મિયાં કુરેશીએ કબૂલ્યુ; પાકને દાદ નથી મળતી

મિયાં કુરેશીએ કબૂલ્યુ;  પાકને દાદ નથી મળતી
ઈસ્લામાબાદ, તા. 12 : કાશ્મીર મામલે દુનિયાભરના દેશો તરફથી કોઈ જ દાદ નહીં મળતાં થાકી પડેલાં પાકિસ્તાને આખરે હાર માની લીધી છે. જમ્મુ-કાશ્મીર સંબંધિત પાકિસ્તાનનો પ્રોપેગન્ડા કઈ રીતે નિષ્ફળ રહ્યો છે, તેનો ઉલ્લેખ ખુદ પાકના વિદેશમંત્રી શાહ મહમુદ કુરેશીએ કર્યો છે. પાક કબ્જાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)ની રાજધાની મુઝફરાબાદમાં પત્રકારો સાથે વાત કરતાં કુરેશીએ કહ્યું હતું કે, કાશ્મીરના મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પણ અમારા દેશને સમર્થન મળવું મુશ્કેલ છે. પાક વિદેશપ્રધાને જણાવ્યું હતું કે આપણે મૂર્ખોના સ્વર્ગમાં ન રહેવું જોઈએ, પાકિસ્તાનીઓ અને કાશ્મીરીઓએ એ જાણવું જોઈએ કે, કોઈ તમારી સાથે ઊભું રહેવા તૈયાર નથી. એટલું જ નહીં, પરંતુ પાકનો પંથ કઠિન ગણાવી કુરેશીએ જણાવ્યું હતું કે, લાગણીઓ ઉશ્કેરવી આસાન છે. મને બે મિનિટ લાગશે. હું 35-36 વર્ષથી રાજનીતિ કરી રહ્યો છું, મારા ડાબા હાથનું કામ છે, પરંતુ આ મામલાને આગળ તરફ લઈ જવો કઠિન છે, તેવું તેમણે ઉમેર્યું હતું. પાક વિદેશપ્રધાને મુસ્લિમ દેશો તરફથી પણ સાથ નહીં મળવા અંગે ટિપ્પણી કરતાં કહ્યું હતું કે, દુનિયાભરના હિત તેમની સાથે જોડાયેલા છે. ભારત એક અબજની બજાર છે. અનેક મુસ્લિમ દેશોએ ત્યાં રોકાણ કરેલા છે. સુરક્ષા પરિષદમાં કાશ્મીર મુદ્દો ઉઠાવવાની વાત કરનારા પાકિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું કે, જે પાંચ સ્થાયી સભ્ય છે તેમાંથી કોઇ `વીટો' પાવરનો ઉપયોગ કરી શકે છે.

Crime

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer