આઇસીસીની વિશ્વ કપ ટીમમાં રોહિત, બુમરાહનો સમાવેશ

આઇસીસીની વિશ્વ કપ ટીમમાં  રોહિત, બુમરાહનો સમાવેશ
નવી દિલ્હી, તા. 15 : વિશ્વ કપ 2019ની ફાઇનલ થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઇસીસી)એ `ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટ'ની જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય એ છે કે, આ ટીમમાં ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, ભુવનેશ્વર કુમાર, ડેવિડ વોર્નર, એરોન ફિંચ અને જોની બેયરસ્ટો જેવા દિગ્ગજ ખેલાડી સામેલ નથી. આઇસીસીની ટીમમાં ટીમ ઇન્ડિયાના માત્ર બે ખેલાડી રોહિત શર્મા અને જસપ્રિત બુમરાહનો સમાવેશ કરાયો છે. રોહિતે વિશ્વ કપ-2019માં પાંચ શતક સાથે 648 રન બનાવ્યા હતા, જ્યારે બુમરાહે ડેથ ઓવર્સમાં ઘાતક બોલિંગ કરી નવ દાવમાં 18 વિકેટ ખેરવી હતી. આઇસીસીની ટીમ ઓફ ધ ટૂર્નામેન્ટમાં બે ભારતીય, ચાર ઇંગ્લિશ, બે ઓસ્ટ્રેલિયન, એક બાંગલાદેશ, ત્રણ ન્યૂઝીલેન્ડના ખેલાડી છે. આઇસીસી અનુસાર આ ટીમના કપ્તાન કેન વિલિયમસન હશે કેમ કે તે આ ટીમમાં સામેલ એકમાત્ર કપ્તાન છે. ટીમ : રોહિત શર્મા (ભારત), જેસન રોય (ઇંગ્લેન્ડ), વિલિયમસન (ન્યૂઝીલેન્ડ), રૂટ (ઇંગ્લેન્ડ), શાકીબ અલ હસન (બાંગલાદેશ), સ્ટોક્સ (ઇંગ્લેન્ડ), કેરી (ઓસ્ટ્રેલિયા), સ્ટાર્ક (ઓસ્ટ્રેલિયા), આર્ચર (ઇંગ્લેન્ડ), ફર્ગ્યુસન (ન્યૂઝીલેન્ડ), બુમરાહ (ભારત) અને બોલ્ટ (ન્યૂઝીલેન્ડ).

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer