કચ્છમાં કૂતરા કરડવાના 18 હજાર બનાવ

ભુજ, તા. 20 : કચ્છમાં શહેરી અને ગ્રામ વિસ્તારમાં કૂતરા કરડવાની ઘટના સંદર્ભે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના નિવાસી તબીબી અધિકારી ડો. હિંમતલાલ કતિરાએ નજીકના સરકારી હોસ્પિટલમાં હડકવા વિરોધી એ.આર.વી. મુકાવી લેવા સાથે તાત્કાલિક ધોરણે લેવાની થતી પ્રા. સારવાર અને  તકેદારી અંગે કેટલીક માર્ગદર્શિકા જારી કરી હતી. ડો. કતિરાના જણાવ્યા અનુસાર શરીરના જે ભાગ ઉપર કૂતરું કરડ્યું હોય તે ભાગને પાણી અને સાબુથી સવેળા ધોઈ નાખવું જોઈએ. શક્ય હોય તો ડેટોલ જેવા જંતુનાશક પ્રવાહીથી સાફ કરવું હિતાવહ છે. સાથેસાથે ઘાવ ઉપર પુષ્કળ પાણી પણ રેડી દો જેથી તેમાં ચોંટેલો ઝેરી વાયરસ ધોવાઈ જાય. ઘણીવાર કૂતરું કરડ્યું ન હોય તો પણ અવગણના કરવા જેવી નથી કારણ કે, આ પ્રાણી પોતાના નખ પણ ચાટતું હોવાથી શક્ય છે કે, તેમાં લાળ ભળી હોય તો તેની સીધી અસર થાય છે. એટલે નખનાં માધ્યમથી લાળ ચામડી મારફતે શરીરમાં પ્રવેશે છે. તેથી ઉઝરડાને ધોવાની જરૂર પડે છે. કચ્છમાં છેલ્લાં એક વર્ષ દરમિયાન જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ જિલ્લાસ્તરની સરકારી હોસ્પિટલમાં નોંધાયેલા કૂતરા કરડવાના 18 હજાર જેટલા બનાવો બન્યા છે. સારવાર રૂપે પ્રથમ એ.આર.વી. રસી મૂકવામાં આવે છે. જો ઘાવ ગંભીર હોય તો એ.આર.એસ. સીરમ તેમજ ઘાવ ઉપર ગામા ગ્લોબ્યુલીન ઇન્જેક્શન મૂકવામાં આવે છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer