બે વર્ષમાં ત્રણેક વાર મરંમત છતાં એ માર્ગ ન સુધર્યો

બે વર્ષમાં ત્રણેક વાર મરંમત છતાં એ માર્ગ ન સુધર્યો
ભુજ, તા. 19 : શહેરના વી.ડી. હાઇસ્કૂલથી ધીંગેશ્વર મંદિર સુધી અંદાજે બે વર્ષ પહેલાં જ માતબર ખર્ચે બનેલો સિમેન્ટનો માર્ગ જર્જરિત બનતો જાય છે. માર્ગ વચ્ચે ઠેર-ઠેર ખાડાને પગલે વાહનચાલકોની હાલત ખરાબ થઇ જાય છે. વળી, ખાડા બચાવવા ખોટી દિશામાં આવતા વાહનોને પગલે અકસ્માતનો સતત ભય રહે છે. નવાઇની વાત તો એ છે કે, જિલ્લા પંચાયત હસ્તક થયેલા આ કામ બાદ એકાદ વર્ષમાં જ નબળાં કામે પોત પ્રકાશ્યું અને ઠેર-ઠેર ગાબડાં પડયાં. ફરિયાદ ઊઠતાં માર્ગ પર લીંપાપોતી કરાઇ પરંતુ તે પણ લાંબો સમય ન ટકી અને હવે ફરી એની એ જ જર્જરિત હાલત થતાં લોકોમાં રોષ ફેલાયો છે. આ માર્ગની સત્વરે મરંમત કરાય અને મજબૂત કામ થાય તેવી લાગણી શહેરીજનોમાં ફેલાઇ છે. ભુજમાં જિલ્લા ભાજપના મુખ્ય કાર્યાલયની નજીક જ અને અનેક નેતાઓની ગાડીઓ જ્યાંથી વારંવાર પસાર થાય છે તેવા વી.ડી. હાઇસ્કૂલથી માતૃછાયા-ઘનશ્યામનગર જતા માર્ગની હાલત દિવસો દિવસ જર્જરિત બનતી જાય છે. માર્ગ વચ્ચે ઠેર-ઠેર ખાડા પડતાં નબળું કામ પોત પ્રકાશી રહ્યું હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાડા દ્વારા જિલ્લા પંચાયતને ગ્રાન્ટ ફાળવાઇ હતી જેમાંથી સિમેન્ટ માર્ગ બનાવાયો હતો. થોડો સમય લોકોમાં ખુશી ફેલાઇ પરંતુ એકાદ વર્ષ બાદ જ માર્ગના કામે પોત પ્રકાશ્યું અને ખાડા પડવા માંડયા. જો કે, જાગૃત નાગરિકોએ ફરિયાદ ઉઠાવતાં મરંમત કામ હાથ ધરાયું. પરંતુ તે પણ લાંબો સમય ન ટક્યું. વળી, જ્યારે જ્યારે માત્ર છાંટા પડે છે ત્યારે માર્ગ પર ખાડાનું પ્રમાણ વધી જાય છે. આ માર્ગ ઉપરાંત ભુજમાં હોસ્પિટલ રોડ, સ્વામિનારાયણ મંદિર, લેક વ્યૂ, પાટવાડી ગેટ, હેડકવાર્ટર, ખેંગાર બાગ સહિતના માર્ગો પણ પોત પ્રકાશી ચૂક્યા છે અને આમાંથી અનેક માર્ગો પર કાંકરી ઉખડી ગઇ હોવાની પણ લોક ફરિયાદ ઊઠી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer