ગઢશીશા પંથકમાં `કેળા''ના પાકને મોટી નુકસાની

ગઢશીશા પંથકમાં `કેળા''ના પાકને મોટી નુકસાની
જિજ્ઞેશ આચાર્ય દ્વારા ગઢશીશા (તા. માંડવી), તા. 12 : શનિવારે રાત્રે આવેલા તોફાની વરસાદ થકી ગઢશીશા પંથકના મઉં, રત્નાપર, દનણાની વાડીમાં કેળાના પાકનો સોથ વળી જતાં લાખોનું નુકસાન થયું છે. કુદરતની મહેરની સાથોસાથ આ કહેર થકી બાગાયતી ખેડૂતોની એક આંખમાં હરખના તો બીજી આંખમાં દુ:ખના આંસુ છે. આ નુકસાની બદલ સરકારને વળતર ચૂકવવા બાગાયત ખેડૂતોએ રજૂઆત કરી છે. આમ તો ગઢશીશા પંથકને ચાલુ ચોમાસે કુદરતે માગ્યા મેહ દીધા છે અને જેના કારણે રોકડિયા પાકના વાવેતર બાદ જરૂરતના સમયે મેઘ મહેર થતાં પિયત અને કપિત ખેતી કરતા ખેડૂતોના રોકડિયા પાકને જબરદસ્ત ફાયદો થશે. પરંતુ પંથકના બાગાયતી પાકમાં આંબાની વિવિધ જાત, ખારેક, કેળા, દાડમ, પપૈયા જેવા બાગાયતી પાકના ઉત્પાદનના સમગ્ર જિલ્લામાં હબ ગણાતા મઉં, રત્નાપર, દેવપર, દનણા, મકડા, ગઢશીશા, રાજપર, વિરાણી, વરઝડી, વેસલપર, ખીરસરા, સુખપર વગેરે ગામોમાં `કેળા'ના પાકને શનિવારના રાત્રે આવેલા તોફાની પવન સાથેના વરસાદના કારણે લાખો રૂપિયાની નુકસાની ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. જેના કારણે એક બાજુ પાલર પાણીથી હિલોળા લેતા જળાશયો, ચેકડેમો ભરી કુદરતે મહેર કરી છે તો બીજીબાજુ આવી આફત સર્જી કહેર પણ વર્તાવ્યો છે. જેના કારણે ખેડૂતોની એક આંખમાં હરખના આંસુ તો બીજીમાં દુ:ખના આંસુ જોવા મળે છે. આ અંગે રત્નાપર સ્થિત માંડવી તાલુકા ભારતીય કિસાન મોરચાના પ્રમુખ મહેન્દ્રભાઈ રામાણીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, 15-20 માસ પૂર્વે થયેલા કેળાના પાકમાં જ્યારે ફાલ લાગેલો છે ત્યારે અચાનક આવી કુદરતી આફત આવતાં ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે અને સરકાર દ્વારા વળતર મળે તેવી વાત વ્યક્ત કરી હતી. તો આ અંગે પ્રગતિશીલ ખેડૂત અને ગુજરાત એગ્રોસેલના પૂર્વ ડાયરેક્ટર બટુકસિંહ મેઘરાજજી જાડેજાએ પણ ખારેક તથા કેળાના પાકમાં થયેલી મોટાપાયે નુકસાની અંગે ચિંતા વ્યક્ત કરી છે અને જરૂર પડે ઉચ્ચ કક્ષાએ ખાતાકીય રજૂઆત માટે વાત કરી હતી. અહીં રત્નાપરના ડાહ્યાલાલ ચોપડા, શાંતિલાલ ભીમાણી, અલ્પેશ ભીમાણી, શિવજીભાઈ રામાણી, મહેન્દ્ર રામાણી, દિનેશભાઈ ભીમાણી, મોહનભાઈ ભીમાણી, ભાસ્કરભાઈ નાકરાણી, તુલસીદાસ ભીમાણી, મનજી પ્રેમજી ભગત, દેવજીભાઈ વાસાણી, મઉંના પરમજિતસિંહ જાડેજા, પરસોત્તમ પ્રેમજી ભાનુશાલી, ભરત રણછોડ ભાનુશાલી, વેલજીભાઈ પ્રેમજી ભાનુશાલી, દેવપર (ગઢ) દનણા બાજુ કાનજીભાઈ ગઢવી (માંડવીવાળા), ગઢશીશાના જગદીશભાઈ જીવરાજ પરવાડિયા, પરબત વિશ્રામ રામાણી, શાંતિલાલ રૂડાણી વગેરે ખેડૂતોને થયેલી કેળાના પાકની નુકસાની અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સત્વરે વળતર મળે તેવી માંગ ઊઠી છે. આ અંગે મહેન્દ્રભાઈ રામાણી દ્વારા જિલ્લા ખેતી નિયામક શ્રી મોઢ તથા બાગાયત અધિકારી કેતનભાઈને પણ ટેલિફોનિક જાણ કરી અને ખેડૂતોએ વળતર માટે ઘટતું કરવા જણાવ્યું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer