ગાંધીધામની ભાગોળે વિસર્જિત દશામાની મૂર્તિઓની અવદશા દેખાતાં લોકો કચવાયા

ગાંધીધામની ભાગોળે વિસર્જિત દશામાની   મૂર્તિઓની અવદશા દેખાતાં લોકો કચવાયા
ગાંધીધામ, તા. 12 : છેલ્લા બે દિવસમાં સંકુલમાં પડેલા વરસાદ બાદ રાજવી ફાટક પાસે ભરાયેલા પાણીના ખાબોચિયામાં દશામાના વ્રતની મૂર્તિઓ અને પૂજાપો તરાવાતાં આસ્થળુઓમાં નારાજગી પ્રસરી હતી. વરસાદને પગલે ગાંધીધામ-આદિપુર જુદા-જુદા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો હતો. આ જ પ્રકારે રાજવી ફાટક પાસે દિલ્હી પબ્લિક સ્કૂલ તરફ જતા માર્ગ નજીક પાણી ભરાતાં આ સ્થળે દશામાના વ્રતની પૂર્ણાહુતિ સાથે મૂર્તિઓ અને પૂજાપો પધરાવાયો હતો. અત્રે પાણી ઓસરતાં અનેક મૂર્તિઓ બહાર દેખાતાં લોકોના મનમાં કચવાટ ઊભો થયો હતો. ગણેશ ઉત્સવ કે આવા અન્ય ધાર્મિક તહેવારોમાં જિલ્લાના અલગ અલગ સ્થળે તંત્ર દ્વારા મૂર્તિ અને પૂજાપાના વિસર્જનની અલાયદી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. અલબત્ત આ નગરમાં સુધરાઈ અથવા અન્ય કોઈ સરકારી તંત્ર દ્વારા આ પ્રકારની કોઈ વ્યવસ્થા કરાઈ ન હતી. જેને કારણે લોકોએ જ્યાં પાણી દેખાયા ત્યાં મૂર્તિઓ વિસર્જિત કરી હતી. દશામાની આવી અવદશા જોઈ અનેક ધર્મપ્રેમી લોકોએ નારાજગી વ્યક્ત કરી હતી. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૂર્તિ વિસર્જન માટે ચોક્કસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરાય તેવી માંગ કરાઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer