18 વર્ષમાં આ મારું પહેલું વેકેશન : મોદી

18 વર્ષમાં આ મારું પહેલું વેકેશન : મોદી
નવી દિલ્હી, તા. 12?:?વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી શો `મેન વર્સિસ વાઈલ્ડ'માં ભાગ લીધો હતો. બેયર ગ્રિલ્સ સંચાલિત આ પ્રસિદ્ધ શોના એ વિશેષ હપ્તાનું આજે 180 દેશમાં એકસાથે પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં વડાપ્રધાને ભાગ લીધો હતો. મોદીએ આ દરમ્યાન પ્રકૃતિથી પોતાના જોડાણની પણ વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે જો પ્રકૃતિથી સંઘર્ષ કરીએ તો તે ખતરનાક હોય છે પરંતુ જો પ્રકૃતિથી સંતુલન સાધી લઈએ તો તે પણ આપણી મદદ કરતી હોય છે. ભારતીય સલામતી એજન્સીઓ દ્વારા હવાઈ માર્ગ બંધ હોવાને કારણે બેયર ગ્રિલ્સ એક હેલિકોપ્ટરથી એ જગ્યા પર પહોંચે છે જ્યાં તેમની મુલાકાત પીએમ નરેન્દ્ર મોદીથી થવાની હોય છે. હેલિકોપ્ટરમાંથી ઊતરીને તેઓ મોદીને મળવા માટે ચાર કિલોમીટર પગપાળા ચાલે છે. બે કલાક વીતી ચૂકયા હોય છે અને જંગલમાં તે પીએમ મોદીની રાહ જોતા હોય છે. ગ્રિલ્સથી મુલાકાતથી પહેલાં મોદી પ્રસન્નતા દર્શાવે છે. મોદીનો કાફલો આગળ વધે છે. મોદી કારમાંથી જ જણાવે છે કે આજે આપણે બેયરની સાથે જિમ કાર્બેટ જઈ રહ્યા છીએ. પીએમે કહ્યું કે નાનો હતો ત્યારે અમારી પાસે સાબુના રૂપિયા નહોતા. શરદીઓમાં ઝાકળના ટીપાનો ઉપયોગ સાબુ તરીકે કરતા. મોદીએ કહ્યું કે હું શાળા બાદ મારા પિતા સાથે તેમની મદદ કરતો હતો. તેમણે કહ્યું કે તેઓ રેલવે સ્ટેશન પર લોકોને ચા પીવડાવતા હતા. આ દરમ્યાન બેયર વાઘ હોવા અંગે ચિંતા દર્શાવે છે તો મોદી કહે છે આ વાઘનો જ તો વિસ્તાર છે. ગ્રિલ્સ એક લાકડી અને ચાકુની મદદથી પોતાની સુરક્ષા માટે હથિયાર તૈયાર કરે છે. ગ્રિલ્સે કહ્યું તમારી સુરક્ષા મારી પ્રાથમિકતા છે તો પીએમએ જવાબમાં કહ્યું કે ઈશ્વર પર ભરોસો કરો, તે બધાની મદદ કરે છે. જ્યારે ગ્રિલ્સે મોદીને હથિયાર આપ્યું તો મોદીએ કહ્યું કે કોઈને મારવું મારા સંસ્કારમાં નથી પરંતુ સુરક્ષા માટે તેને મારી સાથે રાખી લઉં છું. ગ્રિલ્સે મોદીને જ્યારે તેમની જિંદગી અંગે પૂછ્યું તો તેમણે કહ્યું કે, આશરે 13 વર્ષ એક રાજ્યનો મુખ્યમંત્રી હતો, તે પછી દેશની જનતાએ પીએમ બનાવી દીધો. જો કોઇ વેકેશન કહે તો આ 18 વર્ષમાં મારું પહેલું વેકેશન છે. મોદીએ કહ્યું કે, મારા દાદી ભણ્યા ન હતા. મારા કાકાએ વિચાર્યું કે લાકડાંનો વેપાર કરીએ પરંતુ દાદીએ નારાજગી સાથે કહ્યું કે, ભૂખ્યા મરી જશું, પણ લાકડાં નહીં વેચીએ, તેમાં જીવન છે. પ્રકૃતિથી જોડાણ મને સંસ્કારમાં મળ્યું છે. ગ્રિલ્સે પૂછ્યું કે, શું તમે નર્વસ નથી થતા ? તો મોદીએ કહ્યું કે, મને સમજાતું નથી કે નર્વસ થવું શું હોય છે. હું દરેક ચીજમાં આશા જોઉં છું. યુવાનોને કહેવા માગું છું કે જિંદગીને ટુકડાઓમાં ન વિચારે, જીવનને પૂર્ણતામાં જુઓ. તેમણે પર્યાવરણની વાત કરતાં તુલસીના ધાર્મિક મહત્ત્વનું દૃષ્ટાંત ટાંક્યું હતું અને મીઠા લીમડાની કઢીને પણ યાદ કરી હતી. જેની ઈન્તેજારી હતી તે બેયર ગ્રિલ્સ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ `મેન વર્સિસ વાઈલ્ડ' શો આજે ટીવી પર પ્રસારિત થયો હતો. આ શોમાં મોદી એન્ડવેન્ચર કરતા નજરે પડયા હતા અને તેમણે ગ્રિલ્સની સાથે પર્યાવરણ અને જાનવર સંરક્ષણની વાતો પણ કરી હતી. શો પ્રસારિત થયો તે પહેલાં અને તે પછી સોશિયલ મીડિયા પર મોદી છવાયા હતા. તેમના પ્રશંસકોએ આ શોમાં મોદીના દેખાવની પ્રશંસા કરી હતી. આ શોનું પ્રસારણ ભારતની સાથે દુનિયાભરના 180 દેશમાં એકસાથે થયું હતું. ભારતમાં આ શો 8 ભાષામાં દર્શાવાયો હતો જેમાં હિન્દી, મરાઠી, મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડ અને બંગાળીનો સમાવેશ થાય છે. આ શોને ડિસ્કવરી ઉપરાંત તેની સહયોગી ચેનલો ડિસ્કવરી ઈન્ડિયા, ડિસ્કવરી એચડી વર્લ્ડ, ડિસ્કવરી સાયન્સ, ડિસ્કવરી ટર્બો, ડિસ્કવરી કિડ્સ, ડિસ્કવરી તમિલ, જેઈઈટી પ્રાઈમ, જેઈઈટી પ્રાઈમ એચડી, એનિમલ પ્લેનેટ, એનિમલ પ્લેનેટ એચડી વર્લ્ડ, ટીએલસી, ટીએલસી એચડી વર્લ્ડ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer