ગાંધીધામમાં ભારે વરસાદથી રસ્તાઓમાં પડયા ભૂવા : ગટર-પાણીની લાઈનો દબાઈ

ગાંધીધામમાં ભારે વરસાદથી રસ્તાઓમાં  પડયા ભૂવા : ગટર-પાણીની લાઈનો દબાઈ
ગાંધીધામ, તા. 12 : આ સંકુલમાં પડેલા વરસાદને પગલે અનેક જગ્યાએ ગટર, પાણીની લાઈનો બેસી ગઈ હતી તો અનેક જગ્યાએ?મોટા-મોટા ભૂવા પડી ગયા હતા. તેમાંથી નીકળતા પાણી રસ્તા ઉપર ફરી વળ્યા હતા. તો સંકુલના અનેક તકલાદી માર્ગો ઉપર કૂવા જેવડા ભૂવા પડી ગયા હોવાથી અકસ્માતના અનેક બનાવો બન્યા હતા. આ સંકુલમાં વરસેલા વરસાદનાં પગલે વીજતંત્ર, ભારત સંચાર નિગમ અને પાલિકા, માર્ગ અને મકાન વિભાગ વગેરે તંત્રોની લોટ, પાણી ને લાકડાંની નીતિ બહાર ઊભરીને આવી હતી. ગાંધીધામ- આદિપુર ને જોડતા અને સતત ધમધમતા એવા ટાગોર માર્ગ ઉપર મોટા-મોટા ખાડા પડી ગયા છે. જેના કારણે સતત વ્યસ્ત એવા આ માર્ગ ઉપર અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે. તો આ માર્ગની આસપાસ ધૂળના થર જામી ગયા હોવાથી ધૂળ ઊડીને વાહનચાલકોની આંખોમાં જતી હોવાથી પણ અકસ્માત સર્જાઈ રહ્યા છે. લોકોને આંખોની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે. માર્ગ અને મકાન વિભાગે અહીં ક્યારેય સફાઈ ન કરાવી હોવાથી આવી સમસ્યા પેદા થઈ રહી હોવાનું લોકો જણાવી રહ્યા છે. બીજી બાજુ આ સંકુલની મોટાભાગની ગટર, પાણીની લાઈનો બેસી જતાં પાલિકાનું તકલાદી કામ ઊભરીને બહાર આવ્યું હતું. તો આવી લાઈનો જ્યાં છે ત્યાં મોટા-મોટા ભૂવા પડી ગયા હતા અને પાણી વહીને માર્ગો ઉપર ફરી વળ્યા હતા. ડી.સી. પાંચ (પાંજોઘર)માં ત્રણેક જગ્યાએ મોટા ભૂવા પડી ગયા હતા. પોલીસવડાની કચેરી સામે ગટર લાઈન ઉપર મોટો ભૂવો પડી ગયો હતો. આદિપુરની મુખ્ય ગટર લાઈન ઉપર, રોટરી સર્કલ પાસે જી.યુ.ડી.સી.એ. નાખેલી લાઈનમાં પણ ભૂવા પડી ગયા હતા. તો ખાનગી કંપની વેલસ્પને નાખેલી ગટર લાઈનમાં સરદાર વલ્લભભાઈની પ્રતિમાના સામેના ભાગે પણ ભૂવા પડી ગયા હતા. ઓછામાં પૂરું રેલવે ગુડઝ યાર્ડ પાસે રેલવે તંત્રે વરસાદી વહેણ ઉપર માટી નાખી દેતાં સંકુલનું પાણી નકટી બાજુ જતું નહોતું બાદમાં આ માટી હટાવી લેવાતાં પાણી આગળ વધ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ સંકુલના આંતરિક માર્ગો એવા ગુરુકુળ રોડ, ભારતનગર, ગણેશનગર, અપનાનગર, શક્તિનગર, સેક્ટર વિસ્તાર આદિપુરના 64 બજાર વગેરે વિસ્તારોમાં કૂવા જેવા ભૂવા પડી ગયા હોવાથી વાહનચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આવા મોટા-મોટા ખાડાઓના કારણે આંતરિક એવા આ માર્ગો પર પણ અકસ્માતો સર્જાઈ રહ્યા છે. દુનિયામાં કયાંય ન હોય તેવું ઈજનેરી કામ આ પાલિકા દ્વારા કરવામાં આવે છે. જેના કારણે અંતે લોકોને જ ભોગવવાનો વારો આવે છે. ભ્રષ્ટાચાર આચરી લોકોની આંખોમાં ધૂળ નાખીને રોડ, ગટર, પાણી, દીવાબત્તી વગેરેના કામો કરાય છે જે વરસાદમાં ધોવાઈ જતાં તેના રિપેરિંગના નામે કરોડોની ગ્રાન્ટ સરકાર પાસેથી માગવામાં આવશે અને તેમાં પણ પાછો ભ્રષ્ટાચાર આચરવામાં આવશે તેવી ચર્ચા બુદ્ધિજીવીઓમાં થઈ રહી છે. લોકોના પૈસાનું આમ જ પાણી થયા કરશે અને લોકો પણ આમ જ જોયા કરશે તેવી લાગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer