રજામાં કોઈ ફરક્યું નહીં અને ડીપીટી પ્રશાસનિક ભવનમાં વરસાદથી નુકસાન

રજામાં કોઈ ફરક્યું નહીં અને ડીપીટી પ્રશાસનિક ભવનમાં વરસાદથી નુકસાન
ગાંધીધામ, તા. 12 : શુક્રવારની રાતે તથા શનિવારે આ સંકુલમાં કુલ્લે 11 ઈંચથી વધુ વરસાદ પડી ગયો. યોગાનુયોગ શનિ, રવિ અને સોમ એમ ત્રણ દિવસ સરકારી રજા હોવાથી કર્મચારીઓને તો મોજ પડી ગઈ. અહીંના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના પ્રશાસનિક ભવનમાં વરસાદી પાણી કચેરીઓમાં ઘૂસતાં નુકસાની થઈ હતી. અલબત્ત કોઈ કર્મચારીઓએ રજાનો દિવસ હોવાથી કચેરીની સ્થિતિ સુદ્ધાં જાણવાનો પ્રયાસ નહોતો કર્યો. આજે પણ આમ તો રજા જ હતી, પરંતુ કેટલોક સ્ટાફ કોઈ અન્ય કામસર આવ્યો ત્યારે સ્થિતિની જાણ થઈ હતી. પ્રશાસનિક ભવનના ભોંયતળિયે  ઘણી કચેરીઓની બહાર પરસાળમાં ચુવાકને કારણે તથા જળભરાવથી પાણી ઘૂસ્યાં હતાં. રૂમ નં.4માં તો અંદર પાણી જતાં જરૂરી ફાઈલો, સ્કેનર, મશીન સહિતના સાધનો ખરાબ થઈ ગયા હતા. કેટલાંક અધિકારીઓને આ અંગે પૂછતાં તેમણે કહ્યું હતું કે, રજાના દિવસે કોઈ સ્ટાફ ઓવરટાઈમ વિના આવતો નથી. 60થી 80 હજારનો તગડો પગાર ધરાવતા આ કર્મચારીઓ સંસ્થા માટે કોઈ કામ કરવા તૈયાર થતા નથી. આજે કેટલાક ખાનગી કોન્ટ્રાક્ટરના માણસોને બોલાવીને સાફસફાઈ કરાવાઈ હતી. કંડલા સ્થિત ડીપીટી અગ્નિશમન દળ પણ આ સાફસફાઈમાં જોડાયું હતું. અન્ય કર્મચારીઓ કચેરીથી દૂર જ રહ્યા હતા. દરમ્યાન ડીપીટીના ગોપાલપુરી સ્થિત વસાહતમાં શનિવાર બપોરથી વીજળી ગુલ થઈ ગઈ હતી, જે રાત્રે પુન:?સ્થાપિત થઈ હતી, ત્યાં આજે ફરીથી પાંચેક કલાક વીજળી ચાલી જતાં કર્મચારીઓમાં નારાજગી પ્રસરી હતી. મોબાઈલ ફોન ચાર્જિંગથી માંડીને અનેક વિટંબણા સર્જાઈ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer