ભીમાસર-ટપ્પર 6 કિ.મી.ની પટ્ટરી નીચી હોવાના લીધે અકસ્માતની ભીતિ

ભીમાસર (તા. અંજાર), તા. 12 : અહિંથી ટપ્પર સુધીનો 6 કિ.મી. સુધીનો રસ્તો સ્ટેટ આર.એન્ડ બી. હેઠળ આવેલો છે. આ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે. અને રસ્તાથી પટ્ટરી એક ફૂટ જેટલી નીચે છે. જેથી કોઈપણ વાહનો સામસામા આવે ત્યારે રસ્તાની નીચે ઊતરવાની ખૂબ જ તકલીફ પડે છે. જેના કારણે ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. આ રસ્તા બાબતે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા વી.કે. હુંબલે સ્ટેટ આર. એન્ડ બી.ના કાર્યપાલક ઈજનેર ભુજ તેમજ નાયબ કાર્યપાલક ઈજનેર અંજારને મહિના પહેલાં રૂબરૂ મળી લેખિતમાં રજૂઆત કરી છે. તેમ છતાં આજ દિવસ સુધી તંત્ર દ્વારા કામ કરવાની વાત તો દૂર રહી પરંતુ રોડ ઉપર સ્થાનિકે મુલાકાત લઈ જોવાની પણ તસ્દી લેવામાં આવી નથી તેવું શ્રી હુંબલે આક્ષેપ સાથે ઉમેર્યું હતું. આ રસ્તા ઉપરથી હાલે દરરોજ 500થી વધારે ટુ વ્હીલર વાહનો તથા ફોર વ્હીલર કાર તથા મોટા વાહનો 400થી 500 પસાર થાય છે. તેમજ ટપ્પરથી ભીમાસર સુધી શાળાઓની બસો પણ પસાર થાય છે. તેમજ ટપ્પર ડેમ આ રસ્તે થઈને જવાય છે. આવો અગત્યનો રસ્તો હોવા છતાં આ રસ્તા માટે અધિકારીઓ દ્વારા કોઈ ચિંતા કરવામાં આવતી નથી. આ રસ્તો અંજારના રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના મતવિસ્તારમાં આવે છે અને કોઈ અને કોઈપણ નવું કામ મંજૂર થાય ત્યારે આ કામ અમે મંજૂર કરાવ્યું તેવી પ્રસિદ્ધિ કરતા હોય છે, ત્યારે આ રસ્તો મંજૂર કરાવવા માટે પ્રયાસો કરવામાં આવતા ન હોવાનો આક્ષેપ પણ શ્રી હુંબલે કર્યો છે. આ જ રસ્તાનો જ ભાગ લાખાપરથી ટપ્પર સુધી વાઈડિંગ થઈ ગયો છે. જ્યારે ટપ્પરથી ભીમાસર સુધીનો 6 કિ.મી. રસ્તો વાઈડિંગ કરી પહોળો કરવામાં આવતો નથી, પરંતુ આ રસ્તાની બંને બાજુ દોઢ દોઢ મીટર જેટલી પટરી હાર્ડ મોરમ કે મલમાની ભરવાની જોગવાઈ હોવા છતાં અધિકારીઓને આ બાબતે કોઈ રસ ન હોય તેવું દેખાય છે. આ બાબતે આ વિસ્તારના તા.પં.ના સભ્ય સામજીભાઈ આહીર, જિ.પં. વિપક્ષી નેતા વી.કે. હુંબલ, રબારી સમાજના આગેવાન હીરાભાઈ દેવાભાઈ રબારી દ્વારા અવારનવાર મૌખિક તેમજ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. હવે તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવું શ્રી હુંબલની યાદીમાં જણાવાયું છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer