`મુખ્યમંત્રી કે શિક્ષણમંત્રી પણ મારું કંઇ બગાડી નહીં શકે !''

ભુજ, તા. 20 : કચ્છ યુનિવર્સિટીમાં નવા શરૂ થયેલા સમાજશાત્રના પ્રાધ્યાપક સામે વિદ્યાર્થીઓમાં વિવિધ ફરિયાદો સાથે રોષ ઊઠયો છે અને 19 વિદ્યાર્થીઓએ લેખિતમાં કુલપતિને પત્ર લખીને 17 મુદ્દે તેમને થતી વિવિધ હેરાનગતિની રજૂઆતો કરી છે. એમ.એ. સમાજશાત્રના 8 વિદ્યાર્થી અને 11 વિદ્યાર્થિનીઓએ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને સંબોધીને લખેલા પત્રમાં આ વિભાગમાં પ્રાધ્યાપક જયદેવસિંહ રાયજાદા વિરુદ્ધ ફરિયાદો કરીને તેમની સામે કાર્યવાહીની માગણી કરી છે. પત્રમાં પ્રો. રાયજાદા સામે આક્ષેપો કરવામાં આવ્યા છે કે, તેઓ વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ, મનફાવે તેવા ઉચ્ચારણોથી એડમિશન રદ કરવાની અને કોઇ કંઇ બોલશે તો મારી નાખવાની ધમકી આપીને હેરાનગતિ કરે છે. વધુમાં પત્રમાં આ અધ્યાપક સામે અભ્યાસ વખતે ઘરેલુ વાતો કરવાના, વર્ગખંડમાં મોબાઇલમાં વ્યસ્ત રહેવાના, કેસ કરીને જેલમાં નાખી દેવાની ધમકી આપવાના, ઇન્ટરનલમાં ફેઇલ કરવાની ધમકી આપવાના, આર્થિક નબળા વિદ્યાર્થીઓને ગેટઆઉટ કહી લેકચરમાં બેસવા ન દેવાના અને ફ્રી લેકચરમાં લાયબ્રેરીમાં જવા દેવાતા ન હોવાના આક્ષેપો કર્યા હતા. એટલું જ નહીં, છાત્રોએ એવો પણ આરોપ મૂક્યો કે આ પ્રાધ્યાપક એવું બોલીને ધમકાવે છે કે, `મુખ્યમંત્રી કે શિક્ષણમંત્રી પણ મારું કંઇ બગાડી નહીં શકે'! 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer