મહિલાઓ શરમ છોડી રોગની સારવાર કરાવે

મહિલાઓ શરમ છોડી રોગની સારવાર કરાવે
માંડવી, તા. 19 : અહીં 27 વર્ષથી કાર્યરત જનકલ્યાણ મેડિકલ સોસાયટી સંચાલિત નવનીત કેન્સર રિસર્ચ હોસ્પિસ અને ડાયાલિસીસ સેન્ટર અને માનકૂવા મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે સ્તન તથા ગર્ભાશયના મુખના કેન્સરનો શિક્ષણ સંશોધન નિદાન અને સારવાર તેમજ એચ.પી.વી. વેક્સીનનો કેમ્પ યોજાયો હતો. અમદાવાદના શાત્રી માધવપ્રિયદાસજી તેમજ અન્ય સંતોએ દીપ પ્રગટાવીને મેડિકલ કેમ્પને ખુલ્લો મૂકતાં જણાવ્યું હતું કે, માનવસેવાથી બીજી કોઈ સેવા ઉપર નથી. તેમણે માનવસેવાના આ સેવાયજ્ઞમાં આર્થિક દિવેલ પૂરવા દાતાઓ અને શ્રોતાઓને અનુરોધ કર્યો હતો. પ્રમુખપદેથી સોસાયટીના પ્રમુખ કિરણકુમાર સંઘવીએ સંસ્થાની માહિતી આપતાં જણાવ્યું હતું કે, અહીં દાખલ ગરીબ દર્દીઓને માત્ર 50 રૂપિયાના ટોકન ચાર્જમાં કેન્સરની કે અન્ય કોઈ પણ સારવાર કરી આપવામાં આવે છે. ઉપરાંત બે વ્યક્તિઓને જમવાનું પણ આપવામાં આવે છે. ડાયાલિસીસ સંપૂર્ણ મફતમાં કરી આપવામાં આવે છે. દવામાં 50 ટકા રાહત આપવામાં આવે છે. કેમ્પમાં 241 મહિલાઓની નોંધણી થઈ હતી. તે પૈકી 208 મહિલાઓની રાજકોટના ત્રીરોગ નિષ્ણાત ડો. જ્યોતિબેન શાહે તપાસ કરી હતી. 143 બહેનોનું પેપસ્મીયર લેવામાં આવ્યું હતું. ચાર મહિલાઓનું હિસ્ટોપેથો કરવામાં આવ્યું હતું. 40 બહેનોને કાપો-સર્જરી માટે સલાહ આપવામાં આવી હતી. 69 બહેનોને વેક્સીન મૂકવામાં આવી હોવાનું સંસ્થાના ટ્રસ્ટી દિનેશભાઈ શાહે જણાવ્યું હતું. રાજકોટના ગાયનેક ડો. જ્યોતિબેન શાહ, ઓડિયો-વીડિયો દ્વારા સ્તન તેમજ ગર્ભાશયના કેન્સર ન થાય તે માટે શું શું કરવું જોઈએ તેની સમજણ આપી હતી. ભાવનાબેન ઉદેશીએ જણાવ્યું હતું કે, બહેનો એટલા બધા શરમાતા હોય છે કે રોગની જાણ કરતા નથી. સંસ્થાના મેડિકલ ઓફિસર જયેશભાઈ મકવાણાએ પણ બહેનોને માર્ગદર્શન આપ્યું હતું. માનકૂવા ચેરિટેબલ ટ્રસ્ટના ડો. અરવિંદ પંડયા, ડો. નિકુંજ ભાનુશાલી તેમજ ડો. સંજય નિનામાએ કેમ્પમાં સેવા આપી હતી. સંસ્થાના ટ્રસ્ટી મહેશભાઈ કંસારા અને વહીવટદાર મીત શાહ અને મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટના એડમિન ગૌરવભાઈએ વ્યવસ્થા સંભાળી હતી. માનકૂવા ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન હરીશભાઈ ભંડેરીએ મેડિકલ કેમ્પ કરવાની ખાતરી આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer