અંદાજે બે કરોડનું ફંડ છતાં બોર્ડનાં મકાનો `પાણી વિહોણા''

ભુજ, તા. 15 : સરકારી વસાહત ગુજરાત હાઉસિંગ બોર્ડના શ્યામજી કૃષ્ણ વર્મા સોસાયટીમાં 522 મકાનોમાં પાણી ન ફાળવાતાં રોષની લાગણી ફેલાઇ છે. અંદાજિત બે કરોડનું ફંડ હોવા છતાં અહીંના રહેવાસીઓને પાણી વિહોણા રહેવું પડે છે. જો પખવાડિયામાં આ સમસ્યા હલ નહીં કરાય તો ભુજ સુધરાઇ કચેરીને તાળાબંધી કરાશે તેવી ચીમકી રહેવાસીઓ દ્વારા અપાઇ છે. 522 પરિવારો વતી નખત્રાણા તા. ગ્રામ વિકાસ સમિતિ અધ્યક્ષ એન.ટી. આહીરે ધારાસભ્ય, સુધરાઇ પ્રમુખને કરેલી રજૂઆત મુજબ સરકાર દ્વારા મધ્યમવર્ગના લોકો માટે શ્યામજી કૃષ્ણ વર્મા સોસાયટીમાં મકાનો બનાવી અપાયા છે. સરકારના નિયમ મુજબ મકાનની મૂળ કિંમત 6,75,000 તથા દસ્તાવેજ અને 38,000 મેઈન્ટેનન્સના પણ એક મકાનદીઠ ભરાઇ ગયા છે. પરંતુ શ્યામજી કૃષ્ણ વર્મા સોસાયટીમાં પાંચ દિવસે એક જ વખત પાણી આવે છે. અહીંના રહેવાસીઓ દ્વારા તથા એસોસિયેશન દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં પ્રશ્ન ઉકેલાતો નથી. ભુજ નગરપાલિકાના પ્રમુખ, ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે મકાનોના લોકાર્પણના કાર્યક્રમમાં દેખાયા હતા ત્યાર પછી આજ દિવસ સુધી પૃચ્છા સુદ્ધાં ન કરી હોવાનું જણાવી ઉમેર્યું કે, 522 મકાનો પેટે રૂા. 1,98,36,000 મકાનમાલિકોએ આપેલા છે. ખરેખર આટલા રૂપિયામાં આ કોલોની માટે પાણીનો સ્વતંત્ર બોર, 5 લાખ લિટરવાળા ટાંકા તથા સ્વતંત્ર ફિલ્ટર પ્લાન્ટ ફાળવી શકાય. એટલી રકમ હોવા છતાં લોકો પાણી માટે તલસી રહ્યા છે. જો પાણીનો પ્રશ્ન 15 દિવસમાં હલ કરવામાં નહીં આવે તો નાછૂટકે ભુજ નગરપાલિકાને તાળાબંધી તથા ભુજના ધારાસભ્યના ઘરના પાણીનું જોડાણ કાપવાની ફરજ પડશે, તેવી ચીમકી અપાઇ હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer