અંજાર તાલુકાની 109 ગ્રામ પંચાયતો ગૌચરમાંથી બાવળ કાઢી, ઘાસ વાવી નવતર પ્રયોગ કરે

અંજાર, તા. 20 : અહીં અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠનની કારોબારી બેઠકમાં તાલુકાની તમામ ગ્રામ પંચાયતોમાં હાલમાં થયેલી નવી પશુગણતરીના આંકડાની સામે ગૌચર જમીન કેટલી છે અને કેટલી ઘટ છે તેના માટે ગ્રામ પંચાયતો મારફતે ગૌચર જમીન નીમ કરવાની માગણી મુકાવવા તેમજ મોડલ 10 ગ્રામ પંચાયતો પોતાની ગૌચર જમીનમાં બાવળ કાઢી ઘાસનો પ્લોટ વાવી નવતર પ્રયોગ કરે તેવું નક્કી કરાયું હતું. દરેક ગ્રામ પંચાયતોમાં તળાવો હોય છે, પરંતુ મિલકત રજિસ્ટરમાં ચડેલા હોતા નથી, તેના પર કોઇ દબાણ કરે તો દૂર કરવા સમયે અને સરકારી કામો કરવામાં પણ તકલીફ પડે છે તેથી તાલુકાની 10 ગ્રામ પંચાયતોથી તળાવોને મિલકત રજિસ્ટરમાં ચડાવવાનું કામ કરવાની શરૂઆત કરવાનું નક્કી કરાયું હતું. કંપનીઓ સીએસઆરમાંથી શું કરવાની છે તેની માહિતી  પંચાયત સંગઠનને આપે અને ગ્રામ પંચાયતો સુધી પહોંચાડે તેવું આયોજન કરવા અને ગ્રામ પંચાયત ડેવલપમેન્ટ પ્લાન માટે સંગઠન માર્ગદર્શન આપે તેવું નક્કી કરાયું હતું. મામલતદારને જનસેવા કેન્દ્રમાં અંજાર શહેર અને ગ્રામ્ય માટે અલગ બારી કરાવવા આવેદનપત્ર આપવા ઠરાવાયું હતું. આગામી બે માસમાં ગ્રામ પંચાયતોમાં કરવાની ગવરનન્સ ઓડિટનું આયોજન કરાયું. આ બેઠકમાં ઉપસ્થિત કચ્છ જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશભાઇ છાંગાએ ગૌચર જમીન કેવી રીતે નીમ કરવી અને તળાવોને મિલકત રજિસ્ટરમાં ચડાવવાની માહિતી આપી હતી. તેમની અંજાર તાલુકા સંગઠનના સલાહકાર તરીકે વરણી કરાઇ હતી. બેઠકમાં અંજાર તાલુકા ગ્રામ પંચાયત સંગઠનના પ્રમુખ શામજીભાઇ હીરાણી, ઉપપ્રમુખ રાંભઇબેન આહીર, ધનજીભાઇ મહેશ્વરી, મહામંત્રી બાબુભાઇ આહીર, મંત્રી કોકિલાબેન મોથલિયા, ખજાનચી ધીરજલાલ પરમાર, કારોબારી સભ્યો રમાબેન ચૌહાણ, વિશનજી સોઢા, શામજીભાઇ કોલી, અનિતાબેન ચૌહાણ, સલાહકારો નારાણભાઇ ચૈયા, ફાલ્ગુનભાઇ આહીર, નારાણભાઇ ડાંગર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ ખેરાજભાઇ મહેશ્વરીએ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer