કાશ્મીરમાં અમનથી ઇદ ઉજવાઈ

કાશ્મીરમાં અમનથી ઇદ ઉજવાઈ
શ્રીનગર, તા. 12 : જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 હટાવવાના મોદી સરકારના ઐતિહાસિક પગલાં બાદ રાજકીય ઘમસાણ વચ્ચે સોમવારે ખીણના બિરાદરોએ બકરી ઇદની ઉજવણી ઉલ્લાસભેર કરી હતી. રાજ્યમાં નમાજ સમયે પ્રતિબંધોમાં ઢીલ મૂકવામાં આવી હતી.  છૂટાછવાયા બનાવોને બાદ કરતાં જમ્મુ અને કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ રહેતાં સૌએ વિવિધ મસ્જિદોમાં ભયમુક્ત બનીને ઇદની નમાજ અદા કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે કાશ્મીર ભ્રમણ જારી રાખતાં આજે પણ વિવિધ ભાગોમાં ફરીને લોકો સાથે વાતચીત કરી હતી, તો કડક નિયંત્રણો હેઠળ ઇદની ઉજવણી વખતે ખીણમાં સુરક્ષાવ્યવસ્થા અને સ્થિતિનો તાગ મેળવવા માટે ડોભાલે શ્રીનગર, લાલચોક, બેલગામ જેવા વિસ્તારો તેમજ દક્ષિણ કાશ્મીરના વિવિધ ભાગોનું હવાઇ સર્વેક્ષણ કર્યું હતું. પોલીસે કહ્યું હતું કે, છૂટાછવાયા બનાવો બાદ કરતાં શાંતિ રહી હતી. જેમાં કેટલાક લોકોને ઇજા થઇ હતી. ઈદ ઉલ અઝહા દરમિયાન બજારોમાં હલચલ જોવા મળી હતી. અગાઉ રવિવારે પણ એટીએમ, બેન્ક અને બજાર ચાલુ રહી હતી. વધુમાં લોકો ઈદની ખરીદી કરી શકે તે માટે પ્રતિબંધો પણ હળવાં કરવામાં આવ્યાં હતાં. પાકિસ્તાન ભલે રઘવાટમાં ખોટી અફવાઓ ફેલાવતું હોય, પરંતુ ઇદના તહેવાર દરમ્યાન પણ જમ્મુ-કાશ્મીરમાં સંપૂર્ણ શાંતિ રહી હતી. જમ્મુ-કાશ્મીરના મુખ્ય સચિવ રોહિત કંસલે સોમવારે સાંજે ખાસ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે, સુરક્ષાદળો તરફથી એક પણ ગોળી છોડાઇ નથી. કોઇને ઇજા કે કોઇ મોત થયું નથી. તેમણે અફવાઓ પર ધ્યાન નહીં આપવાની અપીલ કરી હતી. દરમ્યાન, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ શોપિયાં અને અનંતનાગ બાદ સોમવારે શ્રીનગર, સૌરા, પંપોર, લાલ ચોક, હજરબલ, બડગામ, દક્ષિણ કાશ્મીરના પુલવામા, અવંતીપુરા સહિતના ભાગોમાં ફરી વળતાં લોકો સાથે નિરાંતે વાતચીત કરી હતી. જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાની કડક વ્યવસ્થા વચ્ચે લોકો રસ્તા પર નીકળ્યા હતા અને નમાજ પઢી હતી, ખીણમાં દરેક જગ્યાએ જવાનો તૈનાત હોવાથી લોકોએ ભય વિના ઈદ ઊજવી હતી. બીજી તફર ગુપ્તચર સૂત્રોએ આપેલી બાતમી મુજબ આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના સાત આતંકવાદીની આત્મઘાતી ટોળકીએ કાશ્મીરમાં બનિહાલના દક્ષિણ તેમજ પીર પંજાલ પવર્તમાળા મારફતે ઘૂસણખોરી કરી હોવાનું જાણવા મળ્યું હતું. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા જૈશના આતંકીઓને ભારતમાં વધુમાં વધુ લોકો માર્યા જાય તેવા ઘાતકી હુમલા કરવા કહ્યું છે. આતંકવાદીઓ ઈદ હોવાથી કાશ્મીરમાં કોઈ મસ્જિદને નિશાન બનાવી શકે છે, તેવી ગુપ્તચર બાતમી ધ્યાને લેતાં દરેક જગ્યાએ પૂરતા પ્રમાણમાં જવાનો તૈનાત કરી દેવાયા હતા.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer