જિલ્લા પંચાયત હોદ્દેદારોના પતિદેવને આખરે પ્રમુખે ખખડાવીને ના પાડી !

ભુજ, તા. 19 : જિલ્લા પંચાયતના કેટલાક હોદ્દેદારોના પતિદેવને પ્રમુખે ખખડાવીને સીધેસીધી કોઈ વિભાગમાં લાગતાવળગતા અરજદારોના કામો માટે ભલામણ કરવા સહિતના મુદ્દે ખખડાવીને ના પાડી દીધી હતી. હોદ્દેદારોની હાજરીમાં તેમની ખુરશી પાસે પોતાની ખુરશી રાખીને જ્યારે હોદ્દેદારની ગેરહાજરીમાં તેમની ખુરશીને હડસેલી પોતે હોદ્દેદાર હોય તેવી રીતે વહીવટ ચલાવતા હોવાથી પ્રમુખે નિયમ વિરુદ્ધની કાર્યવાહી વાજબી ન હોવાનું જણાવ્યું હતું. જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્ય ન હોવા છતાં પારિવારિક સંબંધોને નાતે કેબિનનો કબ્જો કરી રોફ જમાવવાનું ઉચિત ન હોવાનું અને આવો વ્યવહાર ચલાવી નહીં લેવાય તેવું સુણાવી દેવાતાં  કેટલાક હોદ્દેદારો અને તેમના પતિદેવો છેલ્લા થોડા દિવસથી ચેમ્બરમાં દેખાયા નથી. આ બાબતે પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાને પૂછતાં તેમણે  વાતને સમર્થન આપતાં કહ્યું કે, તેમને જાણ કર્યા વિના કરાતી ભલામણોની ખબર ન હોવાથી બજેટમાં સમાવી શકાતી નથી, જેનો સંબંધિત અધિકારીઓને ભોગ બનવું પડે છે. અને આમ પણ સત્તાવાર સભ્ય ન હોવા છતાં ગેરકાયદે વહીવટ ચલાવવો કોઈ રીતે ઉચિત ન હોવાથી ના પાડી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer