ભારતે વિન્ડિઝને બીજી વન-ડેમાં આપી હાર

ભારતે વિન્ડિઝને બીજી વન-ડેમાં આપી હાર
પોર્ટ ઓફ સ્પેન, તા. 12 : કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી અને ત્યારબાદ ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર (31 રનમાં 4 વિકેટ)ની ઘાતક બાલિંગની મદદથી ભારતે વેસ્ટ ઇન્ડિઝ પર બીજી વન-ડે મેચમાં જીત મેળવી હતી. આથી ભારતે ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની અપરાજિત સરસાઇ મેળવી લીધી છે. પ્રથમ મેચ વરસાદમાં ધોવાઈ હતી. ત્રીજી અને આખરી વન-ડે બુધવારે રમાશે. ભારતે ક્વીન્સ પાર્ક ઓવલ ખાતે રમાયેલી વરસાદગ્રસ્ત મેચમાં વેસ્ટ ઇન્ડિઝ પર 59 રને જીત મેળવી હતી. પ્રથમ બાટિંગ કરતાં ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 280 રન બનાવ્યા હતા. જો કે, વેસ્ટ ઇન્ડિઝની ઇનિંગ્સ દરમિયાન જ્યારે 12.5 ઓવરની રમત થઇ હતી ત્યારે વરસાદ વિલન બન્યો હતો. જેના કારણે રમત રોકી દેવાની ફરજ પડી હતી. ત્યારબાદ ડકવથ ઍ લુઇસ પદ્ધતિનો ઉપયોગ કરીને ટાર્ગેટમાં સુધારો કરવામાં આવ્યો હતો. ડકવર્થ લુઇસ પદ્ધિતના આધાર પર વેસ્ટ ઇન્ડિઝને જીતવા માટે 46 ઓવરમાં 270 રનની જરૂર હતી. પરંતુ વેસ્ટ ઇન્ડિઝની ટીમ 42 ઓવરમાં 210 રન કરીને આઉટ થઇ ગઇ હતી. ભુવનેશ્વરે આઠ ઓવરમાં 31 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી. 120 રનની ઇનિંગ્સ રમનારા વિરાટ કોહલીની મેન ઓફ ધ મેચ તરીકે પસંદગી કરવામાં આવી હતી. યજમાન ટીમની શરૂઆત ખૂબ ધીમી રહી હતી. નવમી ઓવરમાં વિન્ડિઝે 45 રન કર્યા હતા. એ વખતે ક્રિસ ગેઇલ 11 રન કરીને આઉટ થયો હતો. ક્રિસ ગેઇલ અહીં એક રેકોર્ડ પોતાનાં નામ પર કરી ગયો હતો. તે વેસ્ટ ઇન્ડિઝ તરફથી સૌથી વધારે વન-ડે રન બનાવનારો ખેલાડી બની ગયો હતો. આની સાથે જ તે વિક્રમી બેટ્સમેન બ્રાયન લારાના રેકોર્ડને તોડી પાડવામાં સફળ રહ્યો હતો. ગેઇલ બાદ હોપ માત્ર છ રન બનાવીને આઉટ થયો હતો. વેસ્ટ ઇન્ડિઝ તરફથી લુઇસે સૌથી વધુ 65 રન બનાવ્યા હતા. લુઇસે 80 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની સાથે 65 રન કર્યા હતા. આ પહેલાં મેચમાં સવારે ભારતે ટોસ જીતીને પ્રથમ બાટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ભારતે નિર્ધારિત 50 ઓવરમાં સાત વિકેટે 279 રન કર્યા હતા. ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. શિખર ધવન માત્ર બે રન કરીને આઉટ થયો હતો. ભારત તરફથી અય્યરે પણ શાનદાર બાટિંગ કરી હતી. અય્યરે 71 રન કર્યા હતા. અય્યરે 68 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી શાનદાર બાટિંગ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer