દોઢ વર્ષે 4.2ના ભૂકંપથી ભચાઉ ધ્રૂજ્યું

ભચાઉ, તા. 19 : સંકટ ચતુર્થીની બપોરે દોઢેક વર્ષના લાંબા સમયગાળા પછી 4.2ની તીવ્રતાના આંચકાથી વાગડ પંથકની ધરા ધ્રૂજી ઊઠતાં ખાસ કરીને ભચાઉવાસીઓને ભય સાથે અઢાર વર્ષ પહેલાં આવેલા ગોઝારા ભૂકંપના કપરા દિવસો યાદ આવી ગયા હતા. ભચાઉથી માત્ર છ કિલોમીટરના અંતરે સોમવારની બપોરે 2 અને 43 મિનિટે આવેલા 4.2ની તીવ્રતાના આંચકાની ધ્રુજારી ભચાઉની સાથોસાથ રાપરના આસપાસના અનેક ગામોમાં પણ અનુભવાતાં થોડી ક્ષણો માટે પણ લોકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. એટલું જ નહીં, પરંતુ અંજાર, ગાંધીધામ, આદિપુરમાં પણ ક્યાંક લોકોએ આ આંચકાની અસર અનુભવી હોવાનું જાણવા મળ્યું હતું. ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી કચેરી પાસેથી પ્રાપ્ત વિગત મુજબ 4.2ની તીવ્રતાવાળા આ આંચકાનું કેન્દ્રબિંદુ જમીનથી 32.5 કિલોમીટરની ઊંડાઈએ હતું. બપોરે આંચકો અનુભવનાર લોકો અચાનક ધ્રુજારીથી ભયભીત બનતાં ઘરો છોડીને બહાર દોડી ગયા હતા.  ઉલ્લેખનીય છે કે, અગાઉ 29મી માર્ચ, 2018ના મોડી રાત્રે 4થી વધુની તીવ્રતાના એક સહિત એકીસાથે સાત આંચકાથી રણપ્રદેશની ધરા ધ્રૂજી હતી. આજે બપોરે આંચકાથી અધ્ધર થયેલા શ્વાસ હેઠા બેઠા પછી 2001ની ભૂકંપની ચર્ચા ચોમેર દિવસભર ચાલી હતી.  જો કે, આવા આંચકાઓથી ડરવાની જરા જેટલીયે જરૂર નથી તેવી ધરપત કચ્છના ભૂસ્તરશાત્રના જાણકારો આપે છે.  કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાત્ર વિભાગના અધ્યક્ષ ડો. મહેશભાઈ ઠક્કરે પણ કહ્યું હતું કે, આવા આંચકા ઊલટાની હાલ મોટો ભૂકંપ નહીં આવે તેવી ખાતરી કરાવી જાય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer