છાણની રાખડી બાંધી બહેન ભાઈને રક્ષાની ઊર્જા આપશે

છાણની રાખડી બાંધી બહેન ભાઈને રક્ષાની ઊર્જા આપશે
અંબર અંજારિયા દ્વારા ભુજ, તા. 12 : બહેન ભાઈના કાંડે રક્ષા રાખડી અર્થાત રક્ષા બાંધીને જે મેળવે છે તે રક્ષાનું વચન પાળવા માટે જરૂરી ઊર્જા પૂરી પાડીને બહેન જ ભાઈની મદદ કરી શકશે. સાંભળતાં જ ભારે નવાઈ લાગે તેવી પણ સાવ સાચી વાત એ જાણવા મળી છે કે, કુકમાના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા પ્રાકૃતિક જીવનના પ્રચારક મનોજભાઈ સોલંકીના માર્ગદર્શન તળે ઊર્જા આપતા છાણમાંથી રાખડી બનાવાઈ છે. કુકમા સ્થિત રામકૃષ્ણ ટ્રસ્ટના કુદરતના ખોળે વિકસાવાયેલા પ્રાકૃતિક પરિસરમાં 7થી 8 લોકોએ સતત દોઢ મહિનાથી રાત-દિવસ વ્યાયામ કરીને ચાર હજારથી વધુ રાખડી બનાવી છે. હજુ પણ રાખડી નિર્માણની કામગીરી જારી છે, તેવું મનોજભાઈ કહે છે. ગાયના ગોબર એટલે કે છાણ અને ગૌમૂત્રમાંથી બનેલી આ રાખડીને `સંજીવની રાખડી' નામ અપાયું છે. આ રાખડીની કિંમત 20 રૂપિયા રખાઈ છે. માનવ શરીરને ઊર્જા આપતા ગાયનાં છાણની રાખડી લઈને બહેન વીરાના કાંડે બાંધશે એટલે વીરલાના કાંડામાં બહેનની રક્ષા કરવાનું કૌવત આવશે, તેવો વિશ્વાસ મનોજભાઈ વ્યક્ત કરે છે, આ નવતર પ્રયોગ પાછળ ઊર્જાદાયી ગાયના છાણનો ઉપયોગ વધુ કરવાની જનજાગૃતિ લાવવાનો આશય છે. વીતેલા વર્ષે છાણમાંથી બનાવાયેલી બે હજાર રાખડી વેચાઈ હતી. આ વખતે પાંચ હજાર રાખડીનું લક્ષ્ય રાખ્યું છે. આ `જૈવિક રાખડી' કેવી રીતે બને તેવો સવાલ સ્વાભાવિક જિજ્ઞાસા સાથે કરતાં મનોજભાઈ સોલંકી કહે છે કે, 95 ટકા ગોબર એટલે કે, ગાયનું છાણ અને બંધારણ માટે પાંચ ટકા ગોવાર ગમનો ઉપયોગ કરાયો છે. વધારામાં આ ઓર્ગેનિક રાખડી બનાવવા માટે તુલસીના માંજરનો ભૂકો ભેળવવામાં આવે છે. ગાયના છાણમાં હકારાત્મક ઊર્જા હોય છે તેવું હવે વિજ્ઞાને પણ સ્વીકારી લીધું છે. આ તથ્ય વૈજ્ઞાનિક રીતે પુરવાર થઈ ચૂક્યું છે. ઘરોમાં એક જમાનામાં જમીનમાં છાણ-માટીના લીંપણ થતા. આજે ટાઈલ્સે સ્થાન પચાવી પાડયું છે. લીંપણ માનવ સ્વાસ્થ્યની સુરક્ષા કરતું કવચ હતું. ઘરમાં ટીવી, મોબાઈલ, ચાર્જર, કોમ્પ્યુટર જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોના તરંગો માનવ આરોગ્યને `ધીમા ઝેર'ની જેમ ધીમી ગતિએ પણ નુકસાન કરતા હોય છે ત્યારે ગાયના છાણનું લીંપણ આવા હાનિકારક તરંગોને રોકીને તેની નુકસાનકારક અસરોથી બચાવે છે. ભુજ શહેરની આર.આર. લાલન કોલેજના ભૌતિક વિજ્ઞાન વિભાગની પ્રયોગશાળામાં બેલેસ્ટિક ગેલ્વેનોમીટર દ્વારા માનવ શરીરની ઊર્જાની ચકાસણી કરાઈ હતી. મોબાઈલ સાથે રાખવાથી માનવ શરીરની ઊર્જા 10 એમએમ હતી, જ્યારે મોબાઈલ પાછળ ગાયના છાણમાંથી બનાવાયેલી `એન્ટિ રેડિયેશન ચીપ' લગાડયા પછી ઊર્જા સીધી વધીને 35 એમએમ થઈ ગઈ. ગાયના છાણમાંથી રાખડીનો નવતર પ્રયોગ સફળતાપૂર્વક કરનાર રામકૃષ્ણ ટ્રસ્ટના સૂત્રધાર મનોજભાઈ સોલંકી કહે છે કે, રાખડી ઉપરાંત અમે છાણના તોરણ, ઘડિયાળ, અરીસા, શોપીસ, ગણપતિની મૂર્તિ, પેન સ્ટેન્ડ વગરે હસ્તકલા કૃતિઓ પણ બનાવીએ છીએ. ખાસ ઉલ્લેખ એ કરવો રહે કે, ગાયના છાણનો માવો બનાવવો પછી તેને આકાર આપવો, પછી સૂકવવો, મશીનથી ફિનિશિંગ કરીને અંતિમ ઓપ આપવાની કવાયત ભારે મહેનત અને દાદ માગી લેનારી છે. કુકમા અને આસપાસના ગામની નાનકડી કન્યાઓ, યુવતીઓ આ છાણની રાખડી, રમકડા, હસ્ત કલાકૃતિઓમાં રંગ પૂરવાની કલાત્મક કામગીરી કરે છે. આ પ્રવૃત્તિના બદલામાં રામકૃષ્ણ ટ્રસ્ટ પ્રોત્સાહન સાથે આર્થિક નબળા પરિવારોની દીકરીઓના ભણવાના ખર્ચમાં મદદ કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer