વોંધ પાસે યુધ્ધના ધોરણે રેલવે ટ્રેકનું સમારકામ: અપલાઈન શરૂ

વોંધ પાસે યુધ્ધના ધોરણે રેલવે   ટ્રેકનું સમારકામ: અપલાઈન શરૂ
ઉદય અંતાણી દ્વારા ગાંધીધામ,તા. 12 : કચ્છમાં પડેલા ભારે વરસાદના કારણે ભચાઉ તાલુકાના વોંધ સામખિયાળી વચ્ચે 7 જેટલા સ્થળે ટ્રેક ધોવાતાં અટવાયેલો કચ્છનો દેશના વિવિધ શહેર સાથેનો ટ્રેન વ્યવહાર સતત ત્રીજા દિવસે પણ ખોરવાયેલો રહ્યો હતો.રેલવે પ્રશાસન દ્વારા યુધ્ધના ધોરણે સમારકામ આદરી આજે અપ લાઈન કાર્યરત કરી કચ્છથી માલપરિવહન શરૂ કરાયું હતું. જયારે કચ્છ આવતી જતી 16 જેટલી ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી છે. સંભવત: આવતી કાલે બપોર સુધીમાં તમામ રેલવે વ્યવહાર પૂર્વવત થઈ જાય તેવી શકયતા વ્યકત કરાઈ રહી છે. જયારે લાંબા અંતરની બે ટ્રેનોને સામખિયાળી સુધી લાવી આંશિક રદ કરવામાં આવી છે. વોંધથી સામખિયાળી વચ્ચે સાતેક જેટલા સ્થળે ટ્રેક ધોવાઈ ગયો છે. પાણી ઓસરતાં જ અમદાવાદ અને મુંબઈના પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓની સીધી નિગરાની તળે રાઉન્ફ ધ કલોક સમારકામની કામગીરી ચાલુ છે. સતત 24 કલાક સુધીમાં કામગીરી કરી વોંધથી સામખિયાળી સુધી અપલાઈન કાર્યરત કરી દેવાઈ હતી. જેથી કંડલા, મુંદરા બંદરથી કન્ટેઈનર અને ગુડસ ટ્રેનો આજથી રવાના કરવામાં આવી હતી. જો કે હજુ કંડલા મુંદરા બંદરેથી ગુડઝ ટ્રેનો માત્ર જશે આવશે નહીં. દરમ્યાન રેલ વ્યવહાર પૂર્વવત કરવા માટે 500 જેટલા શ્રમિકો સતત કાર્યરત છે. સંભવત: આવતીકાલે બપોર સુધીમાં ડાઉન લાઈન પૂર્વવત કરવાના ધ્યેય સાથે પ્રશાસન કાર્યરત છે. મુંબઈ સ્થિત ચીફ ઈજનેરે મુલાકાત લઈ ચાલતા કામ અંગે જાત માહિતી મેળવી હતી. ડાઉન લાઈનમાં વોંધ રેલવે સ્ટેશન પાસે ભારે નુકસાન થયું છે. માલગાડી ટ્રેક ઉપર ઉભી હતી. તે દરમ્યાન ધસમસતા પાણી ફરી વળતાં થોડોક ટ્રેક સાવ બેસી ગયો હતો.આ ઉપરાંત વોંધ રેલવે સ્ટેશનથી આગળ ફાટક બાદ અંદાજે બે કિલોમીટર સુધીની લાઈનનું સદંતર ધોવાણ થયું હતું. અને પાટા હવામાં લટકતા હતાં. સતત કામગીરી ચાલુ કરી આજે બપોર સુધીમાં અપલાઈન પૂર્વવત કરવામાં આવી હતી. દરમ્યાન આજે સતત ત્રીજા દિવસે કચ્છનો દેશના વિવિધ શહેર સાથેનો રેલવે વ્યવહાર સંપૂર્ણ ખોરવાયેલો રહ્યો હતો. આજે ઉપડનારી ભુજ બાન્દ્રા કચ્છ એકસપ્રેસ (22956), ગાંધીધામ તીરૂનલવેલ્લી હમસફર એકસપ્રેસ (19424), ગાંધીધામ ઈન્દોર (19135) ભુજ બાન્દ્રા એસી એકસપ્રેસ (22304) ગાંધીધામ જોધપુર (22484) ભુજ દાદર સંયાજી નગરી એકસપ્રેસ (19116), ભુજ દાદર (12960), ભુજ પાલનપુર (19152) પાલનપુર ભુજ (19151) અને આવતીકાલે તા.13ના રવાના થનારી ગાંધીધામ બેંગ્લોર (16505), તા. 13ના જોધપુરથી રવાના થનારી જોધપુર ગાંધીધામ (22983), તા.15ના તીરૂનલવેલ્લીથી રવાના થનારી તીરૂનલવેલ્લી ગાંધીધામ હમસફર એકસપ્રેસ (19423), તા.14ના મુંબઈથી ઉપડનારી બાન્દ્રા ભુજ એ.સી એકસપ્રેસ (22903), દાદર ભુજ (12959), અને આવતીકાલે તા.13ના ઉપડનારી ભુજ પાલનપુર (19152) પાલનપુર ભુજ (19151) સહિતની ટ્રેનો રદ કરવામાં આવી છે. આજે કચ્છથી ઉતર ભારતને સાંકળતી આલાહઝરત એકસપ્રેસને સામખિયાળી સુધી લાવવામાં આવી હતી. અને ભુજ સામખિયાળી વચ્ચે રદ કરી સામખિયાળીથી જ બરેલી તરફ રવાના કરવામાં આવી હતી. જયારે આજે આવેલી ભુજ શાલીમારને સામખિયાળી ખાતે અટકાવી દેવામાં આવી હતી. અને આવતી કાલે સામખિયાળીથી શાલીમાર માટે રવાના કરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer