તા. 24/8ના રોહિણી નક્ષત્ર હોવાથી જન્માષ્ટમી તે જ દિવસે ઊજવાય

ભુજ, તા. 20 : શ્રાવણ વદમાં બે છઠ્ઠ આવતાં શીતળા સાતમ અને જન્માષ્ટમી ક્યારે કરવી તેવી અવઢવ લોકોમાં થઈ છે અને આ બાબતે તિથિઓની સ્પષ્ટતા કરવી જરૂરી બને છે. કચ્છ જિલ્લા વિદ્વત બ્રાહ્મણ મંડળના કોર કમિટીના સભ્ય અને કચ્છ જિલ્લા સારસ્વત બ્રાહ્મણ વિદ્વત સમિતિના સલાહકાર વિશ્વનાથ જોશીની યાદી મુજબ શ્રાવણ વદ છઠ્ઠ વૃદ્ધિ તિથિ છે. તા. 21/8 બુધવારના રાંધણછઠ્ઠ કહેવાશે. કારણ કે 22/8 ગુરુવારના સવારે 7.07 મિનિટે શીતળા સાતમની શરૂઆત થઈ જાય છે, જે આખો દિવસ રહેશે. તા. 23/8ના સવારના 8.09 મિનિટે આઠમની શરૂઆત થાય છે. જેથી કૃષ્ણ જયંતી અને આઠમ તા. 24/8 સવારે 8.32 સુધી છે. 24/8ના સવારે 8.32થી નોમ તિથિ શરૂ થઈ જાય છે. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ રોહિણી નક્ષત્રમાં થયો છે. આ રોહિણી નક્ષત્ર તા. 24/8ના રાત્રે 23.16 સુધી છે. બ્રહ્મવૈવર્તક પુરાણમાં કહ્યું છે કે `અષ્ટમી કર્ક્ષ સંયુક્તા રાત્રિ અર્ધે યદિ દ્શ્યતે સ એવ મુખ્ય કાલચ તત્ર જાતો હરિ સ્વયમ્' (શ્રી કૃષ્ણ જન્મ અર્ધરાત્રિ વ્યાપિની અષ્ટમી તિથિમાં થયો હોવાથી તે જ જન્માષ્ટમી વ્રતનો મુખ્ય કાળ છે.) તો નિર્ણય સિંધુમાં બીજા ભાગના પૃષ્ઠ-69 પર બતાવ્યા મુજબ અષ્ટમી બે પ્રકારની છે. એક શુદ્ધા બીજી વિદ્રા, દિવસે અથવા રાત્રિએ સાતમના યોગ રહિત એવી જે દિવસે જેટલી હોય તે દિવસે તેટલી શુદ્ધા જાણવી. અગ્નિપુરાણમાં લખ્યું છે `વર્જનિયા પ્રયત્નેન સપ્તમ્યા સંમુતાષ્ટમી  ા સઋક્ષાડપિ ન કર્તવ્યા સપ્તમ્યા સંયુતા યદિ ાા શ્રી કૃષ્ણ જન્મોત્સવ માટે અષ્ટમી રોહિણી નક્ષત્રયુક્ત હોવી જોઈએ તે શાત્રશુદ્ધ નિર્ણય છે અને નિશિથકાલ વ્યાપી જરૂરી છે. આમ તા. 23/8 તિથિ શિવપંથીની કૃષ્ણ જયંતી ગણાય, વ્રત રાખી શકાય. પરંતુ ગોકુળ, મથુરા નગરમાં વૈષ્ણવપંથી જન્માષ્ટમી ઊજવાય છે. શનિવાર તા. 24/8ના ઉદયાત આઠમ તિથિ પણ છે અને રાત્રે 12 વાગ્યે રોહિણી નક્ષત્ર પણ છે, તેથી 24/8ના જન્માષ્ટમી ઊજવાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer