ગાંધીધામ સંકુલમાં ઇદની ઉમંગે ઉજવણી

ગાંધીધામ સંકુલમાં ઇદની ઉમંગે ઉજવણી
ગાંધીધામ, તા. 12 : સમગ્ર કંડલા સંકુલના મુસ્લિમ બિરાદરોએ આજે ઇદ ઉલ અઝહાની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. આજે સવારથી મુસ્લિમ બિરાદરો પોતાના બાળકો સાથે ઇદની નમાજ અદા કરવા માટે સંકુલની વિવિધ મસ્જિદોમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મસ્જિદએ નૂરી ખાતે મૌલાના અબ્દુલશકુર અને તયબા મસ્જિદ નવી સુંદરપુરી ખાતે મૌલાના શૌક્તઅલીએ ઇદની નમાજ અને ખુતબો પઢાવ્યો હતો. આ પ્રસંગે દેશ અને રાજ્યમાં અમન ભાઇચારો રહે તથા દેશની પ્રગતિ માટે દુઆ અદા કરવામાં આવી હતી. આજનો આ દિવસ પોતાનામાં રહેલી બુરાઇ અને દુર્ગુણોની કુરબાની આપવાનો તથા ગરીબ અને યતીમોને મદદ કરવાનો દિવસ હોવાનું મુસ્લિમ અગ્રણી હાજી જુમા રાયમાએ જણાવ્યું હતું તેમજ શ્રાવણ મહિનાનો સોમવાર હોવાથી એકબીજાના ધર્મનો આદર કરી પોતાના ધર્મની માન્યતાઓ મુજબ બન્ને સમાજ તહેવારોની ઉજવણી કરી અને એકબીજાની લાગણીઓનો ખ્યાલ રાખે તેવા ભાવ સાથે હિન્દુ ભાઇઓને શ્રાવણ મહિનાના સોમવારની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ વેળાએ શાહ નવાઝ શેખ, નાસીરખાન, રફીક બારા, ફિરોઝ સમા, અશરફ પાસ્તા, શકુરભાઇ માંજોઠી, સુમાર હિંગોરજા, લતીફ માંજોઠી, જુમા સમા, સતાર હિંગોરજા, નઝીર રાયમા, અજીજ દરવાન, સનાઉલ્લાખાન, અબ્દુલ પઠાણ વગેરે મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભારતનગરની ગોસિયા મસ્જિદ, સપનાનગર, એકતાનગર મસ્જિદ, ખારીરોહર, કિડાણા, ગળપાદર, મીઠીરોહર, કંડલા, આદિપુર વગેરે મસ્જિદોમાં પણ ઉત્સાહપૂર્વક ઇદની ઉજવણી કરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer