ગરીબ, લાચારને ઉપયોગી થવું એ જ ઈદની સાચી ઉજવણી

ગરીબ, લાચારને ઉપયોગી થવું એ જ ઈદની સાચી ઉજવણી
ભુજ, તા. 12 : કચ્છભરમાં ઈદુલ અઝહાની કોમી એકતા-ભાઈચારા સાથે ઉજવણી કરી ગરીબ, લાચારને ઉપયોગી બનવા શીખ અપાઈ હતી. ભુજ : મુખ્ય ઐતિહાસિક ઈદગાહ પર શહેર કાઝી અલ્હાઝ અલામા મોહમ્મદ મૌલાના સલીમ કાદરી ચાકીએ ખુત્બો તેમજ ઈદ નમાજ પઢાવી અને ઈદની ખુશી સાચા અર્થમાં ગરીબ, નિરાધાર, બીમારને ઉપયોગી થવામાં છે, તેમજ કુરબાની અંગે સમજ આપી હતી. પ્રારંભે ઈદગાહ કમિટીના ટ્રસ્ટી સૈયદ ખેરશાબાપુ તેમજ ઈદગાહ કમિટીના સભ્ય અલીમોહંમદભાઈ જત દ્વારા તમામ બિરાદરોને ઈદુલ અઝહાની મુબારકબાદી પાઠવી હતી. આ પ્રસંગે ઈદગાહ કમિટી વતીથી સૈયદ ખેરશા, ખેરશા હાજીશા, હાજી અલીમોહમ્મદ, હાજી અમીરઅલી લોઢિયા, ગફુરભાઈ શેખ વગેરેએ મૌલાનાનું સન્માન કર્યું હતું. ઈદગાહ પર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઈદ નમાજ અદા કર્યા પછી આપસમાં ગળે મળી એકબીજાને ઈદની મુબારકબાદી આપી હતી. ઈદગાહ પર પેટા સમિતિના સભ્યો સૈયદ સાજનશા, હાજી ફઝલ જમાદાર, સરફરાઝ જત, લતીફશા સૈયદ, ગફુર પલેજા, હાજી યુસુફશા સહિતના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. ઈદગાહની જોલી ફેરવવામાં આવતાં રૂા. 23061નો ફાળો એકઠો થયો હતો. સંચાલન અલીમોહંમદભાઈ જત અને અનીશ બાયડે કર્યું હતું. મુખ્ય ઈદગાહ પર વૃક્ષારોપણ ભુજમાં ઈદુલ અઝહાના પવિત્ર દિવસે ઈદગાહ કમિટી દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ડીવાય. એસ.પી. પંચાલ, જિલ્લા સરકારી વકીલ કલ્પેશભાઈ ગોસ્વામી, ભુજ સિટી પી.આઈ. શ્રી ચૌહાણ, પી.આઈ.?શ્રી જલુ, પી.આઈ. શ્રી જાડેજા તેમજ સામાજિક આગેવાનો રાજેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ ત્રવાડી, પ્રબોધ મુનવર, ઈદગાહ કમિટીના આગેવાનો અલીમોહંમદ જત, અમીરઅલી લોઢિયા, ગનીભાઈ કુંભાર, ફકીરમામદ કુંભાર, અનવર નોડે, સરફરાઝ?જત (એડવોકેટ), અસરફ સૈયદ સહિતના આગેવાનોએ વૃક્ષારોપણ કર્યું હતું. જૂની બકાલી કોલોની અલીફ મસ્જિદમાં બલોચનગર, સંજયનગર, રામનગર, આત્મારામ સર્કલ, બકાલી કોલોની વિસ્તારના મુસ્લિમ બિરાદરોએ મોટી સંખ્યામાં ઈદ નમાજ અદા કરી હતી. ઈદુલ અઝહાની નમાજ અને ખુતબો મૌલાના કમરૂદીન હિજાજીએ પઢાવ્યા હતા. ઈદ નમાજની વ્યવસ્થામાં મુતવલ્લી સલીમબાપુ, જાવેદ ઈસ્માઈલ સમા, ઈજાજ અહેમદ, તોસીફ અહેમદ સમા, હાજી અયુબ બાલુ, ઈસ્માઈલ, સુલતાન હાજી ગફુર, યાકુબ જાનમામદ લુહાર, ફકીરમામદ અભા બકાલી તરફથી કરવામાં આવી હતી. ભારાપર (તા. ભુજ) ખાતે ઈદ ઉલ અઝહા (બકરી ઈદ) મનાવવામાં આવી હતી. જેમાં ભારાપર અને આસપાસના વિસ્તારમાંથી 700 જેટલા લોકો જોડાયા હતા અને ગામની મસ્જિદોના પેશઈમામો અને ગામના અગ્રણીઓ હાજર રહ્યા હતા. સૈયદ સાદાત જોડાયા હતા. લોકોએ આપસમાં ગળે મળી ઈદ મુબારકબાદી આપી હતી. તકરીરમાં કચ્છની એકતા જળવાઈ રહે તેવી દુઆ કરવામાં આવી હતી. અંજાર : શહેરની પ્રાચીન ઈદગાહ ખાતે મૌલાના સૈયદ મેહબૂબશાએ ઈદ નમાજ પઢાવી હતી. તેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની શુભેચ્છા પાઠવી હતી. કમિટી દ્વારા ઈદની નમાજ બાદ યોજવામાં આવેલા કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઈદની શુભેચ્છા પાઠવી હતી. શહેરની હાજીપીર મસ્જિદ, ખત્રી મસ્જિદ, કુંભાર મસ્જિદ, ઘાંચી મસ્જિદ, નયા અંજાર એકતાનગર વગેરે સ્થળે ઈદની નમાજ અદા કરાઈ હતી. આ નિમિત્તે શહેરમાં અન્ય મસ્જિદ એ ખીઝરા, તુરિયા મસ્જિદ, અલ્લાહવાલા સાંઈ મસ્જિદ, મસ્જિદે અક્સા, સુમરા મસ્જિદ મધ્યે નમાજ અદા કરાઈ હતી. આ ઈદની ઉજવણી નિમિત્તે શહેરમાં મુખ્ય માર્ગો પર જુલૂસ નીકળ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. માંડવી : શહેરના તબેલા વિસ્તારમાં રહેમાનિયા મસ્જિદ ખાતે ઈદ-ઉલ-અઝહાના અવસરે બિરાદરોને પર્વની મુબારક પાઠવતાં મુફતી-એ-કચ્છ અલ્હાજ સૈયદ હાજી અહમદશા બાવા સાહેબે કુરબાની ઈદનો મહિમા સમજાવતાં અનિષ્ઠોને તિલાંજલિ આપી નેકી અને ટેકીના ઉસૂલોને અનુસરવાનો બોધ આપતાં દુઆ-એ-ખૈર કરી હતી. વરસાદી માહોલમાં ઈદગાહ ખાતે પરંપરાગત રીતે નમાજ સંભવ નહીં બનતાં આ શહેરમાં વિવિધ ઈલાકાઓમાં આવેલી મસ્જિદોમાં ઈદ નમાજ અદા કરવામાં આવી હતી. મુફતી સાહેબે અલ્લાહની બારગાહમાં ગુનાઓ, ભૂલોની માફી માગી દુઆ ગજારવામાં આવતી હોવાથી ઈસ્લામના ઉસૂલોને ઉજાગર કરીને અમન, શાંતિ, સલામતી, હમદર્દી, મહોબ્બત, રહેમદિલી, ભાઈચારાનો પૈગામ અનુસરવા શીખ આપી હતી. ખુત્બો મુફતી સાહેબના જ્યેષ્ઠ પુત્ર સૈયદ હાજી અનવરશા બાવા સાહેબે પેશ કર્યો હતો. નમાજ મૌલાના ઈબ્રાહીમે પઢાવી હતી. સૈયદ હાજી કાસમશા બાવા, હાજી આમદ આગરિયા સહિત મોટી સંખ્યામાં બિરાદરો જોડાયા હતા. ફિરદોસ મસ્જિદમાં પેશ ઈમામ ઈબ્રાહીમભાઈએ નમાજ અદા કરાવી હતી. મુતવલી હાજી અલીમામદ રોહા સાથે ફિરદોસ મસ્જિદ કમિટીએ આયોજન સંભાળ્યું હતું. ગઢશીશા (તા. માંડવી) : અહીંની ગનીશા મસ્જિદમાં મૌલાના અસલમ હુસેન, કચ્છી મેમણ જુમા મસ્જિદમાં મૌલાના અસ્પાક હુસેન, તયબાહ મસ્જિદમાં મૌલાના અબ્દુલ રજાક નોમાનીએ નમાજ અદા કરાવી હતી. માણાબા (તા. રાપર) : મોટાપીર ચોક પાસે ઈદગાહ ખાતે મસ્જિદના પેશ ઈમામ મૌલાના મોહંમદ યુનુસખાને નમાજ અદા કરાવી ઈદ ઉલ અઝહાનો ખુત્બો પઢાવ્યો હતો. સમગ્ર કચ્છમાં દુષ્કાળને દેશવટો મળતાં ખુદાની વરસાદરૂપી રહેમતનો આભાર માન્યો હતો, તેમજ સમગ્ર હિન્દુસ્તાન સાથે પૂરા વિશ્વ માટે અમન, સુખ, શાંતિ અને સમૃદ્ધિની દુવા કરી હતી. આ પ્રસંગે હાજી અલ્લારખાભાઈ રાઉમા ચેરમેન ગુલશને મોહંમ્મદી ટ્રસ્ટ, રમઝુભાઈ રાઉમા માજી સરપંચ, મામદભાઈ રાઉમા મુતલવી, બાબુભાઈ રાઉમા તેમજ અકબરભાઈ હાજી અલ્લારખાભાઈ રાઉમા, મહામંત્રી કચ્છ જિલ્લા ભાજપ અને સરપંચ માણાબા ગ્રામ પંચાયત સાથે વિશાળ સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી આપી હતી.  લુડવા (તા. માંડવી) : પીરવાલી મસ્જિદ ખાતે સૈયદ અલીશા કાદરીએ નમાજ અદા કરાવી વતન-દેશ માટે કુરબાની આપવા મુસ્લિમો તૈયાર છે તેવું જણાવ્યું હતું. શેરડીમાં સૈયદ લતીફશા બાવા, વિરાણી ગઢમાં મૌલાના ઈરફાન, ભેરૈયામાં સૈયદ મોહમદ તાહીરશા કાદરીએ નમાજ પઢાવી હતી. મુંદરા : ઈદ ઉલ અઝહાની બંદરીય નગરી ખાતે ઉજવણી કરવામાં આવી હતી. સવારે મોહમદ મિયાં મસ્જિદથી ઈદનું જુલૂસ નીકળ્યું હતું, તે હસનપીર બજાર, શાહ બજાર થઈ ઈદગાહ પહોંચ્યું હતું, જ્યાં મૌલાના તૌકીર આલમે બકરી ઈદનું મહત્ત્વ સમજાવ્યું હતું તથા દેશમાં અમન અને ભાઈચારા માટે દુઆ ગુજારવામાં આવી હતી. ઈદ નમાજ પઢાવી હતી, જેમાં તાલુકાભરમાંથી મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ઈદ પ્રસંગે તમામ બિરાદરો અરસ-પરસ ગળે મળીને ઈદ મુબારક પાઠવી હતી. ઈદગાહ ઉપરાંત શાહ મુરાદબુખારી દરગાહ મસ્જિદ ખાતે પીર સૈયદ અલીઅહેમદ શાહબાપુ, જામા મસ્જિદ ખાતે મૌલાના અઝમુદ્દીન-એ-ઈદ નમાજ પઢાવી હતી. આ ટાંકણે હાજી સલીમ જત, નજીબ અબાસી, ફકીર મામદ થેબા, રહીમ ખત્રી, અનવર ખત્રી, મકસુદ ખત્રી, હમીદ ખત્રી, ઈમરાન મેમણ, રમજુ ખત્રી, હાસમ ખત્રી, આજુબાજુ કંપનીઓમાં કામ કરતા પરપ્રાંતીયો મુસ્લિમ બિરાદરો આ પર્વમાં સામેલ થયા હતા. મીઠાઈઓની દુકાનોમાં ભારે ભીડ જોવા મળી હતી. બપોર બાદ નદીના પટમાં ઈલિયાસ પીરની દરગાહે મેળો ભરાયો હતો, જેમાં તકરીર પીર સૈયદ અલી અહેમદબાપુએ ફરમાવી હતી. નખત્રાણા ખાતે મુખ્ય ઈદગાહ પર મૌલાના મોહ્યુદ્દીન અજમેરીએ ઈદ નમાજ ખુત્બો તેમજ તકરીર પેશ કરી હતી. તેમણે માનવતાના દીપો સદાય જલતા રહે તેવા કાર્યનો અનુરોધ કર્યો હતો. મુતવલી હાજી ઈશાક કુંભાર તેમજ જમાતીઓ જોડાયા હતા. સુરલભિટ્ટ મસ્જિદમાં ઈદ નમાજ પઢાવવામાં આવી હતી. જમાતના મુતવલી મામદભાઈ રાયમા, કુંભાર ઈસ્માઈલભાઈ, સલીમ ખત્રી, હાજી ગનીભાઈ કુંભાર તેમજ તમામ સમાજના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. પિંજારા મસ્જિદમાં મૌલાનાએ ઈદ નમાજ પઢાવી હતી. સમાજના અગ્રણી હાજી અલીભાઈ પિંજારા, હાજી ઈસ્માઈલ પિંજારા, પિંજારા યુનુસભાઈ (અમીર), જુમાભાઈ પિંજારા, હાજી આમદ તેમજ સર્વે જમાતના ભાઈઓએ એકમેકને મુબારકબાદી પાઠવી હતી. નવાનગર : મૌલાના હસનભાઈ રાયમા, મુતવલી હાજી અનવરભાઈ ચાકીએ કચ્છની એકતા-અમનની મિસાલ સાથે સદાયે જ્વલંત રહે એવી દુવા સાથે સંદેશો પાઠવ્યો હતો. હાજી રમજાન કુંભાર, હાજી હારૂન લુહાર, હાજી મુસાભાઈ, સુમરા મહેમૂદભાઈ, નૂરમામદ ચલંગા, ખમીશા ખત્રી તેમજ અગ્રણીઓ હાજર રહ્યા હતા. મોટી વિરાણી (તા. નખાત્રણા) : તયબાહ મસ્જિદમાં ઈદ નમાજ પઢાવવામાં આવી હતી. તકરીરમાં મૌલાના હાજી અબ્દુલ કાદરે નમાજ તેમજ ખુત્બો પઢાવ્યો હતો. મુતવલી હાજી નૂરમામદ, પ્રમુખ અહમદ ખલીફા, ઉપપ્રમુખ અદ્રેમાન ચાકી, મહામંત્રી ઉમર એસ. ખત્રી, નવાનગરના મુતવલી કુંભારભાઈ, મૌલાના ફકીરમામદ કુંભાર, અલીમામદ ખલીફા, અદ્રેમાન સમેજા ઉપરાંત યુવક મંડળના પ્રમુખ જાકબ સાટી, ઉપપ્રમુખો ઓસમાણ ખલીફા, રમજુ કુંભાર, મહામંત્રી કાસમ ચાકી તેમજ મુસ્લિમ જમાતના હોદ્દેદારો, યુવક મંડળના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ મુસ્લિમ બિરાદરોને ઈદની શુભેચ્છા પાઠવી હતી. કોટડા (જ.) (તા. નખત્રાણા) : સુન્ની મુસ્લિમ સમાજ સવારે જુલૂસ સ્વરૂપે ઈદગાહ મેદાને પહોંચ્યો હતો. જ્યાં મૌલાના બદ્રેઆલમે ખુતબો પઢાવ્યો હતો અને સૌ મુસ્લિમ ભાઈઓને પાંચ વખત નમાજ પઢવાનો અને સૌ લોકો સાથે પ્રેમ અને ભાઈચારાથી રહેવાની સલાહ આપી હતી. આ પ્રસંગે મુતવલી મામદ જાગોરા, સાલેમામદ ભટ્ટી, હાજી અલી કુંભાર, હુસેન સમેજા, હાજી ખત્રી, અબ્દુલ સતાર ખત્રી, મીઠુ લોહાર તેમજ યુવક મંડળના સૌ ભાઈઓ જોડાયા હતા. ભચાઉ : અહીં ઈદ-ઉલ-અઝહાની ઉજવણી કરવામાં આવી હતી. ઈદની નમાજ જમાત સાથે મુખ્ય ઈદગાહમાં થઈ હતી. જેમાં ઈદની તકરીર મૌલાના હનીફ અકબરીએ કરી હતી અને નમાજ તૈયબા મસ્જિદના પેસ ઈમામએ અદા કરાવી હતી. ત્યારબાદ ખુત્બો મૌલાના હસન રઝાએ પઢાવ્યો હતો. જેમાં હિન્દુ-મુસ્લિમની એકતા માટે દુઆએ ખેર કરવામાં આવી હતી. મૌલાના હનીફ અકબરી દ્વારા ઈદ-ઉલ-અઝહાની તકરીર કરાઈ હતી, જેમાં કુરબાની વિશેની વિગતવાર જાણકારી આપી હતી. આ સમયે શેખ હાજી આમદશાડાડા (પ્રમુખ સુન્ની મુસ્લિમ સમાજ-ભચાઉ), ઉપપ્રમુખ બલોચ અકબર હાજી ઈબ્રાહીમ, ખજાનચી કુરેશી હાજી અલીભાઈ, ખલીફા ભચુભાઈ, મુતવલી રાઉમા મહેબૂબભાઈ, સૈયદ અસગરબાપુ, રાજા ફિરોઝભાઈ (હુસૈની કમિટી-પ્રમુખ), સૈયદ શેરઅલીબાપુ (નગરપાલિકા કાઉન્સિલર), અઝીમ શેખ (પત્રકાર-કચ્છમિત્ર), શેખ રસૂલ ભાકરશા, કુંભાર સુલેમાન નામોરી, પડલશા મસ્જિદના મુતવલી હનીફ રાજા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. નાની ચીરઈ (તા. ભચાઉ) ખાતે ઈદ-ઉલ-અઝહાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ઈદ નમાજ અને ખુત્બો પેશ ઈમામ મૌલાના અલી અહેમદ અકબરી દ્વારા પઢાવવામાં આવ્યા હતા તેમજ દુઆ પીર સાહેબ હાજી અલી અકબરશાબાપુ ચીરઈવાળાએ કરી હતી. મુસ્લિમ ભાઈઓએ એક બીજાને ઈદની મુબારકબાદી આપી હતી તેમજ હિન્દુ-મુસ્લિમ એકતા માટે દુઆ કરવામાં આવી હતી. આ દરમિયાન સૈયદ હાજી અલીઅકબરશાબાપુ, સૈયદ લતીફશા હાજી અલીઅકબરશા, કોરેજા હાજી હારૂન, પરીટ હાજી મુસાભાઈ, પરીટ હાજી ખમીશા, કોરેજા આમભાઈ, ભટ્ટી ભચુભાઈ, ભટ્ટી અકબરભાઈ, ફકીર મીર - મામદભાઈ મિયાજીં, અકબર હાજી કોરેજા, કુંભાર ઓસમાણભાઈ કોરેજા, આમદ બાવલા, ફકીર ઓસમાણભાઈ વગેરે આગેવાનો તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા. નલિયા : બકરી ઈદ પ્રસંગે નલિયા પનલછાપીરના કમ્પાઉન્ડમાં ઈદગાહ ખાતે ઈદની નમાજ સૈયદ હાજી તકીશા બાવા (મુસ્લિમ જમાત અબડાસાના પ્રમુખ)ના વડપણ હેઠળ પઢાવવામાં આવી હતી. આ પ્રસંગે અખિલ કચ્છ મુસ્લિમ કુંભાર જમાતના પ્રમુખ હાજી જુણસભાઈએ કુરબાની વિશે સમજ આપી હતી. તેમણે આ વખતે વરસાદ સારો થતાં વરસ આખું સુખ અને શાંતિમય રહે એવી દુઆ ગુજારી હતી. આ પ્રસંગે વેપારી અગ્રણીઓ તથા મુસ્લિમ સમાજના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જૂની ઇદગાહ ખાતે વરસાદ થતાં પાણીનો ભરાવો રહેતાં દરેક મસ્જિદોમાં મૌલાના દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી. ખીરસરા (કો.) (તા. અબડાસા) ખાતે મસ્જિદે ગૌસિયામાં ઈદ ઉલ અઝહા (બકરી ઈદ)ની નમાજ પઢવામાં આવી હતી, તેમાં તકરીર, ખુત્બો મૌલાના જત ઓસમાણે પઢાવ્યો હતો.  તેમણે ભાઈચારા અને કોમી એક્તાથી રહેવા સંદેશ પાઠવ્યો હતો. આ પ્રસંગે સુમરા હાજી મુબારક મામદ (મા.તા.પં. સભ્ય), સરપંચ સુમરા અબ્દુલા ઈસ્માઈલ, ઉપસરપંચ સુમરા હુશેન આમદ, સુમરા સુલતાન હાજી મુબારક, સુમરા હાજી દાઉદ વગેરે હાજર રહ્યા હતા. સંચાલન પ્રમુખ સુમરા ઈસા હસણ અને આભારવિધિ સુમરા જુણસ આમદે કર્યા હતા. દુવા-એ-ખેર સૈયદ હકીમછા બાવાએ પઢાવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer