કચ્છમાંથી રેલવેને જંગી આર્થિક ફટકો

ગાંધીધામ, તા. 12 : ભારે વરસાદના કારણે વોંધ પાસે રેલવે ટ્રેક ધોવાઈ જતાં કચ્છનો રેલવે વ્યવહાર સદંતર ખોરવાઈ જતાં માલગાડી અને પેસેન્જર ટ્રેન બંધ રહી હતી. વેસ્ટર્ન ઝોનના કમાઉ દિકરાસમા ગાંધીધામ ડિવિઝનને ત્રણ દિવસમાં વરસાદના કારણે પ્રતિદિન જંગી આર્થિક નુક્સાનનો ફટકો સહેવો પડયો છે. શનિવારે પડેલા ભારે વરસાદના કારણે ભચાઉ તાલુકાના ધરાણા ગામનું તળાવ ફાટતાં વ્યાપક પાણી વોંધ નજીક રેલવે ટ્રેક ઉપર ફરી વળ્યાં હતાં જેના કારણે શનિવારથી જ કચ્છનો દેશના વિવિધ શહેરો સાથેનો રેલવે વ્યવહાર ખોરવાઈ ગયો હતો. કંડલા અને મુન્દ્રા બંદરેથી પ્રતિદિન 38 જેટલી માલગાડી અને કન્ટેનર ટ્રેનોનું લોડિંગ ગાંધીધામથી થાય છે. જેની પ્રતિદિનની આવક અંદાજે 12 કરોડની આસપાસ છે. ભારે વરસાદના કારણે સામખિયાળી, ભીલડી, પાલનપુર અને અમદાવાદ વચ્ચે કોઈ જોડાણ જ ન રહેતાં રવિવારે માલપરિવહન ઠપ રહ્યું હતું. આ પૂર્વે શુક્રવારે અને શનિવારે માત્ર 20 જેટલી જ રેકનું લોડિંગ થયું હતું. પ્રશાસન દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાતાં આજે સવારે અપલાઈન ચાલુ કરી દેવાઈ હતી. જેથી માલગાડીઓ રવાના કરવાનું શરૂ કરાયું હતું. આજે પ્રતિદિન 38 રેકની સામે માત્ર 9 રેકનું જ લોડિંગ થયું હતું. આમ હાલ છેલ્લા ચાર દિવસથી અડધાથી ઓછું લોડિંગ થતાં ચાર દિવસમાં જ અંદાજે 20 કરોડનું નુક્સાન નૂરભાડાંમાં જ થયું છે. તદઉપરાંત છેલ્લા ત્રણ દિવસથી ગાંધીધામ અને ભુજથી ઊપડતી તમામ ટ્રેનો રદ થઈ હોવાના કારણે પ્રવાસીઓને 100 ટકા રિફંડ ચૂકવવામાં આવ્યું હતું. જેથી ત્રણ દિવસમાં અંદાજે 10 લાખથી વધુની રકમનું રિફંડ રેલવે સ્ટેશનના પી.આર.એસ. સેન્ટર ખાતેથી જ અપાયું હતું. ઓનલાઈન બુક થયેલી ટિકિટોનું રિફંડ સીધું પ્રવાસીઓના બેન્ક ખાતામાં જમા થયું તેનો આંકડો તો અલગ જ. આ ઉપરાંત રેલવે ટ્રેકનું સમારકામ કરવા પાછળ પણ અંદાજે દોઢથી બે કરોડ જેટલો ખર્ચ થયો છે. આમ રેલવે પ્રશાસનને ત્રણ દિવસમાં ભારે ફટકો સહન કરવો પડયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer