બન્નીનું સીમાંકન નક્કી કરવા વ્યાયામ શરૂ

બન્નીનું સીમાંકન નક્કી કરવા વ્યાયામ શરૂ
ભુજ, તા. 1પ : એશિયાના શ્રેષ્ઠ ઘાસિયા પ્રદેશ બન્ની 1955ના કચ્છ કમિશનરના જાહેરનામાથી રક્ષિત જંગલ જાહેર થયા પછી આજે સીતેર વરસના લાંબા અંતરાલ બાદ ગ્રીન ટ્રિબ્યૂનલના આદેશથી સીમાંકનની કાર્યવાહી જમીન પર હાથ ધરાઈ હતી. ભુજ તાલુકાના ધ્રંગ ગામની મહેસૂલી હદ પૂરી થયા પછી બન્નીના બેરડો ગામની હદમાં આજે ડિસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડ ઓફિસ અને વન વિભાગની ટીમ તેમજ બન્ની માલધારી સંગઠનના સભ્યોની ઉપસ્થિતિમાં સીમાંકનનો પ્રથમ પીલર જમીન પર ખોડવામાં આવ્યો હતો. સાત દાયકાથી વન અને મહેસૂલ વચ્ચે અટવાતી બન્નીના વહીવટી નિયંત્રણનો કોકડો ઉકેલવાનો માર્ગ પણ મોકળો થયો છે, સાથેસાથે વન અધિકાર કાયદા અધિનિયમ હેઠળ મંજૂર થયેલા દાવાઓની પ્રક્રિયા પણ આગળ વધશે. બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા બન્નીમાં થયેલા ખેતીના બેફામ દબાણોને દૂર કરવા ગ્રીન ટ્રિબ્યૂનલમાં થયેલી અરજીના અનસંધાને ટ્રિબ્યૂનલ દ્વારા 31 ઓકટોબર સુધી બન્નીની હદોનું જમીન પર સીમાંકન કરી કુલ ક્ષેત્રફળ નક્કી કરવા કરાયેલા હુકમના અનુસંધાને આજે સવારે જ ડિસ્ટ્રીકટ લેન્ડ રેકર્ડ અધિકારી (ઈન્ચાર્જ) વી.આર. સાધુ તથા શ્રી ચૌહાણ, વી.વી. પટેલ, વી.કે. પટેલ તેમજ વન વિભાગના શ્રી દેસાઈ તેમજ તેમના સભ્યોની ટીમ બેરડો ગામની સીમમાં ડિમાર્કેશનના અત્યાધુનિક સાધનો જી.પી.એસ., સર્વે મશીનની મદદ વડે સીમાંકન શરૂ કરાયું હતું. સીમાંકન માટે બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન, સ્થાનિક બેરડો પંચાયત દ્વારા ઐતિહાસિક ઘટનાને ધ્યાને લઈ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. બન્નીની હદનો પ્રથમ પીલર જ્યાં ખોડવામાં આવ્યો ત્યાં ઉપસ્થિત સરકારી અધિકારીઓ, બન્ની માલધારી સંગઠનના પ્રમુખ મીરાશા મુતવા અને પ્રતિનિધિઓ દ્વારા શ્રીફળ વધેરીને આ ઐતિહાસિક કાર્યના શ્રીગણેશ કરાયા હતા. આ સાથે બન્નીના મૌલવી મીરખાન મુતવાએ સીમાંકનનું આ કામ કોઈ પણ જાતના વિઘ્ન વિના સમયસર પૂરું થાય તે માટે દુઆ માગી હતી. સંગઠનના પ્રતિનિધિઓ તેમજ સરપંચો મુસાભાઈ રાયશીપોત્રા, સાલેમામદ હાલેપોત્રા, રમજાનભાઈ હાલેપોત્રા, ઈશા મેરાણ, મુસ્તાકભાઈ મુતવા, હાસમભાઈ હાલેપોત્રા, અમીનભાઈ જત, નૂરમામદ જત વિગેરેએ આ ઐતિહાસિક સીમાંકન કાર્યવાહીની મુબારકબાદી આપી હતી. બન્નીના 47 ગામો દ્વારા વન અધિકાર કાયદા હેઠળ રજૂ કરાયેલા દાવાઓ જિલ્લા સમિતિ દ્વારા મંજૂર કરાયા છે, પરંતુ બન્નીનું સીમાંકન થયું ન હોવાથી અને વહીવટી ગૂંચવણ હોઈ હજુ સુધી અધિકારપત્ર અપાયા નથી પરંતું હવે સીમાંકન થતાં બન્ની લોકોના સામુદાયિક અધિકારોના ટાઈટલ આપવાનો માર્ગ સરળ બનશે. આ સાથે બન્નીના ગામોનું પણ સીમાંકન થવાથી વન ગામોને મહેસૂલી ગામમાં તબદીલ કરવાની કાર્યવાહી સરળ બનશે. ડી.આઇ.એલ.આર.ના શ્રી સાધુના જણાવ્યા પ્રમાણે બન્નીની માપણી માટે 10 ટીમોને ઉતારવામાં આવી છે. આજે પહેલા દિવસે ત્રણ ગામો ધ્રંગ, કોટાય અને ફુલાયના નિશાન લગાડવામાં આવ્યા હતા. ઉપસ્થિત બન્નીના આગેવાનો હાસમભાઈ નોડે, ઉરસ લોંગ, ઘોઘાભાઈ ખાસકેલી, ઉરસ ખમીસા, ઈન્દ્રીશભાઈ સુમરા, મજીદભાઈ નોડે વિગેરેએ જણાવ્યું હતું કે 19પપમાં જ્યારે બન્ની રક્ષિત જંગલ જાહેર કરવામાં આવી ત્યારે તત્કાલીન કમિશનર દ્વારા બન્નીની ચારે બાજુની હદો જેમાં ઉત્તરે કચ્છનું રણ અને ખાવડા મહાલ, દક્ષિણે ભચાઉ, અંજાર, ભુજ, નખત્રાણા અને લખપત તાલુકાની મહેસૂલી હદ, પૂર્વે ભચાઉ અને ખડીરની મહાલ અને પશ્ચિમે કચ્છના મોટા રણ અને કોરીક્રીક તરફનો ભાગ એવી ચતુર્દિશાઓ નિર્દિષ્ટ કરવામાં આવી હતી. હવે જ્યારે હદના ખુંટા જમીન પર લગાવાઈ રહ્યા છે ત્યારે બન્નીનું સીમાંકન 19પપના જાહેરનામા નિર્દિષ્ટ સીમા શેઢાઓ પ્રમાણે જ થાય તેવી રજૂઆત કરાઈ હતી. સીમાંકન કાર્યવાહીમાં ઉપસ્થિત બેરડો ગામના 77 વરસના બુઝુર્ગ માલધારી સુખિયા ખાસકેલીએ જણાવ્યું હતું કે હું બચપણથી અમારા આ સીમાડામાં ગાયો ચરાવું છું, બેરડો પંચાયતના તમામ સીમા શેઢાઓ બરાબર યાદ છે. અગાઉ મહેસૂલી ગામના કોઈ પણ લોકો બન્નીની હદમાં પગપેસારો કરતા ન હતા, પરંતુ છેલ્લા કેટલાક વરસથી લોકોને દબાણોની લાલચ લાગી હોય તેમ બન્નીની અંદર પગપેસારો કરીને બેફામ દબાણો કરી રહ્યા હતા. પરંતુ સીતેર વરસની વાટ જોયા પછી હવે બન્નીની હદના ખુંટાઓ લાગતાં આ દબાણો બન્નીની હદની અંદર આવી ગયા છે, જેથી આ દબાણો હવે આપોઆપ દૂર થશે અને અમારી ગાયો-ભેંસોને ચરવા માટેની પૂરતી મોકળાશ મળશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer