માતાના મઢ ખનિજ નિગમની ખાણનું ખારું પાણી છોડવામાં આવતાં ખેડૂતો નારાજ

માતાના મઢ, તા. 19 : માતાના મઢ ખાતે આવેલી જી.એમ.ડી.સી. ખાણમાંથી ક્ષારયુક્ત લિગ્નાઇટનું પાણી છોડવામાં આવતાં કોટડા-મઢના ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. જી.એમ.ડી.સી. માઇન્સનું ખારું ઝેર જેવું પાણી બહાર નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણી કોટડા-મઢ આવેલા બોધારા ડેમમાં જતાં વરસાદી પાણી ખારું થઇ ગયું છે. ડેમ ઉપર અહીંના 30 ખેડૂતો 200 એકર જમીન પિયત કરી ખેતી કરે છે. સારા ચોમાસામાં વરસાદથી ડેમ ભરાતાં ખેડૂતોએ મગફળીનો પાક વાવ્યો છે અને તે ડેમમાં ખનિજ નિગમનું ખારું પાણી આવતાં આખા ડેમનું પાણી ખારું થવાની દહેશત કિસાનોએ વ્યક્ત કરી હતી. કોટડા-મઢના સરપંચ આધમભાઇ તેમજ ઉપસરપંચ ઇબ્રાહીમ સહિત 40થી 50 લોકો જી.એમ.ડી.સી. ખાણે પાણી બંધ કરાવવા દોડી ગયા હતા. રવિવારની રજા હોતાં નિગમના કોઇ જવાબદાર અધિકારી હાજર ન હતા તેવું જણાવ્યું હતું. કોટડા-મઢના લોકોને નિરાશા હાથ લાગી હતી. આખી ખાણમાં શ્રી ગુપ્તા તેમજ શ્રી અંસારી હતા. હાજર હતા તેમને ગામના લોકોએ આ ખારાં પાણી છોડવામાં આવે છે તેની રજૂઆત કરતાં તેમણે ઉપરના અધિકારી પાસે રજૂઆત કરવાનું ગામલોકોને જણાવ્યું હતું. ખારું પાણી જો અટકાવવામાં નહીં આવે તો ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડશે તેવું કોટડા-મઢના સરપંચે જણાવ્યું હતું. કોટડા-મઢના કાસમભાઇએ જણાવ્યું હતું કે, જી.એમ.ડી.સી. ખાણમાંથી મોટા પ્રમાણમાં ખારું પાણી ડેમમાં આવે છે. આ ડેમ પર સો એકરમાં ખેડૂતોએ મગફળીના પાકની વાવણી કરી છે. હવે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જી.એમ.ડી.સી.ના અધિકારી શ્રી દાનીનો ફોન પર સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આ ચોમાસા દરમ્યાન માઇન્સમાં પાણી ભરાયું છે તે પાણી ઓવરફલો થઇ બહાર જાય છે. અમે તેનો કાયમી ઉપાય શોધી રહ્યા છીએ, અમને જ્યાંથી પાણી જાય છે તે જગ્યાએ મોટી પાળ બાંધવી પડશે તેવું તેમણે જણાવ્યું હતું. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer