જિલ્લામાં નવ સ્થળે દરોડામાં 48 ખેલી કાયદાના સકંજામાં

ભુજ, તા. 20 : જિલ્લામાં જુગારની બદી સામે પોતાની કાર્યવાહી અવિરત રાખવા સાથે પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં નવ સ્થળે પડાયેલા દરોડામાં ચાર ડઝન ખેલી કાયદાના સકંજામાં ફસાયા હતા. આ કામગીરી અંતર્ગત રૂા. બે લાખથી વધુની માલમતા કબ્જે લેવાઇ હતી અને જવાબદારો સામે ગુના દાખલ કરાયા હતા.  સત્તાવાર સાધનો પાસેથી મળેલી જાણકારી મુજબ ભુજની ભાગોળે માધાપર ગામે બે સ્થળે ઉપરાંત મથલ (નખત્રાણા), મઉં (માંડવી), આરીખાણા (અબડાસા), ભારાપર (ગાંધીધામ), રાપર, કોટડા (અંજાર) અને કંડલા ખાતે આ પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી.  - માધાપરમાં એલ.સી.બી. ત્રાટકી  : ભુજના પાદરમાં આવેલા માધાપર ગામે નવાવાસ વિસ્તારમાં કોટકનગર ત્રણ રસ્તા નજીક દેવજી રામજી પિંડોરિયાના વરંડા પાસે પોલીસદળની જિલ્લા સ્થાનિક ગુનાશોધક શાખાએ ગઇકાલે ઢળતી બપોરે દરોડો પાડયો હતો. જેમાં માધાપરના દિનેશ કાનજી આહીર અને વિશાલ જેઠાલાલ આડેસરા ઉપરાંત ધાણેટીના દિલીપ વાલજી આહીર અને પ્રવીણ ગણેશ આહીરને પકડાયા હતા. આ તહોમતદારો ગંજીપાના વડે તીનપતીનો જુગાર રમી રહ્યા હતા ત્યારે પડાયેલા આ દરોડામાં રૂા. 2890 રોકડા અને મોબાઇલ ફોન બે મળી રૂા. સાત હજારની માલમતા કબજે કરાઇ હતી. આરોપીઓ સામે શાખાના ધર્મેન્દ્ર મૂળશંકર રાવલે ગુનો દાખલ કરાવ્યો હતો.  - માધાપર : 10 મહિલા જબ્બે  : ભુજ તાલુકાના માધાપર ગામે યક્ષ મંદિર સામે જોગીવાસ વિસ્તારમાં ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી 10 મહિલાને સ્થાનિક બી. ડિવિઝન પોલીસે રૂા. 2120ની રોકડ સાથે ઝડપી પાડી હતી. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ ગઇકાલે સંધ્યા સમયે થયેલી આ કાયદાકીય કાર્યવાહીમાં આ વિસ્તારમાં રહેતા હેમા કાના જોગી, જશુબેન ધનજી જોગી, નીલમબેન ભવાન જોગી, તારાબેન મૂળજી જોગી, કિરણબેન રમેશ જોગી, મરિયાબેન રામજી જોગી, ભારતીબેન રમેશ જોગી, લક્ષ્મીબેન ભીખા જોગી, પાર્વતીબેન ધનજી જોગી અને રતનબેન વાલજી જોગીને પકડી પડાયા હતા.  - મથલમાં ચાર જણ ગિરફતાર  : નખત્રાણા તાલુકાના મથલ ગામે  ગામના જય દિનેશ ગરવા, મોહન દિનેશ ગરવા, ગોપાલ રામજી ભદ્રુ અને નરશીં પરબત ભદ્રુને ધાણીપાસા વડે જુગાર રમવાના આરોપસર ઝડપી પડાયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મથલમાં મફતનગર વિસ્તારમાં હરજી ધનજી ભદ્રુના ઘરની સામે ગઇકાલે સંધ્યા સમયે થયેલી આ પોલીસ કામગીરીમાં તહોમતદારો પાસેથી રૂા. 1750 કબજે કરાયા હતા. - મઉંમાં ચાર ખેલી સકંજામાં  : દરમ્યાન માંડવી તાલુકામાં મઉં ગામે ગંગેશ્વર મહાદેવ મંદિર પાછળ બાવળોની ઝાડી વચ્ચે ધાણીપાસા વડે જુગાર રમી રહેલા દેવપર ગઢના સની દામજી ધેડા મહેશ્વરી, મોટી મઉંના સુરેશ રાણા ભોઇયા, સંગ્રામજી હાલામણજી મોખા અને અરાવિંદ ખીયશી રોશિયાને પકડાયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ પાસેથી રૂા. 10,520 રોકડા અને રૂા. સાત હજારના પાંચ મોબાઇલ ફોન કબજે કરી તેમની સામે ગુનો દાખલ કરાયો હતો. - આરીખાણામાં ત્રિપુટી ઝપટે  : અબડાસામાં આરીખાણા ગામે તળાવની પાળ પાસે બાવળની ઝાડીઓ વચ્ચે ધાણીપાસા વડે જુગાર રમતા ગામના હરદેવાસિંહ ખાનુભા જાડેજા, પ્રેમજી જખુ મહેશ્વરી અને પ્રવીણાસિંહ ચાંદુભા જાડેજાને રૂા. 1510 રોકડા અને એક મોબાઇલ ફોન સહિત કુલ્લ રૂા. બે હજારની માલમતા સાથે પકડાયા હતા. કોઠારા પોલીસે ગત મોડીરાત્રે આ કાર્યવાહી કરી હતી તેમ પોલીસે ઉમેર્યું હતું.  - ભારાપરમાં 7 ખેલી ઝડપાયા  : ગાંધીધામ તાલુકાના ભારાપર નજીક બી.પી.એલ. કોલોનીમાં પોલીસે છાપો માર્યો હતો. અહીં જાહેરમાં જુગાર ખેલતા રસૂલખાન કેસખાન મલેક, અઝરૂદ્દીન નથુ સિપાઈ, અબ્દુલ રમજાન સિપાઈ, ગુલાબ નિજામ સિપાઈ, અલ્તાફ નૂરમામદ સિપાઈ, નસુરદ્દીન નૂરમામદ સિપાઈ અને કાસમ રમજાન સિપાઈને પોલીસે પકડી પાડયા હતા. આ ઈસમો પાસેથી રોકડા રૂા. 15,500, 6 મોબાઈલ, એક એક્ટિવા, એક છકડો એમ કુલ રૂા. 1,75,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.  - રાપરમાં ચારની ધરપકડ : રાપરની એકલશક્તિ હોટેલની પાછળ આવેલા ખુલ્લા મેદાનમાં જુગાર ખેલાઈ રહ્યો હતો, ત્યારે પોલીસે પૂર્વ બાતમીના આધારે છાપો માર્યો હતો. અહીં પત્તા ટીંચતા હાજી આસમ સમેજા, રામજી પચાણ ગોહિલ, અબ્દુલ ગુલમામદ રાયમા અને અબ્રાહમ ખેતા સમેજા નામના ઈસમોની અટક કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 10,660 તથા બે મોબાઈલ એમ કુલ રૂા. 11,660નો મુદામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. - અંજારના કોટડામાં પણ નવની અટક : કોટડા ગામમાં જાહેરમાં જુગાર રમતા ચાંદ્રાણી તથા કોટડાના જ એવા અલી ઓસમાણ ધલ, ભચુ બાવલા સિરાજ, ઉમર મામદ બાવા, પ્રવીણભા ભૂરાભા ગઢવી, હુસેન અયુબ બાવા, અબ્દુલ દાઉદ કુંભાર, હસન વલીમામદ બાવા, રવજી રામજી કોળી અને ભરત રવજી કોઠીવાર (આહીર) નામના શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 11,000 જપ્ત કરવામાં આવ્યા હતા. - કંડલામાં પણ કામગીરી થઈ ખરી  : શ્રાવણિયા જુગાર સંદર્ભે સમગ્ર જિલ્લામાં પોલીસે દરોડા પાડીને અનેકને પાંજરા પાછળ ધકેલી દીધા હતા, તેવામાં કંડલામાં આવેલા ચંદન ગોદામની સામે ખુલ્લી જગ્યામાં પોલીસે છાપો માર્યો હતો. ત્યાં જુગાર રમતા નંદકિશોર લાલન ચૌધરી, સુરેશ સોની સહાની, જીવતરાજ મંગલરાજ રાજભટ્ટ નામના શખ્સોની અટક કરવામાં આવી હતી. આ શખ્સો પાસેથી રોકડા રૂા. 530 કબ્જે કરવામાં આવ્યા હતા. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer