ખડીરની આંખો આસમાને, પૂરતો વરસાદ નથી

ખડીરની આંખો આસમાને, પૂરતો વરસાદ નથી
રામજી મેરિયા દ્વારા ચોબારી, તા. 12 : ભચાઉ તાલુકાના ચોબારી પંથકમાં શ્રાવણ માસના શ્રીકાર વરસાદને પગલે દુષ્કાળને દેશવટો અપાયો છે. અત્યાર સુધી તરસ્યા રહેલા વિસ્તાર પર મોડે મોડે પણ વરસાદ થતાં વાગડવાસીઓએ હાશકારો અનુભવ્યો છે અને ધીમે ધીમે ઉત્સાહ પણ બહાર આવી રહ્યો છે. જો કે ખડીર હજુ ચિંતા મુક્ત થયું નથી. ચોબારી પંથકમાં ઉપરવાસ કકરવામાં આવેલો ચાંગ ડેમ વરસો બાદ ઓવરફલો થતાં ચોબારીની ચાંગ નદી ચાર વરસ બાદ વહી નીકળી હતી અને બન્ને કાંઠે વહી નીકળતાં નદીના પટમાં પથરાયેલી પાણીની પાઇપલાઇનો નીકળીને રણ સુધી પહોંચી ગઇ હતી. નદી પર કરાયેલા દબાણો જાણે આપો આપ દૂર થઇ ગયા હતા. રાપર તાલુકાના સુવઇ ગામનો ડેમ પણ બે દિવસ પૂર્વે છલકાતાં આ પંથકમાં લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. અને આ વિસ્તારમાં હવે વાવણી કાર્ય શરૂ કરવામાં આવશે. છેલ્લા બે વરસથી પાણી અને ઘાસચારાની તીવ્ર તંગી વચ્ચે સમય પસાર કરી રહેલ સરહદી ખડીર વિસ્તારમાં ચારથી પાંચ ઇંચ જેટલો વરસાદ થયો છે જે આ મોસમનો પ્રથમ વરસાદ ગણાવી શકાય. આ વિસ્તારમાં વાવણી કાર્ય હવે અડધા શ્રાવણ બાદ શરૂ કરાશે. જો કે હજુએ અહીં સંતોષકારક વરસાદ થયો નથી. અહીંના ડેમ-તળાવો હજુએ અધૂરા જ છે. ખડીરવાસીઓમાં હજુ ઉચાટ વ્યાપ્યો છે. આ વિસ્તાર માત્ર વરસાદ આધારિત છે અને ખેતી અને પશુપાલન પર લોકો નિર્ભર છે. ત્યારે હજુ પણ અપૂરતા વરસાદથી ખડીરવાસીઓમાં અસંતોષ જોવા મળે છે. વરસાદી પાણીથી આ વિસ્તારના ડેમ, તળાવો ભરાય તો તેના વડે શિયાળુ પાક આ પંથકના લોકો લેતા હોય છે, જે હજુ સુધી નસીબ નથી થયું. ખડીરવાસીઓએ વધુ વરસાદની આશાએ આકાશ ભણી મીટ માંડી છે. જો કે ખડીરનાં રણમાં પાણી ભરાતાં રૂપકડાં સુરખાબ પક્ષીઓનું પણ આગમન થયું છે. પચાસ-સોના ટોળાંમાં પક્ષીઓ જોવા મળી રહ્યા છે. ટૂંક સમયમાં મોટી સંખ્યામાં પક્ષીઓ આ પંથકમાં આવશે તેવી પક્ષીપ્રેમીઓએ લાગણી વ્યક્ત કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer