લાયકાતની `ઐસીતૈસી''! જૂથવાદની `જયજય'' ?

દિવ્યેશ વૈદ્ય દ્વારા ભુજ, તા. 10 : સાડા નવ વર્ષોથી જે યુનિવર્સિટીને કાયમી રજિસ્ટ્રાર નથી મળ્યા એ કચ્છ યુનિ.ને ન મળવા પાછળ ગંદુ રાજકારણ, વગવાદ અને ક્ષેત્રવાદ કારણભૂત હોવાની ગંભીર બાબત સપાટી પર આવી છે. દાયકો વીતી ગયો, એથી પ્રક્રિયામાં ઝડપ અને જગ્યા ભરવાની અનિવાર્યતા તો બાજુએ રહી `પોતાની જ વ્યક્તિ આવે', નહીં તો `જગ્યા ભલે ખાલી રહી'નું વલણ જોવા મળી રહ્યું છે અને જે લાગુ નથી પડતો એવો 2018નો રજિસ્ટ્રારનો નવા નિયમનો ભરતીનો પરિપત્ર આગળ ધરી કે તપાસના કારણો આગળ ધરી સમગ્ર પ્રક્રિયા જ રદબાતલ ગણવાની પેરવી થઈ રહી છે. જો કે ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ સત્તાવાર પત્ર આપવામાં હજુ અચકાઈ રહ્યાનું મનાય છે. ખરેખર જો દાનત હોય તો લાયકાતમાં જે આગળ હોય તેની નિમણૂક આપી દેવી જોઈતી હતી. તેને બદલે `જીસકી લાઠી ઉસકી ભેંસ'ની જેમ સમગ્ર પ્રક્રિયા જ માળિયે ચડાવી દેવામાં આવી રહી છે અને અંતે કચ્છની ઉચ્ચ શિક્ષણ સંસ્થાને ભોગવવાનું આવી રહ્યું છે. વિશ્વસનીય સૂત્રોનો દાવો છે કે, કોઈ યુનિ. કે વિસ્તાર ભોગ ન બને તેટલો કચ્છ ભોગ બની રહ્યું છે. કોઈ સત્તાવાર બોલવા તૈયાર નથી, પરંતુ રજિસ્ટ્રારનો હુકમ તૈયાર થઈ ગયો ને બહાર પાડવાની ઘડીઓ ગણાતી હતી, ને છેલ્લી ઘડીએ વિરોધી લોબીની વગ કામ કરી ગઈ છે. જ્ઞાતિવાદનો ભોગ બનેલી યુનિ. હવે ક્ષેત્રવાદનો ભોગ બને તો નવાઈ નહીં. તાજેતરની શૈક્ષણિક ભરતીઓ પછી વગ અને નાણાં કામ કરી ગયાની ખુલ્લેઆમ ચર્ચા યુનિવર્સિટીમાં થતી હતી. અધ્યાપકોની ભરતીમાં આ નવું પણ નથી. કુલપતિની નિમણૂક પણ છેલ્લા એક દાયકાથી રાજકીય બની ગઈ છે. પણ હવે યુનિ.માં વહીવટને લગતું ટોચનું પદ રજિસ્ટ્રાર પણ રાજકીય પદ બની ગયું છે. કારણ કે રજિસ્ટ્રાર સાથે કુલપતિનો મનમેળ ન થાય એ કેમ ચાલે ? યુનિ.ના મહત્ત્વના પદોમાં હવે નથી લાયકાત જોવાતી કે નથી અનુભવ, બોલાય છે માત્ર `આંકડા' અને `જૂથ'. અન્ય કેટલાક નિષ્ણાતો કહે છે કે, યુનિની સ્ટેચ્યુટ્સમાં કલમ 86.4માં રજિસ્ટ્રાર માટે ધોરણ દર્શાવેલું છે કે, માસ્ટર ડિગ્રીમાં 55 ટકા ઉપરાંત 15 વર્ષનો સિનિયર સ્કેલ (સિનિ. સ્કેલ એટલે છઠ્ઠા પગારપંચ મુજબ 7000ના સ્કેલમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોય)નો અનુભવ હોય, અથવા રિડર (8000 સ્કેલ)નો 8 વર્ષનો શૈક્ષણિક અનુભવ હોય અથવા 15 વર્ષનો શૈક્ષણિક સંસ્થામાં વહીવટી અનુભવ હોય. યુજીસીના ર010ના ધોરણ મુજબ પણ  એસો. પ્રોફેસર કે પ્રોફેસરનો 15 વર્ષનો શિક્ષણ-વહીવટી અનુભવ હોવો જોઈએ. જો કે આ ધોરણોનું સરકાર યોગ્ય લાગે તેમ અર્થઘટન કરે છે. પોતાને અનુકૂળ હોય તો નિયમ બતાવાય. બાકી, ધાર્યું કરવું હોય તો યુજીસી તો માત્ર ભલામણકર્તા સંસ્થા છે તેવું કહી દલીલ ફગાવી દેવાય. આ અભ્યાસુઓ દાવો કરે છે કે, કચ્છ યુનિ.ને સંબંધ છે ત્યાં સુધી રજિસ્ટ્રારની સ્ટેચ્યુટ્સ મુજબની લાયકાતવાળા એકમાત્ર ઉમેદવાર હતા, ઈસીમાંથી નામ પણ બે ગયા. છ મહિનામાં બીજીવાર ઈન્ટરવ્યૂ થયા. બે મહિના પહેલાં નાનકડા સવાલનો ઉકેલ કરાવાયો, પણ દાનત જ નહોતી. છેલ્લે 2018માં રજિસ્ટ્રાર માટે જે પાંચ વર્ષના કાર્યકાળને મર્યાદિત કરતો પરિપત્ર આવ્યો એ લાગુ પાડવાની વાત ઊઠી. જો કે અહીં રજિસ્ટ્રારની પ્રક્રિયા 2017માં શરૂ કરવામાં આવી હોવાથી અહીં દેખીતી રીતે લાગુ ન પડે, પણ કચ્છ માટે સરકારની અને લોકપ્રતિનિધિઓની ઈચ્છાશક્તિ જોઈએ. દાખલાઓ ટાંકતાં આ સૂત્રો કહે છે કે, જ્યારે જ્યારે સરકારની `ઈચ્છાશક્તિ' જાગે છે ત્યારે ત્યારે ફટ દઈને નિમણૂક થઈ જાય છે. આચારસંહિતા લાગુ થવાના કલાકો પહેલાં હુકમ બહાર પડી જાય ને ખુરશીનો ચાર્જ રવિવાર હોય તોય લેવામાં આવી જાય છે. પીડબલ્યુડીના ઈજનેરનો અનુભવી હોય તે પણ કુલપતિ નિમાઈ શકે કે જેને 15 તો ઠીક પાંચ વર્ષનોય પ્રાધ્યાપકનો અનુભવ ન હોય ને 40ની ઉંમર પણ ન થઈ હોય એ વીસી બની શકે છે. જે જૂથ ધોકા પછાડે એનું કામ થઈ જાય એવી શિક્ષણની હાલત થયાનું આ અનુભવીઓ વધુમાં આક્રોશપૂર્વક આક્ષેપ કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer