વૃક્ષ આપણી પ્રકૃતિ અને તળાવ આપણી સંસ્કૃતિ

વૃક્ષ આપણી પ્રકૃતિ અને તળાવ આપણી સંસ્કૃતિ
ચકાસરીવાંઢ (તા. રાપર), તા. 19 : `વૃક્ષ આપણી પ્રકૃતિ અને તળાવ આપણી સંસ્કૃતિ' નામક અહીંના વાંઢ વિસ્તારમાં પર્યાવરણ સુરક્ષા અંગેનો એકદિવસીય સેમિનાર નીલપરના ગ્રામ સ્વરાજ સંઘ દ્વારા યોજાયો હતો.  આ પ્રસંગે જળસંગ્રહના કામોના શ્રીગણેશ થયા ત્યારે ઝરમર વરસાદ પણ ચાલુ હતો. ગ્રામ સ્વરાજ સંઘના વ્યવસ્થાપક નકુલભાઈએ જણાવ્યું કે, સંસ્થા શિક્ષણ, લોકજાગૃતિ, પર્યાવરણ સુરક્ષા અને આફતમાં સપડાયેલાને મદદ કરે છે. વંચિત પરિવારોને જાગૃત કરવા અને સક્ષમ કરવા માટે એક મહત્ત્વનું ધ્યેય અને કામ માને છે. મંત્રી દિનેશભાઈ સંઘવીએ જણાવ્યું કે, `વાંઢ એટલે વંચિતોનો મુલક.' માત્ર પચાસેક વર્ષ પહેલાં વિરડા, છીછરા કૂવા અને નાની તળાવડીઓ પાકો આધાર હતા. આજે એ તમામ આધારો સૂકાભઠ્ઠ છે, એનું અતિશય દોહન થવાથી ઉપરનું પાણી ખતમ થઈ ગયું છે. નર્મદા આધારિત પેયજળ મૃગતૃષ્ણા કે ઝાંઝવાનાં જળ સમાન છે. બાકી હતું એ ટયૂબવેલ બનતાં પાણીની ઘોર ખોદાઈ ગઈ. હવે અહીં પીવાનું શુદ્ધ પાણી નથી. પ્રાથમિક આરોગ્યની કોઈ જ પ્રકારની સુવિધા પાસેના હટાણાના ગામમાં પણ નથી, પાકો રસ્તો નથી, આંગણવાડી કે બાબાવાડી નથી,  પણ વરસાદની આશા બંધાય અને વાંઢમાં પ્રાણનો સંચાર થાય અને જીવન ધબકતું થાય છે. પર્યાવરણની સુરક્ષા બાબતે વાંઢના સમાજે કરેલી પહેલને બિરદાવતાં રમેશભાઈ સંઘવીએ જણાવ્યું કે, વાંઢ એ તો ખૂબ જ નાનું એકમ છે. અહીં ભાઈચારો વધે, રુઢિ-રિવાજો નકામા હોય એ તજવા જોઈએ અને વ્યસનનો વિચાર કરવો જોઈએ. શિક્ષણ, સમજદારી અને ભાઈચારો વધે અને ટકી રહે એ બહુ જ મહત્ત્વનું છે.  દલપતભાઈ દાણીધારિયાએ પર્યાવરણની પહેલને વધાવતાં જણાવ્યું કે, તમે વૃક્ષ અને પાણીનાં કામો કરવાનું શરૂ કર્યું છે. વિવેકાનંદ સંસ્થા દ્વારા પાણીસંચય માટેના 18 પ્રકારના વિભિન્ન સ્ટ્રક્ચર દ્વારા પાણીને બચાવવાનું, ભૂગર્ભમાં ઉતારવાનું કામ કરાય છે તેની વિગતો આપી હતી. સહજીવન સંસ્થાના સ્થાપક સંદીપભાઈ વીરમાણીએ જણાવ્યું કે, આશરે 5000 વર્ષ પહેલાંથી ખડીરના ધોળાવીરામાં નદીઓને બાંધીને તળાવમાં પાણી સંગ્રહ કરવાની ખૂબ જ ઉપયોગી અને પ્રેરક પરંપરા શરૂ થઈ. એક તળાવમાંથી બીજા તળાવમાં અને બીજામાંથી ત્રીજામાં એમ તળાવોમાં સંગ્રહ કરવામાં આવતો હતો અને લોકોને પાણીનો દુકાળ નહોતો પડતો. અને આમ તળાવ સંસ્કૃતિ ધોળાવીરાથી શરૂ થઈ. રાજકોટમાં પર્યાવરણ કેન્દ્ર ચલાવતા તુષાર પંચોલીએ સજીવ ખેતી, ગૃહવાટિકામાં શાકભાજીની ખેતી કરવાની એક નવીન વાતનો વિચાર આપ્યો હતો. વાગડ વિસ્તારમાં વિકાસ માટે કામ કરતી સંસ્થા `સમર્થ'ની ટીમ વતીથી બળવંતભાઈએ તળાવ માટે વાર્ષિક ફાળો થાય તો તળાવના રખરખાવનું કામ ખૂબ જ સુંદર રીતે થઈ શકશે અને આ વિસ્તારમાં જેઠ સુદ અગિયારસ- ભીમ અગિયારસના દિવસે ગામના તમામ પીવાનાં પાણી માટેનાં સ્રોતની સાફસફાઈમાં અબાલ-વૃદ્ધ સૌ સાથે મળીને વાવ, કૂવા, તળાવની સફાઈ કરતા અને આ દિવસને નવાણી અગિયારસ પણ કહેવાતી. વાગડના પાંચ-છ ગામમાં આ પરંપરા હજુ ચાલુ છે. કોળી આગેવાન પાંચાભાઈ પરસોંડે દીકરીના શિક્ષણની વાત સાથે વૃક્ષ અને પાણીનાં કામમાં સહભાગી થવા હાકલ કરી હતી. `ગ્રીન ગ્રીમ'ને જીવનનું ધ્યેય બનાવનારા યોગેશભાઈ જોષીએ જણાવ્યું કે, વાગડ વિસ્તારને હરિયાળો બનાવવા 1999થી વૃક્ષોનો પ્રચાર-પ્રસાર શરૂ કર્યો. રાપર, નીલપર, બાદરગઢ, સઈ, પ્રાગપર, ડાભુંડા, ટીંડલવા વગેરે ગામોમાં ખેડૂતો-વેપારીઓમાં, મંદિરોમાં, તળાવો ઉપર અને પડતર જમીનોમાં વૃક્ષોનાં વાવેતર માટે શક્ય તે તમામ પ્રયત્નો સફળ રહ્યા છે. વૃક્ષ અને પાણીનાં જતન કરવા બાબતે સૌએ સંકલ્પ લીધા હતા. આડેસરના સરપંચ ભગાભાઈ આહીરનું ગામમાં અને જાહેર જગ્યાઓ ઉપર કુલ 3000 જેટલા વૃક્ષોની રોપણી કરી ઉછેરવા માટે ગ્રીન ડ્રીમના સ્વપ્નદૃષ્ટા યોગેશભાઈનું છ જેટલી વાંઢમાં તળાવ અને વૃક્ષારોપણ કરનારી વાંઢ સમિતિનું સન્માન કરાયું હતું. હિતેશભાઈએ આભારદર્શનમાં સહકારમાં રહીને કામ કરતી સંસ્થાઓ સમર્થ અને પર્યાવરણ કેન્દ્ર-રાજકોટનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. વાંઢ સમાજના લોકો, તેમાં ખાસ કરીને મહિલાઓની હાજરી નોંધપાત્ર રહી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer