13 નંબરની જેટી મામલે ડીપીટીને 60 કરોડનો જંગી રકમનો ફટકો

ગાંધીધામ, તા. 20 : અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટે કંડલાની 10 નંબરની જેટી ખાનગી ભાગીદારીમાં આપ્યા પછી અચાનક એ કરાર રદ કરીને તે જેટીનો કબજો લઈ લીધો હતો. કરારની શરત મુજબ ડીપીટીએ બેંકને ધિરાણના 90 ટકા ચૂકવવા જોઈતા હતા જે નહીં ચૂકવાતાં હવે બે વર્ષે આર્બીટ્રેટરના આદેશ પ્રમાણે આ નાણાં વ્યાજ સહિત ચૂકવવા જણાવાતાં ડીપીટીને રૂ.60 કરોડનો જંગી રકમનો ફટકો પડયો છે. ડીપીટીના અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળેલી માહિતી પ્રમાણે વર્ષ 2017ના સપ્ટેમ્બર મહિને 13 નંબરની જેટીનો કબજો ડીપીટીએ સંભાળ્યો હતો. એવી જ અન્ય 15 નંબરની જેટીના કેસમાં પાર્ટીએ કબજો નહીં આપતાં તે માટે ડીપીટીએ બેંક ધિરાણના 90 ટકા નાણાં બેંકને ભર્યાં હતાં અને કબજો મેળવ્યો   હતો. આમ 13 નંબરની જેટીમાં સંબંધિત પાર્ટી રાસ ઈન્ફ્રાને પરેશાન કરવા બેંક ધિરાણના 90 ટકા ચૂકવ્યા વિના કબજો લેવાયો હોવાનો આક્ષેપ ઊઠયો છે. આર્બીટ્રેટરમાં આ કેસ ચાલતાં અંતે કરારની શરતો સ્પષ્ટ હોવાથી બેંક ધિરાણના 90 ટકા એટલે કે રૂ. 180 કરોડ તથા તેના ઉપર બે વર્ષનું વ્યાજ 60 કરોડ એમ રૂ. 240 કરોડ બેંકને બે સપ્તાહમાં ચૂકવવા આદેશ થતાં ડીપીટીમાં સોપો પડી ગયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ મોટા આર્થિક ફટકા માટે કોણ જવાબદાર છે તે નકકી થવું જોઈએ. એક જ પ્રકારની શરતો, કરાર છતાં બે જેટીના કબજા પ્રકરણમાં ફરક કઈ રીતે આવે તે મોટો પ્રશ્ન છે. જાણકારોના કહેવા મુજબ બે વર્ષ દરમ્યાન આ જેટીના ઉપયોગથી ડીપીટીએ ઓછામાં ઓછો 100 કરોડનો ધંધો કર્યો છે. હવે રાસ ઈન્ફ્રાનો કેસ હજુ પડતર હોવાથી હવે તેમાં ડીપીટીને ફટકો પડશે કે કેમ તે તરફ સૌની મીટ મંડાઈ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer