બિદડાનાં 45 શિવભક્ત ફોટ મહાદેવમાં ફસાયા

નખત્રાણા, તા. 12 : તાલુકામાં શનિવારે સાંજથી મધ્ય રાત્રિ દરમ્યાન ભારે વરસાદના કારણે 45 જેટલા બિદડાના શિવભક્તો ફોટ મહાદેવનાં મંદિરે લક્ઝરી બસ સાથે ફસાયા હતા. જેની મોડેથી બહાર આવેલી વિગતો ચોંકાવનારી છે. આખી રાત આ યાત્રિકોએ બસમાં ચાલુ વરસાદે ઠંડીમાં મહામુશ્કેલી સાથે વિતાવી હતી અને રવિવારે સવારે રામપર-રોહાના પાટીદાર યુવક મંડળના યુવાનોએ જંગલમાંથી મહામહેનતે ત્રણ ટેક્ટરો દ્વારા ફોટ મહાદેવ માંડ માંડ પહોંચી તમામ યાત્રીઓને રામપર-રોહા લાવી અલ્પાહાર, ચા બાદ દેવપર યક્ષની ટ્રક દ્વારા બિદડા મોકલવાની વ્યવસ્થા કરી હતી. બસ હજુ ફોટ મહાદેવ છે. હાલ ત્યાંથી નીકળવાની કોઈ શક્યતા નથી. હાલે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શનિવારે સાંજે પાંચેક વાગ્યાની આસપાસ વરસાદી માહોલ વચ્ચે બિદડાનો સંઘ ચાર પ્રહરની પૂજા માટે ફોટ મહાદેવ લક્ઝુરી બસ દ્વારા પહોંચ્યો હતો. ત્યારબાદ વરસાદે જોર પકડતાં ધોધમાર વરસાદ પડતાં રામપર-રોહા પાસેનો ડેમ ઓગની જતાં તેના ઓગનના પાણી રામપર-રોહા ફોટ મહાદેવના માર્ગે ફરી વળતાં રોડ પર દસથી પંદર ફૂટ જેટલાં પાણી ફરી વળતાં સદંતર માર્ગ બંધ થઈ ગયો હતો. જે આવતા ફેબ્રુઆરી માસ સુધી ઊતરવાની શક્યતા નથી. ફોટ મહાદેવમાં ફસાયેલા યાત્રિકોમાંથી ચાર જણે વરસાદની પરવા કર્યા વગર ચાર પ્રહરની પૂજા કરી બાકીના 41 જેટલા યાત્રિકોએ આખી રાત બસમાં ભયના ઓથાર વચ્ચે વીતાવી. કારણે ફોટ મહાદેવના પતરાના શેડની ચાલી ખુલ્લી છે. ત્યાં એકાદ-બે રૂમ છે. જેથી રાત વિતાવવી આવા મેઘાવી માહોલમાં સગવડ નથી. આ વાતની ખબર રામપર રોહા પાટીદાર યુવક મંડળના યુવાનોને પડતાં ડુંગરો વચ્ચેથી અંતરિયાળ જંગલમાંથી જેમતેમ કરી ત્રણેક જેટલા ટ્રેક્ટરો સાથે વહેલી સવારે પહોંચી સૌને રામપર પરત લઈ આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ફોટ મહાદેવ જવા જંગલમાંથી ઊબડખાબડ, ખાડા ટેકરાવાળો માર્ગ છે. અજાણ્યા માણસોને આ માર્ગ મળે પણ નહીં. તો ફોટ મહાદેવથી બાલાચોડ વચ્ચે પણ મથોળા સહિત હાલ નદીનું વહેણ ચાલુ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer