કસ્ટમ પરીક્ષણ માટે ગ્રાઉન્ડિંગ કરવા માટે બે-ત્રણ દિવસનો સમય લગાડયા બાદ કન્ટેનર પરત સોંપાતા નથી અને ડિટેશન-ડેમરેજ ચાર્જ વસૂલી લીધા પછી પણ વિલંબથી ફક્ત ચાર્જ લગાડી છોડવામાં આવતા નથી. સૂત્રો માહિતી આપતાં જણાવે છે કે, કેન્દ્ર સરકારના નવા નિયમ મુજબ ડયૂટી ભર્યા પછી 24 કલાકમાં કન્ટેનરને મુક્ત કરવા જોઇએ. સી.એફ.એસ.ના વર્તુળો સૌથી વધારે ચાર્જ વસૂલ કરી આયાત-નિકાસકાર અને કસ્ટમ બ્રોકરોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે. મુંદરામાં શિપિંગ કન્ટેનર લાઇનો પોતાના નિયત કરેલા સી.એફ.એસ.માં કન્ટેનરો લઇ જાય છે. તેઓ ચોક્કસ સી.એફ.એસ.ને બિઝનેસ આપતા હોવાથી આવા સી.એસ.એફ. શિપિંગ લાઇનરોને તથા તેના અધિકારીઓને અદ્ધરની રકમ અને અન્ય સુવિધા આપે છે તેવો આક્ષેપ સૂત્રો કરી રહ્યા છે. એકવાર આયાતી કન્ટેનર સી.એફ.એસ.માં આવી ગયા બાદ કસ્ટમ બ્રોકરે તેને ત્યાંથી જ ક્લીયર કરવું પડે છે. ઇરાદાપૂર્વક કામને ધીમું પાડી જેથી ઊંચા વેરા વસૂલી શકાય. આ અંગેની એક ફરિયાદ મુંદરા કસ્ટમ બ્રોકર એસોસિયેશન દ્વારા છેક પી.એમ. હાઉસ સુધી કરવામાં આવી છે જેની તપાસ કસ્ટમ તંત્ર દ્વારા ચાલી રહી છે પણ પગલાં લેવામાં આવતાં નથી. સૂત્રો જણાવે છે કે, આવા સી.એફ.એસ. તેની ક્ષમતા કરતાં અનેકગણો વધારે બિઝનેસ શિપિંગ લાઇન પાસેથી લઇ લે છે અને સર્વિસના નામે હાથ ઊંચા કરી નાખે છે. આજે આ બાબતે સાથે મળી રજૂઆત કરવામાં આવી હતી જેના અનુસંધાને સી.એફ.એસ. વિરુદ્ધ તપાસ કરવાની અને ઇરાદાપૂર્વકની ચૂક કે ક્ષતિ જણાશે તો પગલાં લેવાની ખાતરી કસ્ટમ તંત્ર દ્વારા આપવામાં આવી હતી. જો કે, કસ્ટમ બ્રોકરના સભ્યોએ ભારે નારાજગી સાથે જણાવ્યું હતું કે, જો ચોક્કસ સી.એફ.એસ.ની  આડોડાઇ વિરુદ્ધ કસ્ટમ તંત્ર જો કોઇ પગલાં નહીં ભરે તો હડતાળ ઉપર જઇને ન્યાય મેળવશે. ડે. કસ્ટમ કમિશનર સ્વપ્નીલ બાયકર અને ડે. કમિશનર ચિંતન પટેલ સમક્ષ?રજૂઆતો કરી હતી. અન્ય મુદ્દાની વિગત આપતાં સૂત્રો જણાવે છે કે, માલ ભરવા આવેલી ટ્રકનો ગેટ બપોરે 12 વાગ્યા સુધીમાં જ્યારે કાર્ગો બીજા દિવસે સાંજ સુધી ભરી આપવામાં આવે છે. મુંદરામાં આવેલા સી.એફ.એસ.નો હેન્ડલિંગ ચાર્જ?રૂા. 7200થી 8500 (20 ફૂટના) અને રૂા. 13000થી 14000 સુધીના (40 ફૂટના) ઉપરાંત અન્ય પરીક્ષણ ચાર્જ વગેરે થઇને રૂા. પાંચ હજાર વસૂલવામાં આવે છે. જેમાં કાર્ગો પેમેન્ટ ચાર્જ રૂા. 425થી 475 ફક્ત ટ્રકને વજનકાંટા ઉપર મૂકવાના ચૂકવવા પડે છે. બહાર વજન કાંટાનો ચાર્જ રૂા. 50થી 100 સુધી જ છે. નિયમ મુજબ કાંટો કરીને માલ અંદર લેવો અને આપવો જે જવાબદારી સી.એફ.એસ.ની છે છતાંય આયાત-નિકાસકારો પાસેથી ચાર્જ લેવાય છે. સૂત્રો આક્ષેપ કરતાં જણાવે છે કે ચોક્કસ સી.એફ.એસ.ના વર્તુળો ધરાર ચાર્જ વધુ વસૂલી કરી ઉદ્ધત વર્તન કરે છે જેથી તેમની વિરુદ્ધ કસ્ટમ તંત્રે પગલાં લેવા જોઇએ. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer