ગાંધીધામની સરકારી શાળામાં ધો. 11માં વિજ્ઞાનનો વર્ગ ફાળવો

ગાંધીધામ, તા. 19 : શહેરના ગણેશનગરમાં આવેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં  ધો.11 વિજ્ઞાન પ્રવાહનો વર્ગ શરૂ કરવા અંગે સેકટર -7 મહેશ્વરી મેઘવાળ સમાજે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી હતી. સમાજના પ્રમુખ ખીમજીભાઈ થારૂ અને મંત્રી કરશનભાઈ ધુવાએ  રજૂઆત કરતાં પત્રમાં જણાવ્યું હતું કે હાલ ગણેશનગરની શાળામાં  સામાન્ય પ્રવાહના  ધો.11 અને 12ના વર્ગ  ચાલી રહ્યા  છે. પરંતુ આ  શાળામાં જગજીવનનગર, સુંદરપુરી, મહેશ્વરીનગર, સથવારા સોસાયટી, કિડાણા, સપનાનગર, હાઉસિંગ બોર્ડ, કારગો સહિતના સ્થળેથી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. સામાન્ય અને ગરીબ  પરિવારના વાલીઓ  પોતાના બાળકોને  ઊંંચી ફી  ભરી  ખાનગી શાળામાં અભ્યાસ કરાવી શકે તેમ નથી. આથી આ લોકો માટે  અત્રે વિજ્ઞાન પ્રવાહના વર્ગની જરૂરિયાત છે. એન્જિનીયર, આરોગ્યક્ષેત્ર, કોમ્પ્યુટર  તથા સિવિલ એન્જિનીયરિંગ જેવા  મહત્ત્વના અભ્યાસ માટે  વિજ્ઞાન પ્રવાહની  જરૂરિયાત રહે છે. આ વિસ્તારમાં   બહોળી સંખ્યામાં  શાળાઓ આવેલી  છે પરંતુ એક  પણ  શાળામાં   વિજ્ઞાનપ્રવાહ  નથી.  અત્રેના શિક્ષણના સ્તરને સુધારવા  માટે  વિજ્ઞાન પ્રવાહની મંજૂરી આપવા  પત્રમાં માંગ કરાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer