ગટરનાં પાણીથી ભુજની ઓરિએન્ટ કોલોની બાનમાં

ગટરનાં પાણીથી ભુજની ઓરિએન્ટ કોલોની બાનમાં
ભુજ, તા. 12 : છેલ્લા ચાર-પાંચ દિવસથી જ્યુબિલી ગ્રાઉન્ડ નજીક ગટરલાઇન બેસતાં દૂષિત પાણી ઓરિએન્ટ કોલોનીમાં પહોંચતાં રહેવાસીઓ ત્રાહીમામ પોકારી ઊઠયા હતા. દુર્ગંધને પગલે લોકોને ઘરોમાં રહેવા તેમજ બહાર જવા-આવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીંથી મુંદરા રોડ સુધીના વિસ્તારમાં ક્યાંય પણ ગટર સમસ્યા સર્જાય એટલે એનાં પાણી ઓરિએન્ટ કોલોનીમાં પહોંચતા હોવાનું રહેવાસીઓએ જણાવી આ સમસ્યા કાયમી ઉકેલાય તેવી સુધરાઇના સત્તાધીશો સમક્ષ માગણી કરી હતી. તાજેતરમાં જ લાઇન તૂટતાં કોલોનીમાં ગટરનાં પાણી પથરાઇ ગયાં છે અને અહીંથી વી.ડી. હાઈસ્કૂલમાં પણ દૂષિત પાણી ભરાતાં વિદ્યાર્થીઓનાં સ્વાસ્થ્ય સામે જોખમ ખડું થયું છે. વર્ષમાં ત્રણથી ચારવાર આ જ સમસ્યા સર્જાતી હોવાનું રહેવાસીઓએ જણાવી ઉમેર્યું કે, અગાઉ જીવણરાય તળાવડીમાં પાણી જતું હતું. પરંતુ તે પૂરાઇ જતાં પાણી નિકાલની કોઇ વ્યવસ્થા ન હોવાથી હવે કોલોનીમાં ફેલાય છે અને ત્યાંથી વી.ડી. હાઇસ્કૂલમાં ભરાય છે. ગટર કે પાણીની લાઇન તૂટે એટલે તેનાં પાણી આનંદ કોલોની, નૂતન સોસાયટી થઇ ઇન્દિરા નગરી, ભીલ સ્મશાનથી ઓરિએન્ટ કોલોનીમાંથી પસાર થાય અને ત્યાંથી વી.ડી. હાઇસ્કૂલમાં ભરાય, બાદ સંતોષ સોસાયટી, બિલેશ્વર મંદિર, બસ સ્ટેશન વિસ્તારથી વોકળા સુધી પહોંચતાં હોવાનું કોલોનીના જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું. આ સમસ્યાથી ત્રસ્ત બનેલા રહેવાસીઓએ આજે સુધરાઇમાં જાણ કરતાં અધ્યક્ષા લતાબેન સોલંકી, કારોબારી ચેરમેન ભરત રાણા, નગરસેવિકા ગોદાવરીબેન ઠક્કર, ડ્રેનેજ શાખાના ચેરમેન દિલીપ હડિયા, ઇન્જિનીયર ધર્મેન્દ્રાસિંહ વાઘેલા સહિતના સ્થળ પર આવતાં સોસાયટીના પ્રમુખ કિરણભાઇ ગણાત્રા, ડો. સચિન ઠક્કર, અભય શાહ, સોનુબેન હેમેન શાહ, શૈલેશ શાહ, હિરેન ઠક્કર, મલ્હાર બૂચ વિ.એ સમસ્યાથી વાકેફ કરી કાયમી ઉકેલ લાવવા માંગ કરી હતી. આ અંગે સુધરાઇના કારોબારી ચેરમેન ભરત રાણાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે, તૂટેલી લાઇન મરંમત કરવા સૂચના આપી દીધી છે અને આવતીકાલ સવારથી કામ શરૂ થઇ જશે. ઉપરાંત લાઇનનું જોડાણ અન્ય લાઇનમાં આપી દેવાશે, જેથી કોલોનીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલાશે. સંસ્કારનગરમાં પણ આવી જ સમસ્યા હતી, જેનો ઉકેલ આવી ગયો હોવાનું શ્રી રાણાએ ઉમેર્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer