ગમે તે થાય ગાંધીધામની બજારમાં વૃક્ષ નહીં લાગે

ગમે તે થાય ગાંધીધામની બજારમાં વૃક્ષ નહીં લાગે
ગાંધીધામ, તા. 12 : અહીંની મુખ્ય બજારમાં એક સંસ્થાએ પર્યાવરણ જાળવણીના હેતુસર ઠેર ઠેર વૃક્ષારોપણ કર્યું હતું. જે તે સમયે નગરપાલિકાએ કેટલાક વેપારીઓનો પક્ષ લઈને તે રોકાવ્યું હતું. હવે નગરપાલિકાએ શરમ નેવે મૂકીને સંસ્થાએ વાવેલા છોડ આડે રખાયેલાં પીંજરા ટ્રાફિકને નડતર થતું હોવાનું કારણ આપીને ઉખેડી લેતાં કુમળા છોડ પશુઓ ખાઈ ગયાં હતાં. વડાપ્રધાન અને મુખ્યમંત્રીની પર્યાવરણ જાળવવાની અપીલ તથા ભાજપની આ નીતિના લીરેલીરા ઉડયા હતા. આજે બજારમાંથી પાલિકાના કર્મચારીઓએ પીંજરા ઉખેડી લેતાં તે અંગે પાલિકા પ્રમુખ કાનજીભાઈ ભર્યાનો ફોન ઉપર સંપર્ક સાધતાં તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે મુખ્ય બજારમાં વૃક્ષો વાવવા નહીં દેવાય. સંબંધિત સંસ્થાને અમે ના પણ પાડી હતી પરંતુ તેઓએ તેમ છતાં વૃક્ષો વાવ્યાં છે. બજારમાં ટ્રાફિકને લગતા પ્રશ્નો ખડા થાય છે. અલબત્ત તેમણે દુકાનદારો દ્વારા આર્કેડ તથા ફૂટપાથ ઉપર માલ-સમાન ખડકી દઈને કરાતાં દબાણ ટ્રાફિકને અડચણ નથી કરતાં તેવું પુછાતાં તેમણે તે અંગે કોઈ જ જવાબ આપ્યો નહોતો. મુખ્ય અધિકારી સંદીપસિંહ ઝાલાનો કચેરીનો સત્તાવાર મોબાઈલ સ્વીચ ઓફ આવ્યો હતો. વૃક્ષો વાવવાની સારી પ્રવૃતિ છતાં બજારમાં વેપારીઓ ન ઈચ્છતા હોવાથી પાલિકાએ મતદારો નારાજ ન થવા જોઈએ તેવું વલણ લઈને આ પ્રવૃતિનો જ ખુલ્લેઆમ વિરોધ કરતાં આશ્ચર્ય પ્રસર્યું છે. શહેરની મુખ્ય બજારમાં સ્વેચ્છિક સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાયા બાદ થોડા જ દિવસોમાં સુધરાઈ દ્વારા પાંચથી વધુ સ્થળેથી વૃક્ષો ઉપરના પીંજરા ઉખેડી નખાયાં હોવાનું સપાટી પર આવ્યું હતું. બજારના રસ્તામાં આવતા દરેક વળાંક પાસે આવેલા દરેક વૃક્ષોના પીંજરા કાઢી નાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત વૃક્ષારોપણ કરનારી સંસ્થાને, નુક્સાનની ભરપાઈ માટે નોટિસ જારી કરવા તજવીજ હાથ ધરાઈ હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર અને વહીવટીતંત્ર દ્વારા તાજેતરમાં જ વન મહોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પણ વૃક્ષારોપણનું મહત્ત્વ સમજાવીને પર્યાવરણ જાળવણી અર્થે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરવા અનુરોધ કરાયો હતો. તો બીજી બાજુ અહીં ભાજપ શાસિત સુધરાઈએ પોતાની નૈતિકતાને નેવે મૂકીને પર્યાવરણ વિરુદ્ધનું કૃત્ય કરતાં પર્યાવરણ પ્રેમીઓએ આક્રોશ વ્યકત કર્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer