ખંભરામાં 500 વ્રતધારી મહિલાનું સન્માન

ખંભરામાં 500 વ્રતધારી મહિલાનું સન્માન
નિરોણા (પાવરપટ્ટી), તા. 19 (બાબુ માતંગ દ્વારા)?: મહેશ સંપ્રદાયમાં ગોરખુડાનું વ્રત રાખનાર મહિલાના ઘર પર માતા પાર્વતીજી સદા પ્રસન્ન રહે છે તેવું ખંભરા સ્થિત વેલજી મતિયાદેવ સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા યોજાયેલા ગોરખુડા વ્રતધારી મહિલાઓના સન્માન સમારંભ પ્રસંગે આ સંપ્રદાયના મહિલા ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ જણાવ્યું હતું. કચ્છભરમાંથી 500 જેટલી વ્રતધારી મહિલાઓને ધારાસભ્ય દ્વારા બાંધણી ખોંભી અર્પણ કરવામાં આવી હતી. આ ધામને પ્રવાસનધામ તરીકે વિકસાવવા રાજ્ય સરકાર દ્વારા સહયોગ મેળવવાની પણ ખાતરી આપવામાં આવી હતી. આ પ્રસંગે ગાંધીધામ નગરપાલિકાના નગરસેવિકા ચંદ્રિકાબેન દાફડાએ આવા વ્રતોથી સંપ્રદાયની મહિલાઓમાં ધાર્મિકવૃત્તિ પ્રબળ બને છે તેવું જણાવ્યું હતું. મોટી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા. જમણવારના દાતા ઉપરાંત યાત્રાધામ ટ્રસ્ટમાં રૂા. 51,000નું દાન આપનાર રાયમલ હીરાભાઇ દેવરિયા પરિવારના અજબાઇ રાયમલ દેવરિયાનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મગનભાઇ ધુવા (પ્રમુખ, મુંદરા મહેશ્વરી સમાજ), મીઠુભાઇ ભાંભી, જગદીશભાઇ મતિયા (પૂજારી) ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સાર્વજનિક ટ્રસ્ટના દેવજીભાઇ સુંઢા (પ્રમુખ), નારાણભાઇ બળિયા, પ્રેમજી પાતારિયા, નાગશીંભાઇ ફફલ, થાવરભાઇ ડુંગળિયા, ભરત મહેશ્વરી, નારાણભાઇ ફુફલ વગેરેએ જહેમત ઉઠાવી હતી. બીજી બાજુ શ્રાવણ સુદ બીજથી શ્રાવણ વદ બીજ સુધીના ગોરખુડા સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં વ્રતધારીઓનું ધર્મ સંદેશ ગ્રુપ ઓફ કચ્છ દ્વારા આ સંપ્રદાય પ્રથમ તીર્થ તરીકે ગણાતા ચંદ્રુઆધામ (લાખોંદ) ખાતે પણ સન્માન કરવામાં આવ્યું હતું. સંપ્રદાયના જાણીતા વક્તા નારાણભાઇ દેવરિયાએ ગોરખુડા વ્રતની માતંગશાત્રના વેદ આધારિત ઉત્પત્તિ અને મહિમા સમજાવ્યો હતો. આ પ્રસંગે આસપાસના ચોખરાના ગામોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દીપકભાઇ બડગા, કાનજીભાઇ સીજુ, જુમાભાઇ ભર્યા, શ્યામ માતંગ, અતુલભાઇ આયડી, રમેશભાઇ સીજુ, પ્રવીણ આયડી સહિતના અગ્રણીઓનો સહયોગ સાંપડયો હતો. બીજી બાજુ ગોરખુડા વ્રતની પૂર્ણાહુતિ પ્રસંગે શ્રાવણ વદ એકમથી શ્રાવણ વદ ત્રીજ સુધી મહેશ સંપ્રદાયમાં ગોરમાની મૂર્તિની સાક્ષીએ લગ્ન લેવાની પરંપરા સદીઓથી ચાલે છે, જે લગ્ન ગોરવિવાહ તરીકે ઓળખાય છે. આ સમયગાળામાં મોટી સંખ્યામાં ગોરવિવાહ સાથે નવદંપતીઓ લગ્નગ્રંથિથી જોડાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer