મચ્છર દ્વારા મેલેરિયા ફેલાતો અટકાવવાની શોધ?1898માં સિકંદરાબાદ ખાતે થઇ હતી

ભુજ, તા. 19 : મેલેરિયાના પરજીવીની વાહક માદા એનોફિલીસ મચ્છર એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં રોગ ફેલાવે છે, તેને પ્રમાણિત કરવાનું કાર્ય બ્રિટનના સર રોનાલ્ડ રોસએ 1898માં ભારતના સિકંદરાબાદ ખાતે કામ કરતાં પ્રસ્થાપિત કર્યું, તેની સાબિતીરૂપે મચ્છરોની વિશેષ જાતિઓથી પક્ષીઓને ડંખ મારીને મચ્છરોની લાળગ્રંથિઓથી પરજીવી અલગ કરી બતાવ્યા અને તેમને સંક્રમિત પક્ષીઓમાં પાળ્યા હતા. આ કાર્ય માટે તેમને 1902માં ચિકિત્સા નોબેલ મળ્યો હતો. તેની યાદગીરી રૂપે 20મી ઓગસ્ટે વિશ્વ મેલેરિયા દિવસ ઊજવાય છે. પ્રાપ્ત વિગતો મુજબ ચીનમાં 2700 ઇ.સ. પૂર્વે મેલેરિયાના વર્ણન મળે છે. મેલેરિયા શબ્દની ઉત્પતિ મધ્યકાલીન ઇટાલિયન ભાષાના શબ્દો માલા એરિયાથી થઇ?છે, જેનો અર્થ છે `ખરાબ હવા'. આને `કાદવી તાવ' અંગ્રેજીમાં માર્શ ફીવર કે `એગ' પણ કહેવાતો. 1880માં ફ્રાન્સીસી સૈન્ય ચિકિત્સક ચાર્લ્સ લુઇ?અલ્ફોંસ લેવેરનએ અલ્જીરિયામાં કામ કરતાં પહેલી વખત લાલ રક્તકોશિકાની અંદર પરજીવીને જોયા હતા, ત્યારે તેમણે એમ પ્રસ્તાવિત કર્યું કે મેલેરિયા રોગનું કારણ આ પ્રોટોઝોઆ પરજીવી છે. આ તથા અન્ય શોધો માટે તેમને 1907નું ચિકિત્સા નોબેલ પુરસ્કાર અપાયો હતો. આ પ્રોટોઝોઆનું નામ પ્લાઝમોડિયમ ઇટાલિયન વૈજ્ઞાનિકો એત્તોરે માર્ચિયાફાવા તથા આંજેલો સેલીએ રાખ્યું હતું. તેના એક વર્ષ બાદ ક્યુબાઇ ચિકિત્સક કાર્લોસ ફિનલેએ પિત્ત?તાવનો ઇલાજ કરતાં પહેલીવાર એ દાવો કર્યો કે મચ્છર રોગને એક મનુષ્યથી બીજા મનુષ્ય સુધી ફેલાવે છે. સર રોનાલ્ડ રોસે ભારતીય ચિકિત્સા સેવાથી ત્યાગપત્ર?આપી લિવરપુલ સ્કૂલ ઓફ?ટ્રોપિકલ મેડિસીનમાં કાર્ય કર્યું હતું. ફિનલે તથા રોસની શોધોની પુષ્ટિ વોલ્ટર રીડની અધ્યક્ષતામાં ચિકિત્સકીય બોર્ડે 1900માં કરી હતી. મેલેરિયાના દર્દીને વરસો બાદ ફરી મેલેરિયા થવાના કારણની છેક 1980માં ખબર પડી કે તેનું કારણ?મેલેરિયાના પરજીવી યકૃતમાં છૂપી રીતે રહે છે. વિશ્વમાં મેલેરિયાથી વરસે 10થી 30 લાખ લોકો મૃત્યુ પામે છે. આમાંથી વધુ પાંચ વર્ષથી નાનાં બાળકો હોય છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer