ગાંધીધામ સંકુલમાં પ્લાસ્ટિકના સંદર્ભે મશીન વસાવવા થતો પ્રયાસ

ગાંધીધામ સંકુલમાં પ્લાસ્ટિકના  સંદર્ભે મશીન વસાવવા થતો પ્રયાસ
ગાંધીધામ, તા. 15 : શહેરને સ્વચ્છ અને પ્રદૂષણ મુકત બનાવવા માટે પ્રયત્નશીલ અત્રેની સંસ્થા મિરર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વધુ એક વખત આદિપુરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. જેમાં અનેક લોકો જોડાયા હતા. સંસ્થાએ રિસાઈકલ થયેલા પ્લાસ્ટિકને રોડના મજબૂતીકરણ માટે ઉપયોગ કરવા અપીલ કરી હતી. ગાંધીધામ -આદિપુર સંકુલને સ્વચ્છ અને પ્રદૂષણમુકત બનાવવાના હેતુસર મે મહિનામાં ચેમ્બર પ્રમુખ દિનેશભાઈ ગુપ્તાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ મિશનને આગળ વધારવા સાથે વધુ એક વખત આદિપુરના સંતોષી માતાના મંદિરથી હરિઓમ ટ્રસ્ટ હોસ્પિટલ પાસે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું હતું. આ વેળાએ સંસ્થાના પ્રમુખ વી.પી. ઉન્ની, જયન નાયર, અંજલિ મહેતા, તુલસી સુજાન, ચંન્દ્રિકાબેન માધવન, ગૌરી સુજાન જોડાયા હતા. તેમજ ગાંધીધામ નગરપાલિકાના કમલ શર્માનો સહકાર સાંપડયો હતો. આગામી તા. 7 અને 8 ઓગસ્ટના આ સ્વચ્છતા કાર્યક્રમ યોજાશે. તેમજ ભવિષ્યમાં પણ આ સંદર્ભે આયોજન સાથે આગળ વધવામાં આવશે તેવી વિગતો અપાઈ હતી. આ મિશન અંતર્ગત સંસ્થાએ પ્લાસ્ટિક શેડિંગ મશીનની મદદથી પ્લાસ્ટિકના કચરાને રિસાઈકલ કરી તેમાંથી નીકળતા મટિરિયલને રસ્તાના મજબૂતીકરણમાં ઉપયોગમાં લઈ શકાય તેવું આયોજન છે. આ મશીન માટે ગાંધીધામ નગરપાલિકા અને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ તથા અન્ય એનજીઓને આર્થિક સહકાર આપવા અનુરોધ કરાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer