ભડલીના ફુલિયા છેલા પર ડેમ નિર્માણ થાય તો સેંકડો એકર ધરા પિયત થાય

ભડલીના ફુલિયા છેલા પર ડેમ નિર્માણ થાય તો સેંકડો એકર ધરા પિયત થાય
નિરોણા (તા. નખત્રાણા), તા. 19 : ઐતિહાસિક ભડલી ગામની પૂર્વ-દક્ષિણે ડુંગરાળ પંથકમાં વિશાળ વિસ્તારમાં ફેલાયેલા ફુલિયા છેલા પર આડબંધ બાંધી વિસ્તારમાં સિંચાઇની સુવિધા ઊભી કરવા ગામજનોએ રાજ્ય સરકાર પાસે માંગ કરી છે. વિશિષ્ઠ ભૌગોલિક વિસ્તાર ધરાવતા આ ગામની ચારે બાજુ નાની-મોટી પર્વતીય હારમાળ ચોમાસામાં સારા વરસાદ બાદ બે ડુંગરાળ પંથકમાંથી ભારે માત્રામાં પાલર પાણી જોશભેર વહી ગામની ઉત્તર-પૂર્વે પાવરપટ્ટીના આડબંધો અને રણપંથકમાં સમાય છે. આ વિસ્તાર જળસંચયન માટે ભારે અનુકૂળ હોઇ પહાડી પંથકમાંથી નીકળતા વિશાળકાય વોકળા (છેલા)ના આડે આડબંધ બંધાય તો વિસ્તારની સેંકડો એકર જમીનને પિયતનો લાભ મળી શકે છે તેવું ગામલોકો જણાવે છે. ગામના માજી સરપંચ ગુલામભાઇ મકવાણાએ ગામની પૂર્વ-દક્ષિણે આવેલા ફુલિયા છેલા પર ડેમ બાંધવા માંગ કરી છે. આ છેલો ભડલીને નથ્થરકુઇ, મખણા, કોડકી સહિતના ગામોને જોડતા રસ્તાને વીંધીને નીકળે છે. ચોમાસામાં ભરપૂર વહેતા આ છેલાને લઇ વાહનવ્યવહાર લાંબા સમય સુધી ઠપ બને છે. ગામલોકો આ છેલા પર પુલ બનાવવાની માગણી કરી, પુલ તો બની ગયો. હવે આ છેલા પર ડેમ બાંધવાની માંગ ઊઠી છે. ગામની ઉપરવાસના કલ્યાણપર, કાનપર, તરા- લક્ષ્મીપર સહિતના ગામોના પહાડી પંથકમાંથી નીકળતા આ છેલા પર આડબંધ દ્વારા ડેમનું નિર્માણ કરવામાં આવે તો આ પંથકના ભડલી ઉપરાંત નથ્થરકુઇ, વ્યારા, વીંછિયા, કોટડા, કુવાથડા સહિતના ગામોની સેંકડો એકર જમીનને પિયતનો લાભ મળી શકે?છે, તેવું આ અગ્રણી જણાવે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer