અમેરિકામાં `જૈના'' દ્વારા બિદડાની સંસ્થા જયા રિહેબને એવોર્ડ અર્પણ કરાયો

અમેરિકામાં `જૈના'' દ્વારા બિદડાની સંસ્થા  જયા રિહેબને એવોર્ડ અર્પણ કરાયો
ભુજ, તા. 15 : સમાજલક્ષી પ્રવૃત્તિ કરતી જૈનોની સંસ્થા `જૈના' જૈન એસો. ઓફ નોર્ધન અમેરિકાનું 20મું કન્વેશન તાજેતરમાં લોસ એન્જલસ, કેલિફોર્નિયામાં યોજવામાં આવ્યું હતું. જેમાં બિદડાની જયા રિહેબને એવોર્ડ અપાયો હતો. ચાર દિવસીય સંમેલનમાં અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ અને ભારત ઉપરાંત અન્ય દેશોમાંથી અંદાજે 3,પ00થી વધુ જૈનો, જૈન સંસ્થાના પ્રતિનિધિઓ તથા 80 જેટલા જૈન મુનિઓ અને જુદા-જુદા વિષયોના નિષ્ણાત તજજ્ઞોએ વર્તમાન તથા આવનારા સમયમાં વ્યાપાર, ઉદ્યોગ, શિક્ષણ, આરોગ્ય તથા ધર્મક્ષેત્રમાં બદલાવ તથા પડકાર અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. જૈનાના પ્રમુખ દ્વારા દર વર્ષે શ્રેષ્ઠ કાર્ય કરતી સંસ્થાને એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે આ એવોર્ડ જૈનાના પ્રમુખ ગુણવંત શાહ દ્વારા દેશ-વિદેશમાં આરોગ્યક્ષેત્રે સેવાકીય કાર્ય કરતી કચ્છની ખ્યાતનામ સંસ્થા બિદડા સર્વોદય ટ્રસ્ટના પુન:વસન ક્ષેત્રે શ્રેષ્ઠ સારવાર કરતા જયા રિહેબ સેન્ટરને આ `પ્રેસિડેન્ટ એવોર્ડ' આપવામાં આવ્યો હતો. આ એવોર્ડનો સ્વીકાર બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજય છેડા, જયા રિહેબ સેન્ટરના દાતા અરાવિંદ શાહ અને જયાબેન શાહ, રિહેબ સેન્ટરના ડાયરેકટર મુકેશ દોશી અને ગીતાબેન તેમજ બિદડા ઇન્ટરનેશનલ ફાઉન્ડેશનના પ્રમુખ ડો. ગિરીશ શાહ અને જ્યોતિબેન શાહ વગેરે સાથે મળી સ્વીકાર્યા હતા. આ પ્રસંગે અમેરિકા તથા અન્ય દેશોમાંથી આવેલા પ્રતિનિધિઓએ જયા રિહેબ સેન્ટર તથા બિદડા સર્વોદય ટ્રસ્ટની સેવાકીય પ્રવૃત્તિ વિશેની ડોકયુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી. સંસ્થા દ્વારા થતી સમગ્ર સેવાકીય પ્રવૃત્તિની વિસ્તૃત માહિતી ચેરમેન વિજયભાઈ છેડાએ સંમેલનમાં ભાગ લેનાર મહેમાનોને આપી હતી. ગુરુદેવ રાકેશભાઈ, આચાર્ય લોકેશ મુનિ, વીરાયતનના આચાર્ય ચંદનાજીને કન્વેન્શનમાં ભાગ લેવા આવેલા લોકોએ સાંભળ્યા હતા. જૈન ધર્મનાં સિદ્ધાંતો વિશે વધુ જાણકારી માટે અમેરિકામાં આવેલું જૈન સેન્ટર આ માટે ખૂબ જ પ્રયત્ન કરે છે. આ માટે જૈન સેન્ટર ફોર સધર્ન કેલિફોર્નિયાએ ખૂબ જ રસ લઈને પાંચ યુનિવર્સિટીઓમાં જૈન કોર્સ શરૂ કરાવ્યા છે. જેથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ બીજા વિષય ઉપરાંત જૈન ધર્મના પાયાના સિદ્ધાંતો વિશે પણ જાણકારી મેળવી શકે. આ પ્રસંગે જૈનાના પ્રમુખ ગુણવંત શાહે જણાવ્યું હતું કે, અનેકવાર બિદડા સર્વોદય ટ્રસ્ટ તથા જયા રિહેબ સેન્ટરની મુલાકાત લીધી છે અને સંસ્થા દ્વારા યોજાતા સર્વરોગ નિદાન સારવાર શિબિરોમાં ગરીબ તથા જરૂરતમંદની થતી સારવાર નિહાળી ખૂબ જ પ્રભાવિત થયો છું. આ ર0મા જૈનાના કન્વેન્શનના કન્વીનર અને જૈનાના નવા પ્રેસિડેન્ટ મહેશ વાધર ર1મી સદીમાં સેલિબ્રિટી જૈન રિલિજીયન ઈન ર1 સેન્ચુરીની જાણકારી આપી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer