સંદેશા વ્યવહાર ક્ષેત્રે કચ્છના 100થી વધુ ગામો વિખૂટા

ભુજ, તા. 12 : કચ્છમાં પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં શનિવારે થયેલા ભારે વરસાદના પગલે બી.એસ.એન.એલ.ની ક્ષતિગ્રસ્ત થયેલી તમામ સેવાઓ હજુ આજે ત્રીજા દિવસે પણ પૂર્વવત થઈ શકી નથી. સામખિયાળી પાસે પાણીમાં ભૂગર્ભ કેબલ તણાઈ જવાના કારણે બંધ થયેલી સેવાને પાલનપુરવાળા અલગ રૂટ પરથી ચાલુ તો કરાઈ છે પરંતુ હજુ ગ્રામ્ય વિસ્તાર સંદેશાવ્યવહારથી વિખૂટો પડયો છે. આજે ત્રીજા દિવસે પણ એકસોથી વધુ ગામોમાં સંચાર નિગમની લેન્ડલાઈન સેવાથી માંડી ઈન્ટરનેટ, મોબાઈલ આ તમામ સેવાઓ બંધ પડી છે. આ અંગે બી.એસ.એન.એલ.ના જનરલ મેનેજર સંજીવ સિંઘવીનો સંપર્ક સાધતાં તેમણે સેવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. તેમના કહેવા પ્રમાણે શનિવારે સામખિયાળી વિસ્તારમાં થયેલા ભારે વરસાદના પગલે પાણી જોશભેર વહ્યા હતા. જેના કારણે સામખિયાળીથી અમદાવાદને જોડતો કચ્છનો મુખ્ય કેબલ ધોવાઈને તૂટી ગયો હતો. પૂર્વ કચ્છમાં રાત્રે ભયંકર વરસાદ ચાલુ હોવા છતાં પાલનપુરવાળા રૂટ ઉપર લઈને એક કિલોમીટર નવા કેબલને પાથરવા ટીમો કામે લાગી હતી. રાત્રે ત્રણ વાગ્યા પછી આંશિક સેવા શરૂ થઈ ગઈ હતી. પરંતુ જ્યાં એક્સચેંજ વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલાં હતાં એ વિસ્તારમાં સંદેશાવ્યવહારની સુવિધા શરૂ થઈ શકી ન હતી. આજે તો મોટાભાગનો કચ્છનો વ્યવહાર ચાલુ થઈ ગયો હોવાનું જણાવ્યું હતું. શ્રી સિંઘવીના કહેવા પ્રમાણે ગાંધીધામના મુખ્ય એક્સચેંજ, દયાપર, નખત્રાણા, નલિયા, નારાયણ સરોવર, ભચાઉ એ વિસ્તારમાં સો ટકા સેવા ચાલુ થઈ શકી નથી. કારણ કે તમામ ટેલિફોન એક્સચેંજ વીજતંત્ર સાથે જોડાયેલા છે. જ્યાં વીજ પુરવઠો બંધ છે ત્યાં એ વિસ્તારમાં નેટવર્ક શરૂ થઈ શક્યું નથી. કારણ કે બેટરી પણ અમુક કલાકો સુધી ચાલી શકે એ મુજબની વ્યવસ્થા છે. અબડાસા, લખપત અને રાપર, ભચાઉના 100 ગામોથી વધુ ગામોમાં નેટવર્ક ખોરવાયેલું છે. એક્સચેંજ બંધ હોય ત્યાં મોબાઈલ ટાવર પણ કામ કરતા નથી. નલિયાથી નારાયણ સરોવર, વાયોર, મોથાળા એક્સચેંજ આ તમામ હજુ ચાલુ થઈ શક્યા નથી. લખપતમાં દયાપર વિસ્તાર પણ સંપર્કવિહોણો છે એ વાતને જનરલ મેનેજરે સમર્થન આપ્યું હતું. અબડાસાના કોઠારા વિસ્તારમાં ભારે પાણી ભરાતાં કોઠારા એક્સચેંજ હેઠળના જખૌ, વાંકુ, ડુમરા વગેરે ગામો હજુ ચાલુ કરી શકાયા નથી. પણ એ વિસ્તારમાં 10 જગ્યાએ તૂટેલા કેબલ સાંધવા ટીમો કામે લાગી છે. જ્યાં જ્યાં પાણી ઓસરી રહ્યાં છે ત્યાં કેબલ શોધી પુન: સાંધવામાં આવે છે એમ જણાવીને ઉમેર્યું કે આવતીકાલ સુધીમાં કચ્છનો તમામ વ્યવહાર ચાલુ થઈ જશે તેવી ધારણા વ્યક્ત કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer