ભુજવાસીઓ પર રખડતા ઢોર, કૂતરાંથી જોખમ

ભુજ, તા. 19 : નગરપાલિકા શહેરમાં કૂતરાઓનું ખસીકરણ અને રખડતા ઢોરોને પાંજરે ન પૂરી લોકોનાં જીવ જોખમમાં મૂકતી હોવાનો આક્ષેપ ઊઠયો છે. આ અંગે પ્રદેશ કોંગ્રેસ મંત્રી રફીક મારા દ્વારા મુખ્ય અધિકારીને કરાયેલી રજૂઆત મુજબ શહેરમાં કૂતરાઓના ખસીકરણ માટે વરસો પહેલાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર બહાર પડાયો હતો, છતાંય ભુજ નગરપાલિકા દ્વારા બેદરકારી રાખી આ બાબતે કોઇ જ કાર્યવાહી કરાઇ નથી. રાહદારીઓ તેમજ વાહનચાલકોને કૂતરાંના કરડવાથી નુકસાન થઇ રહ્યું છે. દરરોજ લગભગ 40 જેટલા દર્દીઓ કૂતરાઓના કરડવાના કારણે જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર લેવા આવે છે. ઉપરાંત સારવાર માટે ઇન્જેક્શન અન્ય કોઇ જગ્યાએ મળતાં નથી. જેથી દર્દીઓને સારવારમાં મુશ્કેલી થઇ રહી છે. શેરીમાં રમતાં બાળકોને અવારનવાર કરડી જતા હોય છે. તો બાઇકસવારોને પણ અચાનક કૂતરાઓ પાછળ દોડતાં અકસ્માત થવાનો ખતરો છે, જે જીવલેણ પણ બની શકે તેવી ભીતિ છે. ઉપરાંત રખડતા ઢોરોના કારણે પણ આવી જ સમસ્યાનો સામનો શહેરીજનો કરી રહ્યા છે. શહેરના ધમધમતા વિસ્તારોમાં રખડતા ઢોરો ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આવા ઢોરોની હડફેટે ઘણા લોકોએ જીવ ગુમાવ્યા છે.  આ મુદ્દે જાગૃતોએ હાઇકોર્ટનાં દ્વાર પર ખટખટાવ્યાં છે અને હાઇકોર્ટે રખડતા ઢોરો મુદ્દે કાર્યવાહી કરવા સંબંધિત તંત્રોને આદેશ કર્યો હોવા છતાં ભુજમાં તેની કોઇ અસર નથી.આ સમસ્યાઓ હલ નહીં થાય તો જવાબદારો સામે કાયદાકીય કાર્યવાહી કરવા શ્રી મારાએ ચીમકી આપી હતી. 

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer