મહાબંદર ઓથોરિટી બિલનો દેશના પાંચ કામદાર મહાસંઘોએ કર્યો સખત વિરોધ

ગાંધીધામ, તા. 11 : દેશના મહાબંદરો ઉપર કામ કરતા બંદર અને ગોદી કામદારોના પાંચ મુખ્ય સંગઠનોની બનાવાયેલી સમન્વય સમિતિની એક બેઠક મુંબઇ ખાતે મળી હતી, જેમાં વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં શિપિંગ મંત્રાલય તરફથી મેજર પોર્ટ ટ્રસ્ટ એકટ 1963ને રદબાતલ કરી તેની જગ્યાએ મેજર પોર્ટ ઓથોરિટી બિલ 2019 રજૂ કરાયું છે તેનો વિરોધ કરાયો હતો. આ બિલ (ધારો) મહાબંદરો તથા તેમાં કામ કરતાં કામદારોને નુકસાન કરતાં હોઇ પરત ખેંચવાની માંગ કરાઇ હતી. વેજ રિવિઝન સમજૂતીના કેટલાક મુદ્દાઓનો વિવિધ બંદરગાહોના સત્તાવાળાઓએ અમલ કર્યો નથી. તેનો ત્વરિત અમલ કરી કામદારોને તેનો લાભ આપવા ચર્ચા કરી માંગ કરાઇ હતી. કેટલીક કેટેગરીઓને નવેસરથી વર્ગીકરણ કરવા અંગે અફજલ પરકર કમિટીના રિપોર્ટ ઉપર તુરંત અમલ કરવામાં આવે. શિપિંગ મંત્રાલય તરફથી વિવિધ સંગઠનોને માન્યતા આપવા અંગે જારી કરાયેલા પરિપત્ર સંદર્ભે સંગઠનો સાથે થયેલી સહમતી પ્રમાણે તે તુરંત પરત ખેંચવામાં આવે. ગોવા પોર્ટમાં વેજ રિવિઝન સમજૂતીમાં અમલ નથી કરાયો ત્યારે ત્યાંના સ્થાનિક સંગઠનને અન્ય પાંચ સંગઠનોએ આંદોલન કરવા માટે ટેકો જાહેર કર્યો હતો. સમન્વય સમિતિએ આ અંગે શિપિંગ મંત્રાલયના સચિવ, મુખ્ય શ્રમ અધિકારીઓને પત્ર પાઠવી સંગઠનો સાથે તુરંત એક બેઠક યોજવા માંગ કરવામાં આવી હતી. શિપિંગ મંત્રાલય જો આ મુદ્દાઓ અંગે સાનુકૂળ વલણ નહીં અપનાવે તો પાંચ સંગઠનો અને સંલગ્ન યુનિયનો દ્વારા જે-તે પોર્ટ ઉપર ઔદ્યોગિક વિવાદ એકટ 1947ની જોગવાઇઓ અંતર્ગત પ્રશાસનને તા. 29-9ના હડતાળ અંગે નોટિસ આપવામાં આવશે અને આ તારીખે પોર્ટ ઉપર સત્યાગ્રહ યોજવામાં આવશે તેવો નિર્ણય આ બેઠકમાં લેવાયો હતો. મહાબંદરગાહોને બચાવવા શિપિંગ મંત્રાલય અને પોર્ટ પ્રશાસન મજૂર વિરોધી વલણની સામે જોરદાર આંદોલન કરવાનો સમય પાકી ગયો હોવાનું ઓલ ઇન્ડિયા પોર્ટ એન્ડ ડોક વર્કર્સ સંગઠનના રાષ્ટ્રીય મહામંત્રી મનોહર બેલાણીએ જણાવ્યું હતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer