કિડાણામાં યુવાનની હત્યા કરનારા ચારમાંથી ત્રણ શખ્સ ઝડપાયા

ગાંધીધામ, તા. 12 : તાલુકાના કિડાણામાં આવેલી જગદંબા સોસાયટી, ભૂકંપનગરમાં અજય દેવરિયા નામના યુવાનની હત્યાના પ્રકરણમાં ત્રણ શખ્સોની અટક કરાઇ હતી. આ ત્રણેયના રિમાન્ડ ન મળતાં ત્રણેયને જેલ હવાલે કરાયા હતા. કિડાણામાં રહેતા છકડાચાલક એવા અજયના ઘરે અશોક ગોસ્વામી નામનો શખ્સ ગયો હતો. તે આ યુવાનને તારું કામ છે તેમ કહીને અમિત રામજી સંજોટના ઘરે લઇ ગયો હતો. જ્યાં રાજુ, અમિત, અશોક અને દિગ્વિજયસિંહ જાડેજા નામના શખ્સોએ મળીને આ યુવાનને પતાવી નાખ્યો હતો. પોલીસે આ બનાવમાં દોડધામ આદરી અને અશોક, અમિત તથા દિગ્વિજયસિંહની ધરપકડ કરી હતી તથા હત્યામાં વપરાયેલો લોખંડનો પાઇપ, પથ્થર વગેરે જપ્ત કરવામાં આવ્યા હતા. પકડાયેલા આ ત્રણેય શખ્સોને 10 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયા હતા પરંતુ તેમના રિમાન્ડ મંજૂર ન થતાં ત્રણેયને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. આ બનાવનો ચોથો તહોમતદાર રાજુ ગોસ્વામી હજુ પોલીસ પકડથી દૂર છે ત્યારે તેને પકડી પાડવા આગળની તપાસ અનુ. જાતિ, અનુ. જનજાતિ સેલે હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer