અબડાસામાં ભારે વરસાદથી વીસેક હજાર એકરમાં કપાસનો ફાલ નકામો

નલિયા, તા. 19 : અબડાસા તાલુકામાં ભારે વરસાદના કારણે પિયત ખેતીનાં ખરીફ પાક કપાસને મોટું નુકસાન થયું છે. વીસેક હજાર એકર જમીનમાં કપાસનો ફાલ નકામો બની ગયો છે. ખેડૂતોના જણાવ્યાનુસાર તાલુકાનાં પ્રજાઉ, વાંકુ, વાડાપધ્ધર, કોણિયારા, લાલા, ડુમરા, નારાણપર, રેલડિયા મંજલ સહિતના અનેક ગામોમાં કપાસના ફાલને મોટું નુકસાન થયું છે. અઢી ત્રણ મહિના પૂર્વે કપાસનું વાવેતર કરાયું હતું. ગત તા.9મીથી સતત ત્રણ-ચાર દિવસ વરસાદ ચાલુ હોતાં વાડી વિસ્તારમાં ઘણા ઠેકાણે કપાસના છોડ જમીનદોસ્ત થઈ ગયા છે, તો અમુક ઠેકાણે કપાસના છોડનાં પાંદડાં ધોવાઈ ગયા છે, તો કેટલાક ઠેકાણે જમીનનું પણ ધોવાણ થયું છે. કપાસની ખેતી માટે જાણીતા એવા અબડાસામાં દર વર્ષે કપાસના ફાલમાં કંઈને કંઈ અવરોધ આવે છે, ક્યારેક ફાલમાં જીવાત આવે છે. ચાલુ વર્ષે ખેડૂતોએ પ્રમાણિત બિયારણનો ઉપયોગ કર્યો હતો, જેનાં કારણે ફાલની સ્થિતિ સારી હતી, પણ અતિવૃષ્ટિમાં ઠેક-ઠેકાણે ભારે નુકસાની થઈ છે, તેનો સર્વે કરી તંત્ર દ્વારા યોગ્ય કરાય એવી માગણી ઊઠી છે.  

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer