કચ્છના 80 ગામમાં હજુય અંધારપટની સ્થિતિ

ભુજ, તા. 12 : કચ્છના પ્રવેશદ્વાર અને બીજી બાજુ સામે છેડે મેઘરાજા મન મૂકીને વરસવાનું ચાલુ રાખતાં આવશ્યક સેવાઓને મોટી અસર પહોંચી હતી. શનિવારથી બંધ થયેલી વીજસેવા હજુ અનેક ગામોમાં શરૂ નહીં થતાં બે દિવસથી અંધારપટ છે. અંદાજિત 400 જેટલા વીજ થાંભલા પડી ગયા છે જેને પુન: ઊભા કરવા પી.જી.વી.સી.એલ.ની ટીમો કામે લાગી છે. પરિસ્થિતિ જાણવા પી.જી.વી. સી.એલ.ના અધીક્ષક ઇજનેર અમૃત ગરવાનો સંપર્ક સાધતાં તેમણે કહ્યું કે હજુ અબડાસા અને લખપતને જોડતા ગામોમાં પાણી ભરાયેલા હેવાથી સ્થિતિને પહેંચી વળવું મુશ્કેલ છે. આજે સાંજ સુધી 80 ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ થઇ શક્યો નથી અને પડી ગયેલા થાંભલાને ઊભા કરવા ભાવનગર અને અમરેલીથી પાંચ-પાંચ ટીમોને બોલાવવામાં આવી છે. પી.જી.વી.સી.એલ.નું મોટા ભાગનું તંત્ર અત્યારે અબડાસામાં કામે લાગ્યું હોવાનું જણાવતાં શ્રી ગરવાએ કહ્યું કે આજે સવાર સુધી ભુજ સર્કલ હેઠળના 119 ગામોમાં લાઇટ બંધ હતી જે સાંજ સુધી ચાલુ થઈ ગઈ છે. જ્યારે અંજાર સર્કલ હેઠળ 22 ગામો વીજળીથી વંચિત હતા જેમાંથી મોટા ભાગના ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત્ કરી દેવામાં આવ્યો છે. અધીક્ષક ઇજનેરના જણાવ્યા પ્રમાણે કોઠારા સબ ડિવિઝન હેઠળના 33 ગામો બંધ હતા સાંજ સુધી પાંચ ગામો ચાલુ કરી શકાયા નથી. એવી રીતે નલિયા પેટા વિભાગ હેઠળ આવતા ચરોપડી ફીડરના 3 ગામો કેરવાંઢ, કોશા અને લૈયારીમાં પાણી ભરાયેલા હોવાથી પોલ ઊભા કરી શકાય તેવી સ્થિતિ નથી. રામપર અબડા હેઠળના 7 ગામોને રાત્રે અંધારામાં જ કાઢવા પડશે. તેરા ગામ હેઠળના 11 ગામો બંધ છે તેમાંથી ભગોડીવાંઢ, મોહાડીમાં તો વાહનો પહોંચવામાં જ મુશ્કેલ સ્થિતિ છે. હવે આખેઆખા ફીડર બંધ નથી કારણ કે જે વિસ્તારમાં સ્થિતિ સારી છે ત્યાં લાઇટ ચાલુ થતી જાય છે. અબડાસામાં બંધ થયેલા ગામોમાં ચાલુ કરવા 24 ટીમો કચ્છની જ છે, જ્યારે ભાવનગર, અમરેલીની વધારાની 10 મળી કુલ્લ 34 ટીમો પાણી ભરાયેલા છે તેની વચ્ચે જઇને પણ લાઇટ શક્ય હોય ત્યાં ચાલુ કરવાના પ્રયાસ કરે છે. નુકસાનીનો અંદાજ અંગે સવાલ કરાતાં તેમણે કહ્યું કે હજુ અમે લાઇટ ચાલુ કરવામાં પડયા છીએ પરંતુ પ્રાથમિક અંદાજ પ્રમાણે સવા કરોડની નુકસાની થઇ હોય તેવું લાગે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer