પદ્ધરથી કાળી તળાવડી જતો માર્ગ ભયજનક

પદ્ધરથી કાળી તળાવડી જતો માર્ગ ભયજનક
ભુજ, તા. 19 : પદ્ધરથી કાળી તળાવડી જતા માર્ગની હાલત દિન-પ્રતિદિન ખખડધજ થતી હોવાથી લોકફરિયાદ ઊઠી છે. ભુજ તાલુકાના પદ્ધર ગામથી કાળી તળાવડી, લાખોંદ, ધ્રંગ, લાખોંદના ચંદ્રુઆધામ અને ધ્રંગના મેકણદાદા, વરનોરા, ધાણેટી, મમુઆરા, ચપરેડી, અટલનગર સહિતના ગામો તથા ધાર્મિક સ્થળો જતા માર્ગ પર ઠેર ઠેર ગાબડાં (ખાડા) પડી ગયાં છે અને વગર વરસાદે જ માર્ગની હાલત ભયજનક બની છે. આ માર્ગ કિ.મી.ની દૃષ્ટિએ ઉપરોક્ત ગામોએ જવા માટે ફાયદાકારક હોવાથી મોટી સંખ્યામાં લોકો આ માર્ગ પસંદ કરતા હોય છે. લોકોની માંગને પગલે દાયકાઓ બાદ લાખોના ખર્ચે બે મહિના પૂર્વે બનેલા માર્ગની હાલત ભયજનક બની છે. હજુ વરસાદ પડયો નથી ત્યાં આવી હાલત છે તો ભારે વરસાદમાં શું થશે તેની ચિંતા લોકોને સતાવી રહી છે. હાલમાં માર્ગ પર ઠેર ઠેર કાંકરી ઉખડી જવાના કારણે વાહન હંકારવામાં પણ ચાલકોને મુશ્કેલી પડી રહી છે. ચોવીસ કલાક વાહનોની અવરજવર હોવાથી માર્ગની હાલત દિન-પ્રતિદિન બગડતી જાય છે. માર્ગની બન્ને સાઈડો પણ અમુક જગ્યાએ બેસી ગઈ છે. માર્ગ બન્યો ત્યારે નબળી ગુણવત્તાની અનેક લેખિત-મૌખિક રજૂઆતો તંત્રને કરવા છતાં કોઈ પગલાં ન ભરાતાં આ હાલત થઈ હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer